તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સૌરાષ્ટ્રમાં ભર‘પૂર’ તબાહી - ગાંડીતૂર નદીઓ, છલકાતા ડેમ, બેટમાં ફેરવાતા ગામો... અને ઝઝૂમતી જિંદગી...

રાજકોટ, જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ-પોરબંદર હાઈવે - Divya Bhaskar
જૂનાગઢ-પોરબંદર હાઈવે
  • 3 જિલ્લામાં ભારે તારાજી, ઘર અને રસ્તા તૂટ્યા, પશુ તણાયા, પાક તબાહ
  • નેવી, કોસ્ટ ગાર્ડ મદદે, રાજકોટ અને જામનગરમાં સેંકડોને એરલિફ્ટ કરાયા
  • હજુ ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

મેઘરાજાની આતુરતાથી રાહ જોતા સૌરાષ્ટ્રવાસીઓએ વિચાર્યું નહોતું કે જેને રિઝવી રહ્યા છીએ તે મેઘરાજા તાંડવ સર્જશે. સોમવારે શરૂ થયેલા ધોધમાર વરસાદે ચિત્ર પલટાવી દીધું હતું. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં ભારે તારાજી સર્જાઇ હતી, સૌથી વધુ જામનગર જિલ્લો અસરગ્રસ્ત બન્યો છે. ખેતીની જમીનનું થયેલું ધોવાણ ખેડૂતો માટે પડકારરૂપ બન્યું છે, 100થી વધુ પશુઓનાં મોત થયા હતા તો 4700 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું. મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની જાતમુલાકાત લઈને લોકોને પડેલી હાલાકી નજરે નિહાળી હતી. બાદમાં મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે સરવેની કામગીરી બાદ સહાયની જાહેરાત કરવામાં આવશે.

પોરબંદરના મોટાભાગના ડેમ છલકાયા
રાજકોટ જિલ્લાના લોધિકા, ગોંડલ તાલુકા અને જામકંડોરણા તાલુકામાં ખાનાખરાબી થઇ છે. અનેક પુલ ધરાશાયી થઇ જતાં ગામો વિખૂટા પડી ગયા છે. સ્ટેટ હાઇવે પર પણ ધોવાણ થતાં નાના ગામોમાંથી અવરજવર શરૂ કરવી પડી છે. પોરબંદર જિલ્લામાં મોટાભાગના ડેમ છલકાઇ જતાં નીચાણવાળા ગામના 964 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે. જામનગરના કાલાવડ અને અલિયાબાડામાં પડેલા ધોધમાર વરસાદનું પાણી ધુંવાવ ગામ અને સીમમાં ફરી વળતાં ગામમાં તારાજી સર્જાઇ હતી. ગામમાં 6 ફૂટ પાણી ઘૂસી જતાં ગ્રામજનો જીવ બચાવવા માટે મકાનની અગાસી પર ચડી ગયા હતા અને ઘરવખરીનો નાશ થયો હતો.

અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને મુખ્યમંત્રીઅે કહ્યું- ‘સરવે પછી સહાયની જાહેરાત કરાશે’
અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને મુખ્યમંત્રીઅે કહ્યું- ‘સરવે પછી સહાયની જાહેરાત કરાશે’

ધુંવાવના નીતાબેને કહ્યું હતું કે, ઘરમાં ગારાના થર જામ્યા છે, પાણી ઓસરી ગયું છે પરંતુ ઘરમાં જવું મુશ્કેલ છે, તમામ સામગ્રી બગડી ગઇ છે. હસમુખભાઇએ ભારે હૈયૈ કહ્યું હતું કે, ખેતીની જમીનનું ધોવાણ થઇ ગયું છે, ઊભી મોલાતમાં ભારે નુકસાની થઇ છે. રાજકોટ જિલ્લામાં 1537 લોકોનું સ્થળાંતર કરાયું હતું તો 13 મકાન ધરાશાયી થયા હતા તથા અનેક પુલ તૂટ્યાં હતા.

અનેક પશુઓના મોત થયા
ભારે વરસાદની સૌથી વધુ અસર જોવા મળી છે તે લોધિકા તાલુકાના 20 ગામની નદી કાંઠા વિસ્તારની જમીન પર પાકનો સફાયો થયો છે અનેક ખેડૂતોની જમીન દરિયાના પટમાં ફેરવાઇ ગઇ છે. ચીભડા ગામના ખેડૂતોને પોતાના ખેતરે જવું મુશ્કેલ બન્યું છે. ચીભડાથી કલ્યાણપુર વચ્ચેનો કોઝવે તૂટતાં વાહનચાલકો ફસાયા હતા, ગોંડલના કોલીથડમાં 60 પશુઓનાં મોત નીપજ્યાં હતા અને ગામના અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. કોલીથડમાં 10 મકાન ધરાશાયી થઇ ગયા હતા. જામકંડોરણાના ચિત્રાવડ અને મોજ ખીજડિયા ગામની જમીનમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ચિત્રાવડ ગામના 20 થી વધુ ખેડૂતોની વાડીના કૂવા બૂરાઇ ગયા હતા અને ગામના 350 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં 20થી વધુ પશુઓનાં મોત થયા હતા તો 13 મકાન ધરાશાયી થયા છે.

ટીમે બચાવ કાર્ય હાથ ધરી અનેક જીંદગી બચાવી
​​​​​​​પોરબંદરમાં પણ અન્ય જિલ્લાની જેમ વરસાદની અછત જોવા મળતી હતી, પરંતુ છેલ્લા બે દિવસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે જિલ્લાના મહત્તમ ડેમો છલકાઇ જતાં નીચાણવાળા ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી, જાનહાનિ થાય નહીં તે માટે એનડીઆરએફની ટીમને દોડાવવામાં આવી હતી અને 964 લોકોનું તાકીદે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં વરસાદથી કોઇ નુકસાની થઇ નહોતી પરંતુ સમયસરના વરસાદને કારણે ખેડૂતો ગેલમાં આવી ગયા હતા, અમરેલી જિલ્લામાં કપાસ, મગફળી અને તલ માટે વરસાદ આશીર્વાદરૂપ બન્યો હતો.

જામનગરમાં સૌથી વધુ વીજપોલ પડ્યાં
​​​​​​​સૌરાષ્ટ્રમાં વરસેલા અનરાધાર વરસાદને પગેલ સૌથી વધુ પીજીવીએલને નુકસાન થયું છે જેમાં રાજકોટ ગ્રામ્ય અને જામનગર સહિત સૌરાષ્ટ્રમાં 4735 વીજપોલ ધરાશાયી થઇ ગયા છે. જ્યારે 78 ગામડાંઓમાં હજુ પણ અંધારપટની સ્થિતિ છે, વીજકંપનીની જુદી જુદી ટીમો વીજપુરવઠો પૂર્વવત કરવા માટે કામે લાગી છે, પરંતુ રાજકોટ અને જામનગરમાં સૌથી વધુ વીજપોલ પડી જતાં તેને ઊભા કરીને લાઇન જોડી વીજપુરવઠો વહેલીતકે પૂર્વવત કરવો પડકારરૂપ છે. સૌરાષ્ટ્રમાં હજુ પણ 500થી વધુ ફીડરો બંધ હાલતમાં છે.

ગામો તારાજ, ખેતરો ડૂબી ગયાં

  • 110 ગામોમાં સંપર્ક તૂટ્યા. 400 પશુઓના મોત, 5000 પોલ ધરાશાયી, 78 ગામડાઓમાં અંધારપટ, પાકની જગ્યા ખેતરમાં પાણી જ પાણી
  • 20 સ્ટેટ હાઇવે સહિત 214 રસ્તા બંધ, 41000 હેક્ટર જમીનમાં નુકસાન, સરવે માટે સ્થાનિક અને અન્ય જિલ્લામાંથી ટીમ બોલાવાશે
અન્ય સમાચારો પણ છે...