સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ABVP દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાત્રે પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી જઇને વિદ્યાર્થીઓને કેટલીક બાબતો અંગે સૂચના આપતાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે દંડાવાળી કરતાં સાત વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હતા. જેના પડઘા રાજકોટમાં પડ્યાં છે. શહેરમાં સતત બીજે દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ABVPના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં સુરત પોલીસ હાય હાય, પીઆઇ મોદી કો સસ્પેન્ડ કરો જેવા નારા લાગ્યા હતા.તેમજ પોલીસે દારૂ પીને વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ ABVP દ્વારા કલેક્ટર કચેરી ખાતે સુરત પોલીસની દાદાગીરીના વિરોધમાં સુત્રોચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જવાબદારોને સસ્પેન્ડ કરો : ABVP
આ મુદ્દે રાજકોટ ABVPના કાર્યકરે જણાવ્યું હતું કે, સુરતમાં ચકચારી ઘટના બની છે. વિદ્યાર્થી પરિષદના કાર્યકરો યુનિવર્સિટીમાં જઇને ગરબા રમી રહ્યા હતા. આ માટે કુલપતિએ પણ મંજૂરી આપી હતી. ત્યારે પોલીસે કોઇ પણ પ્રકારની પૂછપરછ કર્યા વિના સીધા વિદ્યાર્થીઓને મારવા લાગી હતી. પોલીસે દારૂ પીને આ બધુ કર્યો છે. વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે. જવાબદાર તમામ પોલીસ કર્મચારીઓને હંમેશાને માટે સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગ છે.
કાર્યકરો યુનિવર્સીટી બંધ કરાવવા માટે પહોંચ્યા
ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીમાં શિક્ષણ અને વહીવટી કાર્ય બંધ કરાવવા પ્રયાસ કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ABVPના કાર્યકરોએ ઓફિસ સ્ટાફને બહાર નીકળવા કહી યુનિવર્સીટી બંધ રાખવા દબાણ કર્યુ હતું જો કે આ બાદ સ્ટાફ ફરી ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસ કામ શરૂ કરી દીધું હતું. સુરતની ઘટના બાદ ABVP દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કેમ્પસ ખાતે યુનિવર્સીટી બંધ કરાવવા માટે પહોંચ્યા હતા જ્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
પોલીસે ABVPના કાર્યકરોની અટકાયત ટાળી
પોલીસ બંદોબસ્ત વચ્ચે કેમ્પસ બહાર કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી પીઆઇ મોદી સસ્પેન્ડ કરવા નારા લગાવ્યા હતા. પોલીસે સુરત જેવી સ્થિતિ રાજકોટમાં ન થાય એ માટે વિરોધ કરી રહેલા ABVPના કાર્યકરોની અટકાયત ટાળી હતી. ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીમાં કેમ્પસ બંધ કરાવવા માટે સ્ટાફને બહાર નીકળવા કહ્યું હતું જો કે, કાર્યકર્તા પરત જતા સ્ટાફ ફરી ઓફિસમાં જઈ પોતાનું કામ શરૂ કરી દીધું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.