સૌરાષ્ટ્રનું ભૂમાફિયા‘નગર’:અમદાવાદથી ચાર ગણું નાનું રાજકોટ જમીનો પચાવી પાડવામાં રાજ્યમાં પ્રથમ, લેન્ડ ગ્રેબિંગની 800માંથી 41 અરજીમાં જ FIR!

રાજકોટ8 દિવસ પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • ભૂમાફિયાઓને પોલીસ સહયોગ આપી છાવરતી હોવાની ફરિયાદો
  • ભૂમાફિયા દ્વારા હિંસા કરવાના ડરથી હજી લોકો અરજી કરતા ડરે છે

રાજ્યમાં વિસ્તાર અને વસતિની દૃષ્ટિએ અમદાવાદ, વડોદરા અને સુરત કરતાં રાજકોટ નાનું છે, પરંતુ આજે પણ રાજકોટમાં સૌથી વધુ ભૂમાફિયા પડ્યાપાથર્યા જોવા મળે છે. રાજ્ય સરકાર જમીન કબજે કરવા વિરોધી અધિનિયમને વધુ કડક બનાવવા 2020માં લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં લાવી છે, જેમાં અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ 1000 અરજી સામે રાજકોટમાં 800 જેટલી અરજી થઈ છે. એમાં 41 અરજીમાં જ FIR થઈ છે, આથી વિસ્તાર અને વસતિની દૃષ્ટિએ રાજ્યમાં સૌથી વધુ અરજી રાજકોટમાં થઈ હોવાનું સ્પષ્ટ થાય છે.

ભૂમાફિયાઓ અને પોલીસ વચ્ચે ગજબનું 'સેટિંગ'
રાજકોટ શહેર અને જિલ્લામાં અત્યારસુધી લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ 800 જેટલી અરજી થઈ છે. એ પૈકી માત્ર 41 કેસમાં જ FIR કરવામાં આવી છે, બાકીની 250થી વધુ અરજીઓ હજુ પેન્ડિંગ રાખવામાં આવી છે, જ્યારે 480 અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે ભૂમાફિયાઓને પોલીસ સહયોગ આપી છાવરતા હોવાની વ્યાપક ચર્ચા ઊઠી છે. અગાઉ તંત્રએ મોટા ઉપાડે જેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કાર્યવાહી કરી છે એમાંથી અમુક કિસ્સામાં હાઈકોર્ટે તંત્રને ઠપકો આપીને આરોપીને છોડી મૂક્યા છે. તાજેતરમાં જ હાઈકોર્ટે લેન્ડ ગ્રેબિંગ કેસમાં વહીવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં નહીં આવતી હોવાની ટકોર કરી હતી.

ભૂમાફિયાઓને ડામવાનો એક્ટ 2020થી અમલમાં
જમીનો પચાવી પાડવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર લેન્ડ ગ્રેબિંગ એક્ટ, 2020 લાવી હતી. આ કાયદા બાદ રાજકોટમાં ધડાધડ અરજીઓ આવવા લાગી હતી. જોકે અમુક લોકો ભૂમાફિયાઓના ડરથી અરજી કરતા ડરી રહ્યા છે. સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં અરજીઓનો ધોધ વછૂટે તેમ છે.

ક્લેક્ટર કચેરીમાં અલગથી લેન્ડ ગ્રેબિંગ સેલ કાર્યરત
તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી કાયદો લાવ્યા ત્યારે જણાવ્યું હતું કે આ કાયદામાં જમીન હડપનારને 10થી 14 વર્ષની સજાની જોગવાઈ છે. કોર્ટમાં લેન્ડ ગ્રેબિંગ કેસનો ચુકાદો 6 માસમાં આવશે. આ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એકટનો અમલ સિમાચિહનરૂપ બની રહેશે. મિલકતો હડપ કરનારા સામે કાનૂની કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલી બનાવાયા બાદ ક્લેક્ટર કચેરીમાં અલગથી લેન્ડ ગ્રેબિંગ સેલ કાર્યરત કરવામાં આવ્યું છે. જોકે આમાં પણ અરજદારોને સમયસર ન્યાય મળી શકતો નથી એ વાત નિશ્ચિત છે.

સૌપ્રથમ ગોંડલમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ
લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 3 જાન્યુઆરી 2021ના રોજ પહેલો ગુનો દાખલ કરાયો હતો, જેમાં 4 આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો હતો. ગજેન્દ્ર સાંગાણીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ 2001માં 40 વીઘા જમીન વેચવા કાઢી હતી. 2004 સુધી આરોપીઓએ જમીનનાં નાણાં ન આપ્યા. આરોપીઓએ જમીન પડાવવા પ્રયાસ કર્યા. રમેશ, કમલેશ અને નરેશ સિંધવ નામના 3 ભાઇ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાયો હતો. ગોંડલ નગરપાલિકાના કોન્ટ્રેક્ટર કર્મી ધીરુ ગમારા સામે પર ગુનો નોંધાયો હતો.

રાજકોટમાં ભાજપના નેતા સામે પણ ફરિયાદ નોંધાઈ
રાજકોટના વોર્ડ નંબર-3ના ભાજપના મહામંત્રી રાજુ દરિયાનાણી વિરુદ્ધ 19 જાન્યુઆરી, 2022ના રોજ પ્રદ્યુમ્નનગર પોલીસમાં ફરિયાદ થતાં તેમની ધરપકડ કરાઈ હતી. જંક્શન પ્લોટ વિસ્તારમાં આવેલો પ્લોટ બારોબાર અન્ય લોકોના કબજામાં આવી ગયાની જાણ મુંબઈ રહેતા રાજેન્દ્રભાઈના પરિવારને થતાં તેમના દ્વારા આ મામલે રાજકોટ પોલીસને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરી હતી. પોલીસ રિપોર્ટ સબમિટ થતાં સમિતિએ આ તમામ બાબતોના આધારે ભાજપ નેતા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હતો.

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિ સહિત 5 સામે ફરિયાદ
એક વર્ષ પહેલાં રાજકોટ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઉર્વશીબા જાડેજાના પતિ કનકસિંહ સહિત ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો. ત્રણેય આરોપીએ વાવડી ગામમાં આવેલી જમીન પર ગેરકાયદે કબજો કર્યો હોવાની ફરિયાદ રાજકોટ કલેક્ટરને મળી હતી. પોલીસે કનકસિંહ જાડેજા સહિત બેની ધરપકડ કરી હતી. ફરિયાદ રેનુબેન યોગેન્દ્રભાઇ મહેતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. તેમની ફરિયાદ હતી કે વાવડીની સરવે નં. 38-3ની જમીન તેમનાં માતા મીનાકુમારી પારેખે કનકસિંહના પૂર્વજો નટુભા જાડેજા અને તેમના વારસદારો પાસેથી 8 જુલાઇ, 1970ના રોજ ખરીદી હતી. ત્યારથી આ જમીનનો કબજો મીનાકુમારી પાસે હતો અને જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવી હતી. 16 જૂન 2019ના રોજ મીનાકુમારીનું અવસાન થતાં એ જમીનમાં વારસાઇ નોંધ કરાવવા તેમનાં પુત્રી રેનુબેને અરજી કરતાં તેની સામે વાંધા અરજી દાખલ થઇ હતી.