શહેરના સ્લમ વિસ્તારોમાં વીજથાંભલે લંગરિયા નાંખી વીજચોરીના બનાવોમાં પકડાયેલાઓને અદાલત કોર્ટ કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધીની સજાના હુકમ કરતી હોય છે, પરંતુ સાત વર્ષ પૂર્વેના વીજચોરીના એક કેસમાં અદાલતે દાખલારૂપ ચુકાદો આપી દસ દિવસની સજાનો હુકમ અને ત્રણ ગણો દંડ ફટકારતો હુકમ કરતા વીજચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
પીજીવીસીએલ વતી રોકાયેલા એડવોકેટ જિતેન્દ્ર એમ.મગદાણીએ કેસની વિગત આપતા જણાવ્યું કે, પીજીવીસીએલના અધિકારી ગોપાલભાઇ પટેલ તેમની ટીમ સાથે 2014માં રણછોડનગર સબ ડિવિઝન વિસ્તારમાં આવતા માર્કેટિંગ યાર્ડ પાછળ, માલધારી સોસાયટીમાં વીજચેકિંગમાં ગયા હતા.
ત્યારે આ વિસ્તારમાં રહેતા ભીમાભાઇ મેરાભાઇ બાંભવાએ તેના ઘર પાસેના વીજથાંભલામાં લંગરિયું નાંખી વીજચોરી કરી હતી. જેથી તેની સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. બાદમાં વીજચેકિંગ ટીમ પાંચ દિવસ બાદ ફરી આ જ વિસ્તારમાં ચેકિંગ કરવા જતા ઉપરોક્ત ભીમાભાઇ બાંભવાએ લંગરિયું નાંખી વીજચોરી કરતા મળી આવ્યા હતા.
પાંચ દિવસમાં બીજી વખત વીજચોરીમાં પકડાતા પીજીવીસીએલના અધિકારીએ પાંચ દિવસ વીજચોરી કરવા બદલ રૂ.19નું બિલ ફટકારી ભીમાભાઇ બાંભવા સામે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદને પગલે વીજચોર ભીમાભાઇ બાંભવા સામે સ્પે.જજ એ.વી.હીરપરાની કોર્ટમાં કેસ ચાલ્યો હતો.
પુરાવાઓ સાથેની રજૂઆત બાદ અદાલતે બીજી વખત વીજચોરીમાં પકડાયેલા ભીમાભાઇ બાંભવાને દોષિત ઠેરવી દસ દિવસની સજા તેમજ રૂ.57નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. અને જો દંડની રકમ ન ચૂકવે તો વધુ બે દિવસની સજાનો આદેશ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.