કોરોનાનો ડર ગયો!:જન્માષ્ટમી પર્વમાં રાજકોટીયન્સ ફરવા નીકળ્યાં, સૌથી વધુ ગોવા, મનાલી, લદાખની પસંદગી, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં બુકિંગ માટે પડાપડી

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસે લોકોનો ધસારો.
  • સૌરાષ્ટ્ર વાસીઓનો પ્રિય તહેવાર એટલે જન્માષ્ટમી, કોરોનાની ચિંતા છોડી લોકો ફરવાનું પસંદ કરી રહ્યાં છે

આવતીકાલથી જન્માષ્ટમીના પાવન પર્વની શરૂઆત થઇ રહી છે. બીજી તરફ સતત બીજા વર્ષે રાજકોટનો લોકમેળો બંધ રહેવાથી લોકો કોરોનાની વૈશ્વિક મહામારીને ભૂલી સારા વાતાવરણમાં પરિવાર અને મિત્રો સાથે તહેવાર મનાવવા પસંદ કરી રહ્યાં છે. આ માટે લોકો ડોમેસ્ટિક સ્થળ પસંદ કરી ટુર બુકિંગ કરાવી રહ્યાં છે. રાજકોટીયન્સે સૌથી વધારે ગોવા, મનાલી, લદાખ સહિતના ફરવાલાયક સ્થળોની પસંદગી કરી છે. શહેરની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં બુકંગ માટે લોકો રીતસરના પડાપડી કરી રહ્યાં હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

ફરવાલાયક સ્થળો ફરી ધમધમવા લાગ્યા
ફરવાનું નામ પડે અને રાજકોટીયન્સના મુખ પર ઉત્સાહ જોવા ન મળે તવું અશક્ય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી લોકોનો ઉત્સાહ અને ખુશી કોરોનાની મહામારીએ છીનવી લીધી હતી. રાજ્યમાં કોરોનાના સતત વધી રહેલા કેસોના કારણે ફરવાલાયક સ્થળો ખાલીખમ જોવા મળતા હતા. પરંતુ આજે બે વર્ષ બાદ કોરોનાના કેસોમાં રાહત થતા ફરવાલાયક સ્થળો ફરી ધમધમવા લાગ્યા છે.

ગોવા રાજકોટીન્સથી ઉભરાશે (ફાઇલ તસવીર).
ગોવા રાજકોટીન્સથી ઉભરાશે (ફાઇલ તસવીર).

તહેવાર પર રિલેક્સ થવા લોકો હરવા-ફરવાનું પસંદ કરી રહ્યાં છે
એક સમય હતો કે કોરોનાના કેસો સતત વધી રહ્યાં હતા. જેના કારણે લોકો ફરવા જવાનું તો દૂર પરંતુ ઘરની બહાર નીકળવાનું પણ પસંદ નહોતા કરી રહ્યાં. પરંતુ આજે બીજી ઘાતક લહેર બાદ પરિસ્થિતિ કાબૂમાં જોવા મળી રહી છે. જેને કારણે સરકાર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સૌરાષ્ટ્ર વાસીઓનો પ્રિય તહેવાર એટલે જન્માષ્ટમીનો તહેવાર. આવતીકાલથી સાતમ-આઠમનો પર્વ શરૂ થઇ રહ્યો છે. ત્યારે આ તહેવાર પર રિલેક્સ થવા લોકો હરવા-ફરવાનું પસંદ કરી રહ્યાં છે. જેને લઇને અગાઉથી બુકિંગ માટે ટુર ઓફિસ પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દીપકભાઈ કારિયા.
રાજકોટમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દીપકભાઈ કારિયા.

કોવિડને કારણે ઘણા ઇન્ટરનેશનલ સ્થળો પર જવું અશક્ય
રાજકોટમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દીપકભાઈ કારિયાએ જણાવ્યું હતું કે, ફરવા લાયક સ્થળોમાં લોકોની પસંદગીની વાત કરીએ તો લોકો હાલમાં ફરવા માટે ઇન્ટરનેશનલ કરતા ડોમેસ્ટિક ટુર વધારે પસંદ કરી રહ્યાં છે. કારણ કે કોવિડને કારણે ઘણા ઇન્ટરનેશનલ સ્થળો પર જવું શક્ય નથી તો જ્યાં જઇ શકાય છે ત્યાં કડક નિયમો હોવાને કારણે વિદેશ ફરવાનું લોકો ટાળી રહ્યાં છે. આથી ડોમેસ્ટિક ટુર પસંદ કરી રહ્યાં છે. ડોમેસ્ટિક ટુરની વાત કરવામાં આવે તો ખાસ ગોવા, સિમલા-મનાલી, કાશ્મીર, લેહ લદાખ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને હરિદ્વાર જેવા સ્થળો વધુ પસંદ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે રાજકોટથી ગોવાની સીધી ફ્લાઇટ શરુ થતા લોકો ગોવા જવાનું પણ વધુ પસંદ કરી રહ્યાં છે.

ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં લોકોનો ધસારો.
ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં લોકોનો ધસારો.

ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસો ટુરિસ્ટથી ભરચક્ક
કોરોનાની બીજી ઘાતક લહેર દરમિયાન ઘણા બધા લોકોએ પોતાના સ્વજનો અને મિત્રો ગુમાવ્યા છે. ત્યારે આ ડિપ્રેશનને દૂર કરવા હળવા થવાનું લોકો પસંદ કરી રહ્યાં છે. જેને કારણે જે ટુર ઓપરેટરોની ઓફિસ પણ બે વર્ષથી ખાલીખમ જોવા મળતી હતી તે હવે ટુરિસ્ટથી ભરચક્ક જોવા મળી રહી છે. લોકો એડવાન્સ બુકિંગ કરી સાતમ-આઠમના પર્વ પર ફરવા જવાનું પસંદ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...