શહેરના સાધુવાસવાણી રોડ, અંજની પાર્ક-3માં છેલ્લા દોઢ વર્ષથી પુત્રી સાથે રહેતી રીના નામની પરિણીતાએ કુંકાવાવના જંગર ગામે રહેતા પતિ ચંદ્રશેખર, સસરા ઓઘડભાઇ મનસુખભાઇ વાઝા, નણંદ કાજલબેન, નણદોઇ અજયભાઇ બાબુભાઇ પરમાર, ફઇજી ભાનુબેન ઉર્ફે ભાવનાબેન નંદકિશોરભાઇ ભાયાણી સામે મહિલા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાના લગ્ન ચંદ્રશેખર સાથે 2017માં થયા હતા. લગ્નના આઠ દિવસ બાદ પોતે પતિ સાથે રાજકોટ રહેતા હતા.
છ-સાત મહિના બાદ જ પતિ પોતાને પિયર સાથે વાત નહિ કરવાની અને વાત કરવી હોય તો સાસરિયાઓ સામે કરવાની તેમ કહી ફોનનો ઘા કરી તોડી નાંખી માર માર્યો હતો. સસરા અવારનવાર રાજકોટ આવતા રહેતા હોય તેઓ તારા બાપે કરિયાવરમાં કંઇ દીધું નથી તેમ કહી ઝઘડો કરી પતિને ચડામણી કરતા રહેતા હતા. જ્યારે પતિ સાથે પોતે સાસરે જતા ત્યારે નણંદ અને સસરા કરિયાવર મુદ્દે મેણા મારી જમતી વેળાએ આ તારા બાપાનું ઘર નથી, જે મળે તે તે જમી લેવાનું નહિતર ભૂખ્યું રહેવાનું કહેતા હતા તેમજ પિયરથી દહેજ લઇ આવવા દબાણ કરતા હતા.
બાદમાં દીકરીનો જન્મ થતા પતિ સહિતના સાસરિયાઓને નહિ ગમતા મેણાં મારતા હતા. બાદમાં પતિ પોતાને આરામ કરવા પિયર મૂકી ગયા હતા. જ્યારે પતિને તેડી જવા માટે ફોન કરે તો તેઓ તારા માવતરથી ડિલિવરી સમયે થયેલો ખર્ચ અને આણામાં કરિયાવરની વસ્તુઓ તૈયાર રાખ તો જ તેડવા આવીશનું કહેતા હતા. સમાધાન માટે પણ અનેક પ્રયાસો કર્યા પરંતુ પતિ કે સાસરિયાઓ પોતાને પરત લઇ જવા તૈયાર ન હોય અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.