આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટ જિલ્લાના તમામ શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. રાજકોટ શહેરના જાગનાથ મહાદેવ મંદિર, પંચનાથ મહાદેવ મંદિર, રામનાથ મહાદેવ મંદિર સહિત તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી છે. સવારથી અત્યારસુધી રામનાથ મહાદેવ અને જાગનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની લાંબી લાઇન લાગી છે. ભાવિકો પૂજા-પાઠ, દૂધ અભિષેક, બિલ્વીપત્ર ચડાવીને મહાદેવને પ્રસન્ન કરી રહ્યાં છે. તેમજ જસદણ પાસે ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં પણ શ્રાવણના પહેલા સોમવારે ભાવિકો ઉમટી પડ્યા છે.
ગોંડલના પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ
ગોંડલથી 4 કિલોમીટર દૂર કોટડા સાંગાણી રોડ પર આવેલા વેરીતળાવની બાજુમાં અતિ રમણીય અને સુંદર વાતાવરણ વચ્ચે 351 વર્ષ જૂનું અને પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરમાં ગોંડલના રાજવી મહારાજા ભગવતસિંહજી પણ સુરેશ્વર મહાદેવનાં નિયમીત દર્શન કરતાં હતાં. મંદિરના મહંત શૈલેષપરી ગોસાઈ છેલ્લા 15 વર્ષથી મંદિરમાં સેવા અને પૂજા કરે છે. શ્રાવણ માસ દરમિયાન સુરેશ્વર મહાદેવ મંદિર ખાતે ભજન, ભોજન સહિત અનકે આયોજન કરાયાં છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ મહાદેવને અલગ અલગ શણગાર કરવામાં આવે છે. આજે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટ્યા હતા.
જસદણ પંથકના શિવાલયોમાં ભાવિકો ઉમટ્યા
જસદણના આટકોટમાં ગાયત્રીનગરમાં આવેલા રામેશ્વર મહાદેવના મંદિરે દૂધ અભિષેક, બિલિપત્ર પુજાનો લ્હાવો લેવા ભક્તજનો ઉમટી પડ્યા હતા. પૂજારી પ્રકાશભાઈ જોશીએ જણાવ્યું હતું કે, આજે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે તેમાંય જોગાનુજોગ પહેલો સોમવાર હોય ભક્તજનો દર્શન અને પૂજા અર્ચના કરી રહ્યાં છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તજનોને દર્શનનો લ્હાવો મળી રહ્યો છે. સાંજે મહાદેવને દીપમાળાના દર્શનનો લ્હાવો મળશે.
રાજકોટના મોટા મંદિરોમાં ભાવિકોની ભીડ થશે તો પૂજા-અભિષેક બંધ કરાશે
આ ઉપરાંત મોટા શિવમંદિરોમાં ભાવિકોની ભારે ભીડ થશે તો મંદિરના સંચાલકો કે ટ્રસ્ટીઓ પૂજા-અભિષેક બંધ કરી દેશે. જોકે શહેરના મોટા મંદિરોમાં ભાવિકોને ફરજિયાત માસ્ક સાથે, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને થર્મલ સ્ક્રીનિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવા આયોજન કરાયું છે. કોરોનાને કારણે આ વર્ષે મંદિરોમાં પણ દર વર્ષની જેમ વિશેષ શૃંગાર, આકર્ષક ફલોટ્સ, મોટા ધાર્મિક કાર્યક્રમોને બદલે સાદગીથી આયોજન કરાશે. ગયા વર્ષે શ્રાવણ માસમાં મંદિરો જ બંધ રહ્યા હતા, પરંતુ આ વર્ષે ભાવિકોને ગાઈડલાઈન સાથે શિવમંદિરોમાં પૂજન-અર્ચન-ભક્તિ કરવા દેવામાં આવી રહી છે.
સાકર, કેસર, દૂધ, મધનો અભિષેક કરવાથી લાભ
જળ: જળનો અભિષેક કરવાથી શરીરના બધા જ રોગ દૂર થાય છે.
સાકર: સાકરવાળું પાણી ચઢાવવાથી નબળી આર્થિક સ્થિતિમાંથી મુક્તિ મળે છે.
કેસર: કેસરવાળું જળ ચઢાવવાથી માન-સન્માનની પ્રાપ્તિ થાય છે.
દૂધ: શિવલિંગ ઉપર દૂધ ચઢાવવાથી આરોગ્ય સારું રહે છે.
દહીં: ભોળાનાથને દહીં ચઢાવવાથી જુદી જુદી સમસ્યામાંથી મુક્તિ મળે છે.
ઘી: શિવજીને ઘી ચઢાવવાથી રાજયોગ થાય છે.
મધ: મધ ચઢાવવાથી જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે.
ભાંગ: ભાંગનો અભિષેક કરવાથી વિચારો શુદ્ધ થાય છે.
શેરડીનો રસ: શિવજીને શેરડીનો રસ ચઢાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
સરસવનું તેલ: શત્રુ દૂર કરવા માટે સરસવના તેલથી અભિષેક કરાય છે.
કાળા તલ: શિવલિંગ ઉપર કાળા તલ ચઢાવવાથી શનિ, રાહુની ગ્રહ પીડા દૂર થાય છે.
ચોખા: સંતાન પ્રાપ્તિ માટે શિવજીને ચોખાનો અભિષેક કરાય છે.
(કરસન બામટા, આટકોટ/દેવાંગ ભોજાણી, ગોંડલ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.