રાજકોટ શહેરમાં ધીમી ગતિએ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જ્યાં આજે ફરી નવા 3 કેસ દાખલ થયા છે. જ્યારે 1 દર્દી કોરોનામુક્ત થતા હાલ 24 દર્દીઓ સારવાર હેઠળ છે. જેથી કુલ કેસની સંખ્યા 63734 પર પહોંચી છે.દિવસેને દિવસે કોરોનાના કેસ વધતા દૈનિક ટેસ્ટનો ટાર્ગેટ 900થી વધારીને 1500 કરવા સૂચના અપાઈ છે. બીજી તરફ હાલ જે નવા કેસ આવી રહ્યા છે તેમાં તાવને બદલે શરીરમાં નબળાઈ અને ગળામાં દુખાવો જેવા લક્ષણો દેખાઈ રહ્યા છે. આ કારણે નવો વેરિયન્ટ છે કે પછી જૂના વેરિયન્ટમાં આ ફેરફાર આવ્યા છે તે માટે રાજકોટમાં નોંધાયેલા નવા કેસ પૈકી 7ના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવા માટે સૂચના આવી છે.
એરપોર્ટ અને બસપોર્ટ પર ટેસ્ટિંગ શરૂ કરાશે
કોરોના કેસમાં વધારા અંગે રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રૂટિન કામગીરી કરવામાં આવે છે તે શરૂ જ છે. મોટાભાગના કેસ વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. 21 આરોગ્ય કેન્દ્રમાં વેક્સિનની કામગીરી ચાલુ છે. 1.40 લાખથી વધુ લોકોએ ફર્સ્ટ ડોઝ, 1.27 લાખથી વધુ લોકોએ સેકન્ડ ડોઝ અને 87 હજાર લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે. એરપોર્ટ અને બસપોર્ટ પર ટેસ્ટીંગ શરૂ કરાશે, તેમજ મુસાફરોના સ્ક્રિનીંગ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 12000થી વધુ લોકોએ બૂસ્ટર ડોઝ લીધો નથી. શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓને પણ રસી લેવા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે. માસ્ક અને રસી બે જ કોરોના સામે લડવા માટે ઉપાય છે.
પોઝિટિવના સંપર્કમાં આવેલા 3ને કોરોના
રાજકોટ શહેરમાં કોરોનાના નવા કેસ હવે વધવા લાગ્યા છે અને ત્રીજી લહેર બાદ પ્રથમ વખત એકસાથે 7 નવા કેસ નોંધાયા છે તેથી આરોગ્ય તંત્ર એલર્ટ પર આવ્યું છે. જે 7 નવા કેસ નોંધાયા છે તેમાં મોટામવાની 30 વર્ષીય યુવતી, ઈન્દ્રપ્રસ્થનગરના 42 વર્ષીય મહિલા અને ઘંટેશ્વરના 58 વર્ષીય વૃદ્ધાનો સમાવેશ થાય છે. આ ત્રણેય દર્દી અગાઉ પોઝિટિવ આવેલા લોકોના સંપર્કમાં આવ્યા બાદ સંક્રમિત થયા છે. આ સિવાય બે દિવસ પહેલા બેંગકોક ફરવા ગયેલ યુવાન પોઝિટિવ આવ્યો હતો તેની જ સાથે ફરવા ગયેલા તેના પરિવારના 48 વર્ષના પુરુષનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે બાકીના બે કેસ 56 અને 65 વર્ષના વૃદ્ધા છે જે અમીન માર્ગ અને કોલેજવાડીના છે, આ બંને મુંબઈથી આવ્યા હોવાનું નોંધાયું છે.
શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 22 થઈ
રેલવે સ્ટેશન પરથી આવતા યાત્રિકો પૈકી કોઈમાં લક્ષણો દેખાય અને તાત્કાલિક ટેસ્ટ કરાવવા હોય તે માટે મનપાની આરોગ્ય શાખાની ટીમ રેલવે સ્ટેશન પર મુકાઈ છે જે લોકોને ટેસ્ટ કરાવવા હોય તે કરાવી શકશે. શહેરમાં ટેસ્ટિંગ બૂથ જરૂર પડ્યે મુકાશે તેવું મનપાએ જણાવ્યું છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 63731 પર પહોંચી છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 22 થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.