ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:ભાજપના પૂર્વ કોર્પોરેટરનો બચાવ - મારા સંબંધીના નામે ફ્લેટ નથી; મનપાના ચોપડે છ ફ્લેટ બોલે છે

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાજકોટના ઉપલા કાંઠામાં આવેલી ગોકુલનગર આવાસ યોજનામાં મનપાની માલિકીના ફ્લેટ ગેરકાયદે ઘૂસણખોરી કરી ભાડે આપવાના કૌભાંડમાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે જ્યારે આવાસમાં ગેરકાયદે નામ દાખલ કરી વધુ ફ્લેટ મેળવવાની ડ્રોની ગેરરીતિમાં પણ તંત્ર તપાસ કરી રહ્યું છે.

પોલીસ ફરિયાદમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર ગેલા રબારી ઉર્ફે ગેલાભાઈ કળોતરાના સગા ભત્રીજાની પત્નીનું નામ છે જ્યારે તેના મળતિયા રાણાની પુત્રવધૂનું નામ પણ છે આ તમામના ફ્લેટ પણ ગોકુલનગર આવાસમાં છે પણ હવે પોલીસ ફરિયાદ થતાં જ પૂર્વ કોર્પોરેટરે પોતાને કંઈ લાગતું વળગતું નથી તેમ કહીને બધાને અધવચ્ચે મૂકી પોતાની જાતને બચાવવા નવું ગતકડું ઊભું કર્યું છે.

ગેરકાયદે ફ્લેટ ભાડે આપવા મામલે મનપાએ પણ તપાસ આદરી છે અને તેમાં ગેલા રબારીની વિજિલન્સના અધિકારીએ પૂછપરછ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, ‘મારા પરિવારના નામે એકપણ ફ્લેટ નથી તેમજ ભાડે ફ્લેટ આપવા મામલે મારે કોઇ દેવા લેવા નથી હું ભાડે આપતો નથી.’ આ જુઠ્ઠાણાને મનપા સાચું પણ માની લેશે તેથી જ તેના ક્યા પરિવારના કોના નામે ફ્લેટ લીધા છે તેની તમામ વિગતો ભાસ્કરે બહાર કાઢી છે જેથી ગેરરીતિઓ ઢાંકી શકાય નહીં.

ભાજપના પૂર્વ કોર્પોરેટરે ગોકુલનગરમાં જેમના મકાન ડિમોલિશનમાં ગયા જ નથી તેવા તેના સગાભાઈ, ભાઈના પુત્રની પત્નીના નામે ફ્લેટ લખાવીને ભાડે ચડાવી દીધા હતા. મનપા પાસે તમામ ફ્લેટધારકોના નામ 6 મહિનાથી છે છતાં હજુ સુધી ફક્ત નિવેદન સુધી જ વાત પહોંચી છે અને તપાસ ક્યારે પૂરી થશે તે મામલે મ્યુનિસિપલ કમિશનર હજુ પણ ઝડપથી પૂરી થશે તેવું જ કહી રહ્યા છે.

આ રહ્યા ગેલાના પરિવારના નામના ફ્લેટ

ફ્લેટ નંબરનામ
K-302

કળોતરા બેચર બિજલભાઈ, સગોભાઈ

G-01

કળોતરા હંસાબેન ભીમશી, ભત્રીજા વહુ (સગાભાઈ જગાની પુત્રવધૂ)

G-204

કળોતરા માજુબેન સુરેશ, સગા કાકાના દીકરાની પત્ની

G-106

કળોતરા વાલીબેન સુરેશ, કૌટુંબિકભાઈના પત્ની

G-202

કળોતરા વાલીબેન દેવરાજ, સગા કાકી

J-307

લખધીર કાળા ખાંભલિયા, સગો સાળો

અન્ય સમાચારો પણ છે...