ક્રાઇમ:બે સ્પામાં ચાલતા કૂટણખાના પર દરોડો, બે ગ્રાહક સહિત 5 ઝડપાયા

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી, અમદાવાદ અને રાજકોટની યુવતી પાસે કુકર્મ કરાવાતું હતું

કોરોનાકાળમાં સ્પા પર પ્રતિબંધ હતો, એકાદ મહિના પૂર્વે સ્પાને મંજૂરી અપાયા બાદ ફરીથી સ્પાના નામે ગોરખધંધા ચાલતા હોવાની માહિતી મળતાં ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ તેમના વિસ્તારમાં આવેલા 23 સ્પા પર એકસાથે ચેકિંગના આદેશ કર્યા હતા અને બપોરે પોલીસ જુદા જુદા સ્પામાં ખાબકી હતી. શહેરના કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે અમીવર્ષા કોમ્પ્લેક્સમાં આવેલા રોયલ ફેમિલી સ્પામાં પોલીસ ખાબકી ત્યારે એક ગ્રાહક યુવતી સાથે કઢંગી હાલતમાં મળી આવ્યો હતો.

પોલીસે સ્થળ પર હાજર સ્પા સંચાલક રેલનગરમાં રહેતા હિરેન નીતિન જોશી (ઉ.વ.34) અને ગ્રાહક રણછોડનગરના પાર્થ બાબુ રાદડિયા (ઉ.વ.29)ની ધરપકડ કરી હતી. સ્પામાંથી રાજકોટ અને દિલ્હીની બે યુવતી મળી આવી હતી. પોલીસે બંને યુવતીની પૂછપરછ કરતાં સ્પા સંચાલકના ગોરખધંધા બહાર આવ્યા હતા.

યુનિવર્સિટી રોડ પર શુભધારા કોમ્પ્લેક્સમાં આવેલા ધ રોયલ મિન્ટ સ્પા પર યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી સ્પા સંચાલક પરસાણાનગરના અક્ષય જીતેશ મકવાણા (ઉ.વ.22), મેનેજર પરસાણાનગરના હિરેન દીપક વાઘેલા (ઉ.વ.21) અને ગ્રાહક પુષ્કરધામ સોસાયટી સામેના ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા જીગર રમેશ દૂધરેજિયા (ઉ.વ28)ને ઝડપી લીધા હતા. સ્પા સંચાલક દિલ્હીની બે અને રાજકોટની એક યુવતીને સ્પામાં રાખી તેની પાસે ગોરખધંધા કરાવતો હતો,

અહીં પણ ગ્રાહક પાસેથી રૂ.2500 વસૂલી યુવતીને રૂ.1000 ચૂકવવામાં આવતા હતા. આ સ્પામાં યુવતી સાથે અંગત પળ માણવા માટે આવેલા જીગર દૂધરેજિયા પાસેથી સંચાલકોએ રૂ.2500 વસૂલ્યા હતા. રોયલપાર્કમાં એસ.વી.ટાવરમાં આવેલા હોલિડે વેલનેસ સ્પામાં કોઇપણ આધાર પુરાવા વગર પરપ્રાંતીયોને નોકરી પર રખાયા હતા તેથી વિજય પરમાર અને ગંગન મુલ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો.

સ્પામાં પોલીસ સતત ચેકિંગ કરતી રહેશે: ડીસીપી
ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સ્પા પરનો પ્રતિંબંધ હટ્યા બાદ સ્પા ચાલુ રાખવાની મંજૂરી છે પરંતુ સ્પાના નામે ગોરખધંધા ચલાવી લેવાશે નહીં. સ્પા સંચાલકો પોતાના આર્થિક લાભ માટે યુવતીઓને લોહીના વેપારમાં ધકેલે છે જે સમાજ માટે લાંછનરૂપ બાબત છે, આવા ગોરખધંધા ચલાવી લેવાશે નહીં અને સ્પા પર પોલીસની સતત વોચ રહેશે.

અન્ય સમાચારો પણ છે...