તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં કોરોનાની સુનામી:સિવિલના ઇતિહાસમાં પહેલીવાર મેઇન ગેટ કોરોના દર્દી માટે બંધ, પાછલા દરવાજે 40થી વધુ એમ્બ્યુલન્સની લાઇન, 4 કલાકે એકનો વારો

રાજકોટ5 મહિનો પહેલા
સિવિલના પાછલા દરવાજે એમ્બ્યુલન્સની લાંબી લાઇન.
  • સિવિલના ઇતિહાસમાં પહેલીવાર મેઇન ગેટ બંધ, પાછલા દરવાજે
  • 40થી વધુ એમ્બ્યુલન્સની લાઇન, એમ્બ્યુલન્સમાં જ દર્દી મોતને ભેટે છે

રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યા એટલી સ્પીડે વધી રહી છે કે તંત્ર દર્દીઓને બેડ ફાળવવામાં હાંફી રહી છે, રવિવારે સિવિલના કોવિડ વોર્ડ નજીક સર્જાયેલા દૃશ્યો કોરોનાના વિકરાળ સ્વરૂપની ચાડી ખાતું હતું, કોરોનાના ગંભીર દર્દીને લઇને આવતી 108 અને ખાનગી એમબ્યુલન્સની કતારો લાગી હતી અને એક કલાકે એમ્બ્યુલન્સનો વારો આવતો હતો, આ કારણે 108માં પણ બપોરે 71 કેસ પેન્ડિંગ થતાં દર્દીઓની હાલત કફોડી બની હતી.

સિવિલના કોવિડ સેન્ટરમાં તમામ બેડ ફુલ થઇ જતાં દર્દીઓને સિવિલના અન્ય વિભાગમાં દાખલ કરવામાં આવી રહ્યા છે, ગંભીર દર્દીને કોવિડની મુખ્ય બિલ્ડિંગમાં તો અન્યને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે, રવિવારે બપોરે 12 વાગ્યે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં એક સાથે 40 એમ્બ્યુલન્સની લાઇન લાગી હતી, એમ્બ્યુલન્સને મેદાનથી હોસ્પિટલમાં જતી અટકાવવા માટે બેરિકેડ રાખી દેવામાં આવી હતી અને એક કલાકે એમ્બ્યુલન્સને હોસ્પિટલમાં પ્રવેશ મળતો હતો, જેને કારણે હોસ્પિટલના ડ્રાઇવર અને દર્દીઓમાં બૂમરાણ મચી ગઇ હતી.

રાજકોટ શહેરમાં 108ની 16 એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં દોડી રહી છે, કોરોનાના દર્દીને લઇને સિવિલમાં પહોંચતી 108 એક કલાક સુધી ફસાઇ જતાં અન્ય દર્દીઓની હાલત પણ મુશ્કેલ બની હતી. 108ના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના તેમજ અન્ય બીમારીના દર્દીઓ માટે સતત કોલ આવતા હોય છે અને સિવિલમાં એમ્બ્યુલન્સ એક કલાક માટે ફસાઇ જતાં બપોરે 108 પર આવેલા 71 દર્દી પેન્ડિંગ રહ્યા હતા, જેમ જેમ સિવિલમાંથી 108 ફ્રી થતી હતી તેમ અન્ય દર્દી સુધી પહોંચવામાં આવતું હતું. સિવિલના મુખ્ય ગેટથી એક સાથે એમ્બ્યુલન્સની અવરજવર રહે તો ટ્રાફિકની સમસ્યા સર્જાય આ દહેશતને ધ્યાને રાખી એમ્બ્યુલન્સ માટે મુખ્ય ગેટ બંધ કરી દેવાયો છે અને ચૌધરીના મેદાનમાંથી એમ્બ્યુલન્સને એન્ટ્રી આપવામાં આવે છે.

108 એમ્બ્યુલન્સને અંદર જવાની મનાઇ
સિવિલ હોસ્પિટલના ચૌધરી હાઇસ્કૂલનો ગેઇટ બંધ કરી દેવામાં આવ્યો છે. 108 એમ્બ્યુલન્સને અંદર જવા પર મનાઇ કરવામાં આવી છે. તમામ દર્દી ભરેલી એમ્બ્યુલન્સ ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં રાખવામાં આવી છે. એકસાથે 40 જેટલી એમ્બ્યુલન્સ લાઇનમાં ઉભી રહેતા બિહામણું દ્રશ્ય રાજકોટમાં જોવા મળ્યું છે.

ચાર કલાકે વારો આવે છે- 108ના પાયલોટ
108ના પાયલોટ ગોપાલભાઇએ જણાવ્યું હતું કે, હું છેલ્લા દોઢથી બે કલાકથી અહીં લાઇનમાં ઉભો છું. હું અંદર પૂછવા ગયો તો હજુ પણ અંદાજે બે કલાક જેવી અંદર જતા વાર લાગશે. હાલ 108ની અંદર દર્દી છે તેને સારવાર ઓલરેડી મળી જ રહી છે. તેને ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે તો ઓક્સિજન પણ મળી જાય છે. પરંતુ લાઇન વધારે છે એટલે સમસ્યા વધારે છે. અમારે કેસ પણ વધારે પેન્ડિંગ પડ્યાં છે. અહીંથી ગાડી ફ્રી થાય ત્યારપછી જ અમને બીજા કેસ મળી શકે ત્યાં સુધી બીજા કેસ અમને મળી શકે તેમ નથી. હોસ્પિટલમાં જગ્યાની જ મુખ્ય સમસ્યા છે.

દર્દીઓ એમ્બ્યુલન્સમાં જ દમ તોડી રહ્યાં છે.
દર્દીઓ એમ્બ્યુલન્સમાં જ દમ તોડી રહ્યાં છે.

બે દિવસ પહેલા પણ સિવિલમાં 108ના થપ્પા લાગી ગયા હતા
બે દિવસ પહેલા પણ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે 108 એમ્બ્યુલન્સના થપ્પા લાગી ગયા હતા. 50થી વધુ 108 એમ્બ્યુલન્સ સાથેની લાઇન જોવા મળી હતી. રાજકોટમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે ત્યારે બીજી તરફ હોસ્પિટલમાં સુવિધાના અભાવે દર્દીઓને દાખલ કરી શકાતા નથી. મોટી મોટી વાતો કરીને રાજકીય નેતાઓ જતા રહે છે પણ સુવિધાના નામે મીંડુ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો- LIVE મોત:રાજકોટમાં કોવિડ કેર સેન્ટરમાં બે કલાક સુધી સારવાર માટે દર્દી તડપ્યો, એમ્બ્યુલન્સના ડ્રાઇવરે છાતી પર પમ્પીંગ કર્યુ, અંતે દમ તોડ્યો

મેઇન દરવાજો બંધ થતા પાછલા દરવાજે એમ્બ્યુલન્સની લાઇન લાગી.
મેઇન દરવાજો બંધ થતા પાછલા દરવાજે એમ્બ્યુલન્સની લાઇન લાગી.

બે કલાક સુધી સારવારમાં ન લઇ જવાતા દર્દીએ એમ્બ્યુલન્સમાં જ દમ તોડ્યો
રાજકોટમાં કોરોનાની સ્થિતિ એ હદે વણસી ગઇ છે કે એક પણ હોસ્પિટલમાં બેડ ખાલી નથી. બેડ ન મળવાને કારણે દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન ચડાવી સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે ગઇકાલે શનિવારે માનવતાને લજવતી એક કરૂણ ઘટના બની ગઇ હતી. વૃદ્ધ દર્દીને કોવિડ કેર સેન્ટરમાં બે કલાક સુધી સારવાર માટે લઇ જવામાં આવ્યા ન હોવાથી એમ્બ્યુલન્સમાં જ દમ તોડી દીધો હતો. એમ્બ્યુલન્સના ડ્રાઇવરે વૃદ્ધ દર્દીને બચાવવા માટે છાતી પર પમ્પીંગ પણ કર્યુ હતું. છતાં તેઓ બચી શક્યા નહોતા. આ આખી ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે.

108ના પાયલોટ ગોપાલભાઇ.
108ના પાયલોટ ગોપાલભાઇ.

સ્ટ્રેચર આવતા જ દર્દીનું મોત નીપજે છે
આ વાઇરલ વીડિયો રાજકોટની સમરસ હોસ્ટેલ કોવિડ કેર સેન્ટરનો છે. સમરસ હોસ્ટેલના પટાંગણમાં એમ્બ્યુલન્સના ઢગલા જોવા મળી રહ્યાં છે. તેમાં એક એમ્બ્યુલન્સમાં વૃદ્ધ દર્દીને ઓક્સિજન ચડાવી સારવાર અપાય રહી છે. પરંતુ સારવાર માટે અંદર લઇ જવામાં આવ્યા નહોતા. બાદમાં આ દર્દીની હાલત વધુ લથડતા એમ્બ્યુલન્સના ડ્રાઇવરો તેને બચાવવા માટે હાંફળા ફાંફળા બને છે. છતાં કોવિડ કેર સેન્ટરના સત્તાધિશો તેની દરકાર પણ કરતા નહોતા. અંતે સ્ટ્રેચર આવે છે અને વૃદ્ધ દર્દીને તેના પર સુવડાવવામાં આવે છે. પરંતુ ત્યાં સુધીમાં તો દર્દીએ અંતિમ શ્વાસ લઇ પણ લીધા હતા. બાદમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તેને બચાવવા છાતી પર પમ્પીંગ કરે છે પરંતુ દર્દીએ અનંતની વાટ પકડી લીધી હતી.

ગઇકાલે સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાં 2 કલાક સુધી સારવાર ન મળતા દર્દીએ એમ્બ્યુલન્સમાં દમ તોડ્યો હતો.
ગઇકાલે સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાં 2 કલાક સુધી સારવાર ન મળતા દર્દીએ એમ્બ્યુલન્સમાં દમ તોડ્યો હતો.

રાજકોટમાં એમ્બ્યુલન્સ કોરોનામાં વ્યસ્ત, મહિલાનું મોત
રાજકોટના માધાપર ચોકડી પાસે એક મહિલા મૃત હાલતમાં મળી આવતા ગાંધીગ્રામ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં મહિલાનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી. જોકે શહેરમાં તમામ એમ્બ્યુલન્સ હાલ કોરોનામાં વ્યસ્ત હોવાથી એક પણ એમ્બ્યુલન્સ ન મળતા મહિલાની ડેડબોડીને છકડો રિક્ષામાં લઇ જવી પડી હતી. 108ને ફોન કર્યો પરંતુ કોરોનામાં વ્યસ્ત હોવાથી 2 કલાક પછી પણ એમ્બ્યુલન્સ ન આવતા અંતે છકડો રિક્ષામાં મૃતદેહ લઇ જવો પડ્યો હતો.

ઓક્સિજનવાળા દર્દીને શિફ્ટ કરવામાં મોડું થતું હોવાથી એમ્બ્યુલન્સની કતાર લાગી
સિવિલ હોસ્પિટલના સત્તાધીશે જણાવ્યું હતું કે, 108 સહિતની એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે આવતા દર્દીને એમ્બ્યુલન્સમાંથી ઉતારવામાં આવે ત્યારે તેને ઓક્સિજનવાળા સ્ટ્રેચરમાં લેવામાં આવે છે, આવા સ્ટ્રેચરમાં લીધા બાદ દર્દીની ફાઇલ તૈયાર કરવામાં આવે છે, ત્યારબાદ ઓપીડીમાં તબીબ દર્દીને તપાસે છે અને ત્યાંથી દર્દીની સ્થિતિ મુજબ તબીબ દર્દીને જે તે વોર્ડમાં શિફ્ટ કરે છે. ઓક્સિજનવાળું સ્ટ્રેચર દર્દીને એમ્બ્યુલન્સથી વોર્ડ સુધી પહોંચે અને ત્યાંથી ફરીથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવે ત્યાં સુધીમાં લાગતા સમયને કારણે એમ્બ્યુલન્સ વધુ સમય માટે ફસાઇ રહી છે.

એમ્બ્યુલન્સમાંથી દર્દીને શિફ્ટ કરવા હવે 8 ના બદલે 30 મિનિટ જેટલો સમય લાગે છે
એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે આવતા દર્દીને એમ્બ્યુલન્સથી સ્ટ્રેચરમાં લેવાનો અને તેને વોર્ડ સુધી શિફ્ટ કરવાનો સમય 7 થી 8 મિનિટ નક્કી કરવામાં આવ્યો હતો અને તે મુજબ થોડા દિવસ ચાલ્યુ પણ હતું, પરંતુ કોરોનાના દર્દીની સંખ્યા વધતાં તમામ આયોજન ટૂંકા પડી ગયા હતા, હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, બપોરે અને રાત્રીના સમયે દર્દીઓની આવવાની સંખ્યા સતત વધી રહી છે અને આ ફ્લો વધતાં દર્દીના શિફ્ટિંગનો આદર્શ સમય સચવાતો નથી અને આ સમય 30 મિનિટ જેટલો થતાં એમ્બ્યુલન્સ વહેલી તકે ફ્રી થઇ શકતી નથી. જેના કારણે 108 અન્ય દર્દીને લેવા જઇ શકતી નથી.

દર્દીઓને લાંબો સમય એમ્બ્યુલન્સમાં પડ્યું રહેવું પડે છે
સમરસ કોવિડ કેર સેન્ટરમાં પણ તંત્ર દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને દર્દીઓની સંખ્યા વધતાં સમરસમાં પણ તમામ બેડ ફુલ થઇ ગયા છે, આવા સંજોગોમાં જ્યારે સિવિલની કોવિડ હોસ્પિટલમાંથી દર્દીને સમરસમાં શિફ્ટ કરવામાં આવે છે ત્યારે આવા સંજોગોમાં સમરસમાં પણ એમ્બ્યુલન્સની લાઇનો લાગે છે અને દર્દીઓને લાંબો સમય માટે એમ્બ્યુલન્સમાં રહેવું પડે છે, શનિવારે એક દર્દીનું એમ્બ્યુલન્સમાં જ મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...