કોરોનાથી બચવા માટેનો એકમાત્ર ઉપાય વેક્સિન છે ત્યારે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 75 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જિલ્લાના 49 ગામો એવા છે કે, જ્યાં તમામ એટલે કે 100 ટકા લોકોને કોરોના રસી આપી દેવામાં આવી છે. જોકે જિલ્લામાં વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે 42 હજાર જેટલા લોકો વેઈટિંગમાં છે.
જિલ્લામાં કુલ 10.07 લાખ લોકો 18 વર્ષથી વધુ ઉંમરના છે. જેમાંથી અત્યાર સુધીમાં 7.93 લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. એટલે કે જિલ્લામાં 75 ટકા લોકોને પ્રથમ ડોઝ અપાયો છે. તેમાં પણ 49 ગામો એવા છે જ્યાં 100 ટકા પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જોકે રસીનો બીજો ડોઝ લેનાર લોકોનો આંક ઘણો નીચો છે. અત્યાર સુધીમાં 2.12 લાખ લોકોને બીજો ડોઝ મળ્યો છે. સીધી રીતે જોઈએ તો માત્ર 20 ટકા લોકોને જ બીજો ડોઝ મળ્યો છે. બીજી તરફ જિલ્લામાં 42 હજાર જેટલા લોકો એવા છે જેને બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી મળ્યો નથી.
100 ટકા વેક્સિનેશનવાળા રાજકોટ જિલ્લાના આ 49 ગામ
છત્રાસા, પડવલા, જામવાડી GIDC, ઢોકળિયા, નાનામહિકા, ધરાળા, મેટોડા ગામ, સૂકી, બાલાપર, માત્રાવડ, નવાજામદાદર, સાજડિયાળી, થોરાળા, મેઘાવડ, નાના દુધીવદર, ઉમટવીડ, પીપરડી, ખારચિયા-A, રણજીતગઢ, ખડકાલા, પારેવાલા- K, પ્રતાપપુર, અમરાપર, સારતંગપર, ભેડાપીપળિયા, રૂપાવટી- B, લુણાગરા, રામપરા, નવી સાંકળી, થોરાળા- K, પ્રેમગઢ, રાજગઢ, જસવંતપુર, રાવકી, પીપળિયા પાળ, ભંગડા, દહિસરા, ઉકરાડા, જોધપર(છલ્લા), વાજડીગઢ, ધૂણાનું ગામ, વચલીઘોડી, નારણકા, બામણબોર, રંગપર, અમરેલી, ઈશ્વરિયા-S, સુવાગ, કેરાળા-S
લોધિકા તાલુકામાં સૌથી વધુ 90 ટકા વેક્સિનેશન થયું
જિલ્લામાં સૌથી વધુ વેક્સિનેશન લોધિકા તાલુકામાં થઈ રહ્યું છે. તાલુકામાં સરેરાશ 90 ટકા વેક્સિનેશન થયું છે. જેમાં 4 ગામ એવા છે જ્યાં 100 ટકા લોકોને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે 14 ગામ એવા છે જ્યાં 90થી 99 ટકા વેક્સિનેશન થયું છે.
અમુક ગામોમાં 2 થી 5 લોકો જ વેક્સિન લેવા તૈયાર થતા નથી
અનેક ગામોમાં બે-પાંચ લોકો વેક્સિન લેવા માટે તૈયાર નથી. જેથી આ ગામોમાં 100 ટકા વેક્સિનેશન થયું નથી. જિલ્લામાં આવા 91 ગામોમાં છે, જ્યાં 90થી 99 ટકા વેક્સિનેશન થયું છે. જેમાં ગોંડલના 11 ગામ, લોધિકાના 14 ગામ, પડધરીના 11 ગામ અને જામકંડોરણાના 11 ગામોનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.