રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખી એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે ખોડલધામ, વીરપુર જલારામ મંદિર, કામનાથ મહાદેવ મંદિર, વેણુ-ફુલઝર-ન્યારી-2 ડેમ, આજી-3 ડેમ, IOC પાઇપલાઇન, રામાપીર મંદિર, યુ-ફ્રેશ ડેરી, ભાદર ડેમ, સબ જેલ, જેતલસર રેલવે સ્ટેશન, ગોંડલ બસ સ્ટેશન, પાટણવાવ માત્રી મંદિર સહિત 104 સ્થળ આસપાસ આજથી 30 જૂન સુધી ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહવિભાગના પત્ર બાદ જાહેરનામું બહાર પડાયું
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ વાઇટલ ઇન્સ્ટોલેશન, VVIP રહેણાંક, અગત્યની સરકારી કચેરીઓ અને અન્ય પ્રતિબંધિત વિસ્તારની સુરક્ષા કરવાની જવાબદારી ગ્રામ્ય પોલીસની છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયે જાહેર કરેલા પત્રમાં જણાવ્યા મુજબ વાઇટલ એરિયા, સેન્સેટિવ એરિયાને ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરવા. આ અંગે ભારત સરકાર તરફથી 10 મે 2019ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેને ધ્યાને લઇ યુએવી કે જેમાં રિમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલા ડ્રોન અથવા એરિયલ મિસાઇલ, હેલિકોપ્ટર, રિમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ, એરક્રાફટ કે પેરાગ્લાઇડર જેવા સંસાધનોથી દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને આવારા તત્વો ગેરલાભ લઇને દેશની સુરક્ષાને હાનિ પહોંચાડવાનું કાર્ય કરે છે.
જાહેરનામાનો ભંગ કરનાર કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર
આ જાહેરનામામાં સરકારી વિભાગો, પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોક્ત સંસાધનોને મુક્તિ આપવામાં આવે છે. જુદા જુદા કારણોસર ડ્રોનથી શુટિંગ કરવાની પરવાનગી પોલીસ અધિક્ષક કે તેઓ દ્વારા અધિકૃત પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી નીચેની રેન્કના ન હોય તેવા પોલીસ અધિકારી આપી શકશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારા વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ સને-1860ની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી ASI સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું આજથી 30 જૂન સુધી અમલમાં રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.