માનવ જિંદગીને બચાવવા સંતોનો સેવાનો ભેખ:રાજકોટ સ્વામિ.ગુરૂકુળમાં 250 બેડની કોવિડ હોસ્પિ.માં કોરોના દર્દીને ફ્રીમાં સારવાર, સંતો જાતે રોટલી બનાવી પ્રેમથી જમાડે છે

રાજકોટ5 મહિનો પહેલા
  • છેલ્લા 26 દિવસથી ચાલતા આ સેવા કાર્યમાં કુલ 4 ડોક્ટર અને 20 નર્સિંગનો સ્ટાફ કાર્યરત

કોરોનાની બીજી ઘાતક લહેરમાં સંક્રમણની સાથે સાથે મૃત્યુઆંક પણ વધ્યો હતો. આ બીજી ઘાતક લહેરમાં અનેકવિધ વિવિધ જ્ઞાની-અજ્ઞાની, નામી-અનામી, વિદ્વાન, સંતો-મહંતોના પણ ભોગ લેવાયા છે. ત્યારે દર્દીઓને નારાયણના સ્વરૂપમાં જોઇ રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા છેલ્લા 26 દિવસથી કોરોના દર્દીઓની મફ્તમાં સારવાર કરી અનોખો સેવાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. જેમાં મુખ્ય 3 સેવા આપવામાં આવી રહી છે. રાજકોટના સ્વામિનારાયણ ગુરૂકુળમાં 250 બેડની કોવિડ હોસ્પિટલ બનાવી સંતો ફ્રીમાં કોરોના દર્દીને સારવાર આપી રહ્યાં છે. તેમજ જાતે રોટલી બનાવી દર્દીઓને જમાડે છે.

મહામારીમાં સંતો મેદાને આવ્યા
18 માર્ચ 2020ના રોજ ગુજરાતમાં પ્રથમ પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાયો હતો. બાદમાં સંક્રમણ વધતા સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું. એ સમયથી જ તમામ શહેર અને જિલ્લામાં સેવાભાવી લોકો અને સંસ્થાઓએ આગળ આવી અવિરત સેવા જરૂરિયાતમંદ લોકોને પુરી પાડી હતી. જ્યારે કે બીજી ઘાતક લહેરમાં પણ સારવાર માટે બેડ અને ઓક્સિજનની અછત સર્જાતા અનેક સેવાભાવી સંસ્થા આગળ આવી છે.

ગુરૂકુળમાં ત્રણ સેવાઓ આપવામાં આવે છે
રાજકોટમાં 19 એપ્રિલ 2021થી એટલે કે છેલ્લા 26 દિવસથી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા રાજકોટ દ્વારા દર્દીને નારાયણ સ્વરૂપમાં નિહાળી અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. જેમાં મુખ્ય 3 સેવા નિઃશુલ્ક રીતે પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં દર્દીનારાયણ 3 મુખ્ય સેવા આપવામાં આવી રહી છે. ફ્રી કોવિડ કેર સેન્ટર એન્ડ આયસોલેશન સેન્ટર, ફ્રી ફૂડ સર્વિસ અને ફ્રી હેલ્થ સેફ્ટી કીટ વિતરણનો સમાવેશ થાય છે.

સંતો જાતે જ દર્દીઓ માટે રસોઈ બનાવે છે.
સંતો જાતે જ દર્દીઓ માટે રસોઈ બનાવે છે.

સિટી સ્કેન 2500ને બદલે 800 રૂપિયામાં કરી અપાય છે
રાજકોટના ઢેબર રોડ પરની સંસ્થા દ્વારા કોવિડ કેર અને આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કુલ 250 બેડની સુવિધા રાખવામાં આવી છે. જે પૈકી 50 બેડ આઇસીયું તેમજ 200 આઈસોલેશન માટે રાખવામા આવ્યા છે. છેલ્લા 26 દિવસથી ચાલતા આ સેવા કાર્યમાં કુલ 4 ડોક્ટર્સ તેમજ 20 નર્સિંગ સ્ટાફ કાર્યરત છે. 50 હરિભક્તો અને 83 સ્વયંસેવકો તદ્દન ફ્રીમાં કોરોના દર્દીઓની અવિરત સેવા કરી રહ્યાં છે. એટલું જ નહીં એ સાથે બહાર જે સિટીસ્કેન રિપોર્ટ 2500 રૂપિયામાં થતો તે અહીંયા માત્ર 1500 અને તેમાં પણ ગરીબ દર્દી હોય તો તેને માત્ર 800 રૂપિયામાં રિપોર્ટ કરી દેવામાં આવી રહ્યો છે.

દર્દીઓને ત્રણ ટાઇમ પૌષ્ટિક ભોજન પીરસાય છે.
દર્દીઓને ત્રણ ટાઇમ પૌષ્ટિક ભોજન પીરસાય છે.

500થી વધુ દર્દીને ફ્રીમાં સારવાર અપાઇ
સંસ્થા દ્વારા 26 દિવસમાં સતત 24 કલાક સેવા પૂરી પાડી 500થી વધુ દર્દીને કોવિડ કેર અને આઈસોલેશન સેન્ટરમાં સારવાર આપવામાં આવી છે. સારવાર લેતા દર્દી પૈકી 90.28% દર્દીઓ સાજા થયા છે જ્યારે કે બાકીના 10% દર્દીને વેન્ટિલેટરની જરૂરિયાત સર્જાતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ 10% દર્દીને બહાર આપવી પડતી સારવારને સંસ્થાના શ્રુતિપ્રકાશ સ્વામી દ્વારા તેમની સફળતા ગણાવવામાં આવી હતી. હાલ કોવિડ કેર સેન્ટરના ICU વોર્ડમાં 50 પૈકી 28 બેડ પર દર્દી સારવાર લઇ રહ્યા છે જ્યારે 22 બેડ ખાલી છે. જે એપ્રિલ માસમાં પિક પોઇન્ટ દરમિયાન હાઉસફુલ જોવા મળતા હતા.

દર્દીઓના ખબર અંતર પૂછતા સંતો.
દર્દીઓના ખબર અંતર પૂછતા સંતો.

દર રવિવારે પ્લાઝમા ડોનેશનેશન કેમ્પ
ગુરુકુળમાંથી સાજા થઇ પરત ફરતા દર્દીને એક ખાસ અપીલ કરવામાં આવી રહી છે. જેમાં દરેક લોકો શક્ય હોય તે રીતે સેવા યજ્ઞમાં જોડાય અને બીજા લોકોને મદદ કરે. જેના કારણે અનેક લોકોના જીવ બચી શકે છે. આ કોરોના સામે ડરવાના બદલે સાવચેતી રાખી થાય તેટલી બીજાની મદદ કરવા અપીલ કરવામાં આવી રહી છે. આ સાથે સપ્તાહમાં બે વખત ગુરુકુળ ખાતે બુધ અને રવિવારના રોજ પ્લાઝમા ડોનેશન કેમ્પ થાય છે. જેમાં પણ વધુને વધુ લોકો ભાગ લે અને બીજા દર્દીને નવું જીવન આપે તે માટે ખાસ અપીલ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...