પર્દાફાશ:રાજકોટના ફૂડ સેફ્ટી ઓફિસરના પત્નીને ખાખરાની ફેક્ટરી, પતિ ચેકિંગ કરવા જાય અને સાથે ઓર્ડર પણ લેતા આવે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કાયદા મુજબ જે કોઇ વ્યક્તિનું ખાદ્ય પદાર્થોના વેચાણ સાથે આર્થિક હિત સંકળાયેલું હોય તે ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે ગેરલાયક ઠરે
  • મનપાના ફૂડ સેફ્ટી ઓફિસર કેતન રાઠોડે પત્નીના નામે ખાખરા અને ફ્રાઈમ્સની ફેક્ટરી શરૂ કરી વેપારીઓને માલ પધરાવ્યો

રાજકોટ શહેરમાં ખોરાકમાં ભેળસેળ સૌથી મોટી સમસ્યા છે. સેમ્પલ લેવાની સંખ્યા જૂજ હોવા છતાં તેમાંથી ફેલ રેશિયો 20 ટકા છે તેથી એ સ્પષ્ટ થાય છે કે, શહેરમાં કેટલી ભેળસેળ છે. આ બદીઓને દૂર કરવા માટે સેમ્પલિંગ વધારવું પડે, ચેકિંગ કરવા પડે અને જ્યાંથી ભેળસેળ થાય છે ત્યાં મૂળ સુધી જવું પડે. આ બધી કામગીરી મનપાની આરોગ્ય શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરે કરવાની હોય છે પણ આ ઓફિસર જ ખાખરા અને ફ્રાઈમ્સની ફેક્ટરી ખોલી ધંધો વધારવામાં લાગ્યા છે.

ફૂડ સેફ્ટીના કાયદામાં ફૂડ સેફ્ટી ઓફિસરની નિમણૂકને લઈને ચેપ્ટર 2માં નિયમો છે તેમાં ચેપ્ટર 2.1.3 જેમાં ફૂડ સેફ્ટી ઓફિસરની લાયકાત દર્શાવાઈ છે તેમાં સ્પષ્ટ લખેલું છે કે, ખાદ્ય પદાર્થને લગતા કોઇપણ પ્રકારના ઉત્પાદન, વિતરણ, આયાતમાં આર્થિક હિત ધરાવતા હોય તેમની નિમણૂક થઈ શકે નહીં. આ સ્પષ્ટ હોવા છતાં રાજકોટ મનપાના ફૂડ સેફ્ટી ઓફિસર કેતન રાઠોડે પોતાની પત્નીના નામે ખાખરા બનાવવાની ફેક્ટરી શરૂ કરી દીધી છે અને પાપાઝ બાઈટ નામની આ બ્રાન્ડના ખાખરા બજારમાં મૂક્યા છે.

આ ઉપરાંત પણ ફ્રાઈમ્સ પ્રકારની બીજી પ્રોડક્ટ વેચાઈ રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, વેપારીઓ પર આ ખાખરા વેચવા દબાણ કરાયું છે. પોતાના હોદ્દાનો દુરુપયોગ કરતા ફૂડ ઓફિસરની કરતૂત બધા જ જાણે છે પણ હજુ સુધી મ્યુનિસિપલ કમિશનર કે કમિશનર ઓફ ફૂડ એન્ડ ડ્રગ્સને જાણ કરાઈ નથી.

શહેરી વિસ્તારની બહાર ફેક્ટરી, ભાગીદારોમાં પરિવારજનોના નામ
જે ફેક્ટરીમાં પાપા’ઝ બ્રાન્ડના નામે ખાખરા બનાવાય છે તે જેનિમ ફૂડ્સ શહેરની બહાર લોધિકા જીઆઈડીસી વિસ્તારમાં છે તેમાં ભાગીદાર તરીકે કેતન રાઠોડના પત્ની હેતલબેન ઉપરાંત જે લોકોના નામ છે તેમાં તેમના સાસરિયા પક્ષના સભ્યો પણ છે તેમજ શ્યામ દલસાણિયા નામની વ્યક્તિ કે જે પણ તેમના સંબંધી છે તેમને કંપનીના સંચાલક બનાવાયા છે. અન્ય ભાગીદારોમાં ભગવાનજી શામજી દલસાણિયા, સીમાબેન શાંતિલાલ ચાંગેલા, હિતુલ દિલીપભાઈ મારવણિયા તેમજ કિશોરચંદ્ર શાહ છે.

ફરિયાદ મળતા ભાસ્કરે કરી તપાસ
મનપાના ફૂડ સેફ્ટી ઓફિસર વેપારીઓ પર દબાણ કરીને ચોક્કસ પ્રકારના જ ખાખરા વેચવાનું કહેતા હોવાની ફરિયાદ મળી હતી. જેને લઈને અલગ અલગ વેપારીઓને મળતા કેતન રાઠોડનું નામ આવ્યું હતું. ચોપડે તેમના પત્નીનું નામ હતું પણ વેપારીઓ પાસે માણસો મોકલીને ખાખરાના ઓર્ડર લખાવતા હતા. તેમના ડરે કોઇ વેપારી પોતાનું નામ આપવા તૈયાર ન હતા ભાસ્કરે ખાખરાની ફેક્ટરીને લગતા તમામ પુરાવાઓ એકઠા કરીને તપાસ કરી હતી.

બંનેનો વહીવટ અલગ છે: રાઠોડ
કેતન રાઠોડને આ મામલે પૂછવામાં આવતા તેઓએ સ્વીકાર્યું હતું કે, ‘ખાખરાનો બિઝનેસ પત્નીના નામે છે, અમારા બંનેનો વહીવટ અલગ છે, તે તેનું કામ કરે છે અને હું મારું કામ કરું છું’ પત્નીના નામે હોવાથી વધુ એક પ્રશ્ન કરાયો હતો કે પતિ-પત્ની સાથે જ રહે છે કે અલગ અલગ, તો તેના જવાબમાં સાથે રહેતા હોવાનું કહ્યું હતું. પત્ની સાથે હોય અને ફૂડનો બિઝનેસ કરતા હોય તો તે આર્થિક હિત જ ગણાય તે પ્રશ્ન કરાતા જવાબ આપી શક્યા ન હતાં.