આંબેડકર યુનિવર્સિટીના સત્તાધીશોએ અગાઉ શિક્ષણવિભાગ અને સરકારને ઉઠા ભણાવ્યા બાદ હવે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેનને પણ ‘મામા’ બનાવ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે. ડૉ. આંબેડકર યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા ડિપ્લોમા હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરના કોર્સની યુજીસીની મંજૂરી લીધી છે કે કેમ તેવા 12 મુદ્દાની સ્પષ્ટતા માંગી હતી જેનો જવાબ પણ આંબેડકર યુનિવર્સિટીના રજિસ્ટ્રારે પંચાયત બોર્ડને આપ્યો છે. રજિસ્ટ્રારે આપેલા જવાબમાં તેમણે પંચાયત બોર્ડના ચેરમેનને પણ જાણે મામા બનાવ્યા હોય એમ સૌથી પહેલા મુદ્દાના જવાબમાં જણાવ્યું છે કે એસઆઈનો કોર્સ પેરામેડિકલ કોર્સ ગણવામાં આવ્યો નથી.
પંચાયત બોર્ડનો અણધડ વહિવટ ખુલ્લો પડ્યો
પરંતુ ખરેખર આ કોર્સ પેરામેડિકલ છે કે કેમ તે કાઉન્સિલ નક્કી કરતી હોય છે અને ઇન્ડિયન પેરામેડિકલ કાઉન્સિલની વેબસાઈટમાં સેનિટરી ઇન્સ્પેક્ટરના કોર્સને પેરામેડિકલકક્ષાનો દર્શાવાયો છે. આ ઉપરાંત પંચાયત બોર્ડે પણ જેણે મંજૂરી આપવાની છે તે યુજીસીને આ કોર્સ માન્ય છે એ કેમ તેવું પૂછવાને બદલે જેણે ખોટું કર્યું છે તે આંબેડકર યુનિવર્સિટીના જ સત્તાધીશોને ખુલાસો પુછતા પંચાયત બોર્ડનો અણધડ વહિવટ ખુલ્લો પડ્યો છે.
UGCના નિયમ મુજબ કોઈપણ ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ શરૂ કરવા મંજૂરી લેવી પડે
01. યુજીસીએ 25 માર્ચ-2022ના રોજ પબ્લિક નોટિસ જાહેર કરીને કહ્યું હતું કે કોઈપણ હાયર એજ્યુકેશન સંસ્થાએ કોઈપણ ઓપન કે ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ કે કોઈપણ ઓનલાઈન પ્રોગ્રામ શરૂ કરવા માટે યુજીસીની મંજૂરી લેવી ફરજિયાત છે. અગાઉ તામિલનાડુની અન્નામલાઈ યુનિવર્સિટી દ્વારા યુજીસીની મંજૂરી વિના ડિસ્ટન્સ એજ્યુકેશન પ્રોગ્રામ શરૂ કર્યો હતી જેના અનુસંધાને યુજીસીએ પબ્લિક નોટિસ જાહેર કરીને સૂચના અપાઈ હતી કે કોઈપણ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાએ ઓપન કે ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ યુજીસીની મંજૂરી લીધા વિના શરૂ કરી શકશે નહીં.
02. પેરામેડિકલ કાઉન્સિલની વેબસાઈટ ઉપર પણ જે બે વર્ષના જુદા-જુદા કોર્સની યાદી દર્શાવવામાં આવી છે તેમાં 36 નંબરનો જે કોર્સ દર્શાવાયો છે તે ડિપ્લોમા ઇન સેનિટરી ઇન્સ્પેક્ટર છે. ખૂદ પેરામેડિકલની વેબસાઈટ ઉપર SIનો કોર્સ પેરામેડિકલકક્ષાનો દર્શાવાયો છે પરંતુ ડૉ. આંબેડકર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પંચાયત મંડળના ચેરમેનને લેખિતમાં આપેલા જવાબમાં આ કોર્સ પેરામેડિકલ નહીં હોવાનું જણાવ્યું છે.
03. મધ્યપ્રદેશની પેરામેડિકલ કાઉન્સિલ દ્વારા પણ સેનિટરી ઇન્સ્પેક્ટરના કોર્સને પેરામેડિકલ કક્ષાનો ગણ્યો છે. મધ્યપ્રદેશ પેરામેડિકલ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા જુદા-જુદા કોર્સ અને ગાઈડલાઈનમાં પણ દર્શાવાયું છે કે સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પેરામેડિકલકક્ષાનો છે. પરંતુ એકમાત્ર આંબેડકર યુનિવર્સિટીના સત્તાધીશો આ બાબત સ્વીકારવા તૈયાર નથી.
04. જમ્મુ-કાશ્મીર કાઉન્સિલે પણ SIનો કોર્સ પેરામેડિકલ હોવાનું દર્શાવ્યું. જમ્મુ અને કાશ્મીર પેરામેડિકલ કાઉન્સિલ દ્વારા પણ તેમના શિડ્યૂલમાં સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પેરામેડિકલકક્ષાનો હોવાનું દર્શાવ્યું છે. એકમાત્ર ગુજરાતની ડૉ. આંબેડકર યુનિવર્સિટી જ જાણે ઘરની ધોરાજી ચલાવી રહી હોય એમ SIનો કોર્સ પેરામેડિકલ નહીં હોવાનું જણાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.