તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રાજકોટમાં ‘મારો પતિ મારી નાખશે, નહિતર હું તેના ત્રાસથી મરી જઈશ’, પિતા પાસે વ્યથા ઠાલવી પરિણીતાનો આપઘાત

રાજકોટ6 મહિનો પહેલા
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ.
  • પ્રેમલગ્ન કરનાર યુવતીના આપઘાતમાં પતિ સામે ગુનો

રાજકોટના જીવરાજ પાર્ક ભારતનગરમાં ચાર માસ પૂર્વે પ્રેમલગ્ન કરનાર નવોઢાએ 4 માર્ચે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ પ્રકરણમાં પિતાએ પુત્રીને મરવા મજબૂર કરવા અંગે પતિ સામે આજે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. પરિણીતાએ તેના પિતાને આપઘાત કરતા પહેલા કહ્યું હતું કે, મારો પતિ મારી નાખશે, નહિતર હું તેના ત્રાસથી મરી જઇશ.

12 ઓક્ટોબર 2020ના રોજ લગ્ન થયા હતા
રાજકોટના જામનગર હાઇવે ઉપર પરાપીપળીયા પાટિયા પાસે મહાદેવ પાર્કમાં રહેતા વિજયભાઈ લીલાધરભાઇ બદ્રકિયાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં જમાઇ નિલેશ સુભાષભાઈ વાઘેલા સામે દીકરી નેહલને મરવા મજબૂર કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે નેહલ એક શોરૂમમાં નોકરી કરતી હતી. એક વર્ષ પૂર્વે તેને નિલેશ સાથે પ્રેમસંબંધ છે તેવું પરિવારને જણાવતા બંનેના પરિવાર મળ્યા હતા અને રાજીખુશીથી 12 ઓક્ટોબર 2020ના રોજ ધામધૂમથી લગ્ન કર્યા હતા.

4 માર્ચે પરિણીતાએ આપઘાત કર્યો હતો
ત્યારબાદ બંને ભારતનગરમાં રહેવા ગયા હતા. એક મહિના પૂર્વે નેહલે પિતાને ફોન કરી અહીંથી તેડી જાવ તેમ કહેતા તેણીના પિતા તેને માવતરે લઇ ગયા હતા. ત્યારે પતિ ખૂબ ત્રાસ આપતો હોય અને નાના નાના કામ બાબતે ઠપકો આપતો હોય અને સંયુક્ત પરિવારમાં રહેવા દબાણ કરતો હોવાનું તેમજ જો તે ત્યાં જશે તો તેને મારી નાખશે અથવા તેના ત્રાસથી તેણી આપઘાત કરી લેશે તેવું જણાવ્યું હતું. છતાં પતિ 10 દિવસ બાદ માવતરેથી તેડી ગયો હતો અને અંતે પતિના ત્રાસથી કંટાળી ગત 4 માર્ચે નેહલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તાલુકા પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં જામનગરના કારખાનેદારે ધંધામાં ખોટ જતાં વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજખોરો અવારનવાર ત્રાસ આપતા રાજકોટ ખાતે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર શહેરના શાસ્ત્રીમેદાન પાસે એક યુવાને ફિનાઇલ પી લેતા 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસમથકના એએસઆઇ રાજુભાઇ સોલંકી હોસ્પિટલ દોડી ગયા હતા.