ખેડૂતોના જીવનમાં સુખાકારીનો સૂર્યોદય લાવતી ‘કિસાન સૂર્યોદય યોજના’ હેઠળ વિવિધ ગામોમાં કૃષિ માટે દિવસે વીજળી અપાઈ રહી છે. પ્રથમ તબક્કામાં સમાવિષ્ટ સૌરાષ્ટ્રના 15 તાલુકાના 434 ગામના ખેડૂતોને સવારે પાંચથી રાત્રે નવ વાગ્યા સુધી વીજળી આપવામાં આવી રહી છે તેમ પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું. આ યોજના અંતર્ગત અમરેલીના બે તાલુકા, ગીર સોમનાથના છ તાલુકા તેમજ જૂનાગઢના સાત તાલુકા મળીને 15 તાલુકામાં 340 ફીડર મારફતે દિવસે વીજળી પહોંચી રહી છે.
ખેતર સુધી વીજળી પહોંચાડવા માટે જેટકો દ્વારા હાલ તબક્કાઓમાં કામગીરી ચાલી રહી છે. જે મુજબ, વીજ વિતરણ નેટવર્કને મજબૂત બનાવવા, ખેતરો સુધી દિવસે વીજળી પહોંચાડવા માટે વીજ ઉત્પાદન ક્ષમતા વધારવા અને ઉત્પાદિત ઊર્જાના પરિવહન માટે વીજલાઇનોને મજબૂત બનાવવાની કામગીરી પણ ગતિમાં છે.
એમ.ડી.એ જણાવ્યું હતું કે, ઊર્જાના પરિવહનમાં થતો લાઈનલોસ તેમજ સમય ઘટાડવા, ઉપરાંત ખેડૂતોના ઘરઆંગણે જ વીજ ઉત્પાદન કરીને તેમને તત્કાલ વીજળી પહોંચાડવાના આયોજન પણ ગતિમાં છે. ભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન યોજના હેઠળ સબ સ્ટેશન લેવલ ઉપર દરેક ફીડરની સાથે સોલાર પ્લાન્ટ લગાવાશે. જેનાથી ઉત્પાદિત સૌરઊર્જા ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવામાં આવશે. આ યોજના અંતર્ગત 120 મેગાવોટ સૌરઊર્જાના ઉત્પાદન માટેની બીડ આવી ગઈ છે અને તેને મંજૂરી માટે વડી કચેરીએ મોકલી આપવામાં આવી છે.
મંજૂરી પછી તેની કામગીરી પણ શરૂ થઈ જશે અને 120 મેગાવોટ એનર્જી અમારા નેટવર્કમાં આવશે. આ ઉપરાંત વધુ 500 મેગાવોટ સૌરઊર્જા ઉત્પાદન કરવાનું આયોજન છે. જેના માટે ટેન્ડર થઈ ગયા પછી વીજ ઉત્પાદન સ્થાનિક સ્તરે જ થશે. આ વીજળી ખેડૂતોને વપરાશ માટે આપી શકીશું અને ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક પર તેનું ભારણ પણ નહીં આવે.
સૌરાષ્ટ્રના ગામડાંઓમાં હાલ ખેડૂતોને ઓછો સમય વીજળી મળતી હોવાની અનેક ફરિયાદો ઊઠી છે ત્યારે પીજીવીસીએલે હાલ કિસાન સૂર્યોદય યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 15 તાલુકાના 434 ગામડાઓમાં સવારે 5 થી રાત્રે 9 સુધી વીજળી આપવાનો પ્રોજેક્ટ અમલી કર્યો છે.
હવે આગામી દિવસોમાં વીજકંપનીના સબસ્ટેશનોમાં પણ સોલાર પ્લાન્ટ લગાવાશે અને આ સોલાર પ્લાન્ટ થકી ઉત્પાદિત થનારી વીજળી સીધી જ ખેડૂતોને વિતરણ કરાશે. આ ઉપરાંત સૌરઊર્જા થકી 500 મેગાવોટ વીજળી પણ ઉત્પન્ન કરવાનું પીજીવીસીએલનું આયોજન છે. આવું કરવાથી ખેડૂતોને વધુમાં વધુ વીજળી પૂરી પાડી શકાશે અને જેની વીજ વિતરણ વ્યવસ્થા ઉપર અસર નહીં પડે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.