મનપા એક્શન મોડમાં:રાજકોટમાં સતત ચોથા દિવસે રૈયા ચોકડીથી યાજ્ઞિક રોડ સુધીમાં 94 ચાના થડા જપ્ત કરી દબાણ દૂર કરાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 150 ફુટ રીંગ રોડ અને શિતલ પાર્ક ચોકમાથી રૂ.1000નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 4 દિવસથી રોડ અને ફૂટપાથ પરના દબાણ દૂર કરવા માટે ચાના થડા અને ટેબલ પર તવાઇ બોલાવવાની ચાલુ કરી છે. જ્યાં ગત તા.4 અને 5 તારીખના રોજ રૈયા ચોકડીથી યાજ્ઞિક રોડ સુધીમાં 94 જેટલા ચાના થડાને મનપા દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.

આ સ્થળોએથી થડા જપ્ત કરવામાં આવ્યા
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ચાના થડા અને ટેબલ તથા અન્ય ચીજવસ્તુઓ જપ્તી કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં સાગર ફાસ્ટ ફુડ, રામેશ્વર પ્લાસ્ટીક, ગુરદેવ સેલ્સ, નસિબ રસ, જલારામ ફાસ્ટ ફુડ, બાલાજી ફરસાણ, ઠક્કર ફરસાણ સહીત 94 સ્થળોએ દબાણ દૂર કરવામાં આવ્યા છે. જ્યાં રૈયા મેઈન રોડ, રૈયા ચોકડી, રૈયા સિમેન્ટ રોડ, યુનિ.રોડ, 150 ફુટ રિંગ રોડ શિતલ પાર્ક ચોક, નાના મૌવા રોડ, રૈયા એક્ષચેંજ રોડ, ઢેબર રોડ, 80 ફુટ રોડ, એ.યુ. બેંકની બાજુમાં, યાજ્ઞિક રોડ, જ્યુબેલી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 150 ફુટ રીંગ રોડ અને શિતલ પાર્ક ચોકમાથી રૂ.1000નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં અવ્યો છે.

ગેરકાયદે ચાના થડા દૂર થવાથી આ ફાયદાઓ થશે

  • દબાણ હટશે : કોમ્પ્લેક્સ હોય કે દુકાન ત્યાંથી શરૂ કરી છેક રોડ સુધી પતરાં નાખી રોડ પર સગડો અને પાણીની ટાંકી મૂકી બધી પાર્કિંગ અને ફૂટપાથની જગ્યા પર દબાણ થાય છે જે હટતા પાર્કિંગ ખુલ્લું થશે.
  • ગંદકી ઘટશે : વાસણો અને હાથ ધોવા રોડ કાંઠે જ પાણીની ટાંકી મુકાય જેથી ત્યાં જ પાન મસાલાની પિચકારીઓ લાગે છે, થડા દૂર થતા આ ગંદકી ઘટશે.
  • ન્યૂસન્સથી રાહત : રોડ પર આડેધડ વાહન પાર્ક કરીને ચોક્કસ ટોળાં અડ્ડો જમાવે છે જેથી બહેન-દીકરીઓ નીકળી પણ શકતી નથી અને તે ન્યૂસન્સ પોઇન્ટ બની જાય છે, તેમાંથી રાહત મળશે.
  • ટ્રાફિક : પાર્કિંગમાં દબાણ, થડો અને ચા લેવા રોડ પર વાહન પાર્ક થતા ટ્રાફિક સમસ્યા થાય છે. થડા હટતા રોડ ખુલ્લો થશે અને ચાલકોને રાહત થશે.
  • રોજગાર પર અસર : જ્યાં જ્યાં ચાના ગેરકાયદે થડા ચાલે છે તેની આસપાસ પાન-ફાકી સિવાયના તમામ રોજગાર ઠપ થઈ જાય છે, જે હવે ઘટશે.