તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DB એનાલિસિસ:પહેલીવાર મોદીરાજમાં સૌરાષ્ટ્રનો ડંકો, CM સહિત દિલ્હી-ગુજરાતમાં 12 મંત્રી, લેઉવા-કડવા પટેલને કેબિનેટ મંત્રી બનાવી PMએ માસ્ટર સ્ટ્રોક માર્યો

રાજકોટએક મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • કૉપી લિંક
  • મોદી મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રમાંથી બે મંત્રીને કેબિનેટમાં સ્થાન તો એક સાંસદને રાજ્યકક્ષાનું મંત્રીપદ
  • આગામી વિધાનસભા ચૂંટણીમાં જ્ઞાતિ અને ઝોનનાં સમીકરણોને ધ્યાનમાં રખાયાં

ગુજરાત અને કેન્દ્રની રાજનીતિમાં સૌરાષ્ટ્રનો હંમેશાં દબદબો રહ્યો છે. અત્યારસુધીમાં સૌરાષ્ટ્ર અનેક નેતાઓ કેન્દ્ર અને ગુજરાતના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે. ગુજરાતમાં જનસંઘનો પાયો હોય કે ગુજરાતના મુખ્યમંત્રીનો હોદ્દો; સૌરાષ્ટ્રનો હંમેશાં સિંહફાળો રહ્યો છે. તાજેતરમાં મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં ફરી એકવાર સૌરાષ્ટ્રનો ડંકો વાગ્યો છે. આ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના બે નેતા માંડવિયા અને રૂપાલાને કેબિનેટ મંત્રી બનાવાયા છે, જ્યારે ડો.મહેન્દ્ર મુંજપરાને રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા છે.

હાલ કેન્દ્ર અને ગુજરાત મળીને સૌરાષ્ટ્રના 12 નેતા મુખ્યમંત્રી અને મંત્રીપદે છે, જોકે એમાં પણ પાટીદારોનો દબદબો રહ્યો છે. આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં જ્ઞાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં લઈ મોદીએ માસ્ટર સ્ટ્રોક મારી સૌરાષ્ટ્રના પાટીદાર નેતાને દિલ્હીમાં કેબિનેટ મંત્રી બનાવ્યા છે.

ગુજરાત ભાજપમાં ખટરાગ થશે તો દિલ્હી પાસે CM પદના બે ચહેરા
ગુજરાત ભાજપમાં આંતરિક ખટરાગ શાંત કરવા વડાપ્રધાન મોદીએ મંત્રીમંડળના વિસ્તરણમાં જ્ઞાતિ અને ઝોનનાં સમીકરણો ધ્યાનમાં રાખ્યાં છે. એક સમયે ગુજરાતના CM પદ માટે મનસુખ માંડવિયાનું નામ ઊછળ્યું હતું, પરંતુ હવે દિલ્હીમાં તેમને કેબિનેટ મંત્રી બનાવતાં તેઓ ગુજરાતમાં એક મોટા ચહેરા તરીકે ઊભરી આવ્યા છે, જ્યારે પરુષોત્તમ રૂપાલાને પણ પ્રમોટ કરી કેબિનેટ મંત્રી બનાવાયા છે. આમ, ગુજરાત ભાજપમાં જો આંતરિક ખટપટ થશે તો મોદી માટે રૂપાલા અને માંડવિયા બે ચહેરા તૈયાર છે, એવું પણ કહેવું અતિશયોક્તિભર્યું નથી.

આગામી વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો રહેશે
તાજેતરમાં PM મોદીએ સૌરાષ્ટ્રના બે નેતાને પ્રમોટ કર્યા છે, જ્યારે એક નવા ચહેરાને મંત્રી બનાવ્યા છે, જેમાં બે પાટીદાર અને એક કોળી સમાજમાંથી આવે છે. સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરાનો કોઇ જ રાજકીય ભૂતકાળ રહ્યો નથી. વ્યવસાયે તબીબ અને મૂળ સંઘ સાથે જોડાયેલા છે. પહેલી જ ટર્મમાં ચૂંટાઈને સાંસદ બન્યા છે. સમગ્ર કોળી સમાજને આગામી વિધાનસભામાં મતદારોને રીઝવવા દિલ્હી સુધીની સફર મળી છે.

આ સિવાય પુરુષોત્તમ રૂપાલા અમરેલીના છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પાડવા અને પાટીદાર મતદારોને રીઝવવા પુરુષોત્તમ રૂપાલાને કેબિનેટ મંત્રી બનાવાયા છે. આ ઉપરાંત મનસુખ માંડવિયા પણ ભાવનગરના છે અને એ મત વિસ્તારમાં આગામી ચૂંટણીમાં પાટીદારોને રીઝવવા મોદીએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે.

રાજકોટ-2 બેઠક ભાજપ માટે લક્કી, CM-PM બનાવ્યા
સૌરાષ્ટ્રમાં સૌથી મોટી પાટીદારોની વોટ બેંક છે. તાજેતરમાં જ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પણ પોલિટિકલ પ્રેશર કરવા આગામી ચૂંટણીમાં પાટીદાર મુખ્યમંત્રી હોવો જોઇએ એવું નિવેદન કર્યું હતું, જોકે સૌરાષ્ટ્રનો દબદબો દિલ્હી લેવલ સુધી જોવા મળે છે.

2002માં વજુભાઈ વાળાએ તત્કાલીન મુખ્યમંત્રી મોદી માટે રાજકોટ-2 વિધાનસભા સીટ ખાલી કરી હતી. આ બેઠક પરથી જ નરેન્દ્ર મોદી સૌપ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા, જે આજે દેશના વડાપ્રધાન છે. મુખ્યમંત્રી રૂપાણી પણ રાજકોટ-2 સીટ પરથી જ જીતીને મુખ્યમંત્રી બન્યા છે. આમ, આ બેઠક પરથી મુખ્યમંત્રી (મોદી અને રૂપાણી)થી લઈ નાણામંત્રી(વજુભાઈ) ચૂંટણી લડી ચૂક્યા છે.

ગત લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપનો દબદબો રહ્યો
વિધાનસભા ચૂંટણી 2017માં સૌરાષ્ટ્રની 47માંથી 19 બેઠક જીતનારા ભાજપનો લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની તમામે તમામ બેઠક પર દબદબો રહ્યો હતો. ગત વર્ષે યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો હતો. એટલું જ નહીં, એનાથી પણ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સૂપડાસાફ થયા હતા. આ સિવાય વિધાનસભા ચૂંટણી 2017માં પણ ભાજપને બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને ફરીવાર ભાજપ સત્તામાં આવ્યો હતો.

ભાજપને તારનાર જનસંઘનો પાયો સૌરાષ્ટ્રમાં નખાયો હતો
ભારતીય જનતા પાર્ટીને તારનાર બીજું કોઇ નહીં, પરંતુ જનસંઘ છે. ગાંધીજીની હત્યા બાદ ગુજરાતમાં સંઘના આગેવાનોને જેલમાં પૂરી દેવાયા હતા. બાદમાં 1952માં રાજકોટમાં મોટી ટાંકી ચોકના એક ડેલામાં માંડવા બાંધી ચીમનભાઇ શુક્લએ જનસંઘની સ્થાપના કરી હતી.

સંઘમાં પાયામાં સૌરાષ્ટ્રનો મોટો ફાળો છે. રાજકોટના ચીમનભાઇ શુક્લ, અરવિંદભાઇ મણિયાર, નારસિંહ પઢિયાર, પ્રવીણભાઈ મણિયાર, વજુભાઇ વાળા કે પછી વિજયભાઇ રૂપાણી, તમામ લોકો સંઘને વરેલા છે, જેમાંથી ચીમનભાઇ, અરવિંદભાઇ, પ્રવીણકાકાનું નિધન થઇ ગયું છે. આમ છતાં આજે લોકો તેમને એટલા જ યાદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...