તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:જિલ્લાના પાંંચ ટકા ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 25 જૂન સુધી જો વરસાદ પડે તો વર્ષ સારું

રાજ્યના ધરતીપુત્રો સતત એ વાત પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે કે વરસાદ ક્યારે આવશે, છેલ્લા અનેક વર્ષોથી વરસાદ અનિયમિત હોવાના કારણે ખેડૂતોએ અનેક પ્રકારે નુકસાની વેઠવી પડે છે અને જે વળતર મળવું જોઈએ તે મળી શકતું નથી. પરિણામે જિલ્લાના 5 ટકા ખેડૂત ઓર્ગેનિક અને બાગાયત તરફ આગળ વધ્યા છે.

આ તકે જિલ્લા ખેતીવાડી અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે જો ચોમાસું 25 જૂન સુધીમાં ઓનસેટ થઇ જાય તો ખેડૂતોને ઘણી રાહત મળી રહેશે અને પાકમાં સારું વળતર પણ મળશે. હાલ ખેડૂતોએ પૂર્વ આયોજનના ભાગ રૂપે 50 હજાર હેક્ટરમાં વાવણી કરી છે, પરંતુ સામે પ્રશ્નએ છે કે, જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતીમાંથી બાગાયત તરફ આગળ આવી રહ્યા છે, જ્યાં તેઓને સારું એવું વળતર પણ મળે છે અને ખર્ચ પણ ઓછો થાય છે.

હાલની સ્થિતિને ધ્યાને લઇ આ વર્ષે ખેડૂતોને આશા છે કે, જો વાવણીલાયક વરસાદ પડે તો તેમને મળતી સિઝન સારી જશે. ગયા વર્ષે આજ સમય દરમિયાન વાવણીલાયક વરસાદ વરસતા પોણા બે લાખ હેક્ટરમાં વાવણી કરવામાં આવી હતી. સામે તાઉતે વાવાઝોડાના પગલે અનેક ખેત પેદાશોને ઘણી નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હાલની સ્થિતિને ધ્યાને લેતા જો વરસાદ મોડો પડે તો કપાસના બિયારણને ઘણી નુકસાનીનો સામનો કરવો પડશે.

બીજી તરફ પરંપરાગત ખેતીમાં હવે ખેડૂતો શાકભાજી અને ફળ-ફૂલ ઉગાડવામાં આગળ આવી રહ્યા છે. ત્યારે જિલ્લામાં અત્યારે 2.5 થી પણ વધુ ખેડૂતો નોંધાયા છે, જેમાંથી દિન-પ્રતિદિન ખેડૂતો ઓર્ગેનિક ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ગત વર્ષે જિલ્લામાં 2 લાખ હેક્ટરમાં કપાસ અને 2.90 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું હતું, ત્યારે આ વર્ષે 38 હજાર હેક્ટરમાં મગફળી અને 18 હજાર હેક્ટરમાં કપાસ ઉગાડ્યો છે, જે ગત વર્ષની સરખામણીમાં ખૂબજ ઓછું છે, જેનું મુખ્ય કારણ એ છે કે, એક તો વરસાદ મોડો છે અને બીજું પૂરતું વળતર ન મળવાની ભીતિ છે.

અન્ય સમાચારો પણ છે...