તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભય:રાજકોટના ગારીડા બામણબોરમાં ખેતરમાં 8 ફૂટનો અજગર આવી ચડ્યો, વન વિભાગે રેસ્કયૂ કરતા ગ્રામજનોએ રાહતનનો શ્વાસ લીધો

રાજકોટ3 મહિનો પહેલા
વન વિભાગે રેસ્ક્યૂ કરી જંગલમાં અજગરને છોડ્યો.
  • અજગર વાડીમાં રહેલા રાફડામાં ઘૂસી ગયો હતો

રાજકોટના ગારીડા બામણબોર ગામે વાડીમાં 8 ફૂટ લાંબો એક અજગર આવી ચડ્યો હતો. આથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગામના અમરશીભાઇ ગેલાભાઇ વાટીયા નામના ખેડૂતની વાડીમાં સવારે 8 વાગ્યાના અરસામાં 8 ફૂટ લાંબો અજગર આવી ચડ્યો હતો. આથી તેઓએ વન વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી. વન વિભાગની ટીમે અજગરનું રેસ્ક્યૂ કરી લેતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અજગર રાફડામાં ઘૂસી ગયો હતો
વન વિભાગની ચોટીલા રેન્જના અધિકારી ભરતભાઈ સોલંકી અને તેમનો સ્ટાફ દોડી આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો અજગર એક રાફડામાં ઘૂસી ગયો હતો. વન વિભાગની ટીમે રાફડામાં જોયું તો અજગર અંદર હતો. આથી વન વિભાગની ટીમે ગામમાંથી જેસીબી બોલાવ્યું હતું. જેસીબીની મદદથી અજગરને કોઈ પણ ઇજા ન થાય તે રીતે રાફડાને ચારેબાજુથી ખોદવામાં આવ્યો હતો. બાદમાં સહી સલામત આઠ ફૂટ લાંબા અજગરને વન વિભાગની ટીમે તરત જ પકડીને કોથળામાં નાખી લઈ ગયા હતા અને જંગલ વિસ્તારમાં છોડી મૂક્યો હતો.

રાજકોટ આસપાસ અવારનવાર હિંસક પ્રાણીઓ આવે છે
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર હિંસક પ્રાણીઓ આવી ચડે છે. થોડા સમય પહેલા જ રાજકોટના આજીડેમ સુધી સિંહની ત્રિપુટી આવી ચડી હતી. તેમજ આ સિંહ ત્રિપુટીએ પ્રાણીઓનું મારણ કર્યું હતું. આ સિવાય રાજકોટની ભાગોળે અવારનવાર દીપડા પણ આવી ચડે છે. જોકે બાદમાં વન વિભાગ દ્વારા પકડી લેવામાં આવે છે અને તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે છે.