રાજકોટ CPને રજૂઆત:'યાર્ડમાં વેપારીઓ પાસેથી 1.48 કરોડના ચણા અને મગફળીની ખરીદી કરી પેઢી ગાયબ થઇ ગઈ, ન્યાય આપો'

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
છેતરપીંડીનો ભોગ બનેલા વેપારીઓ - Divya Bhaskar
છેતરપીંડીનો ભોગ બનેલા વેપારીઓ
  • છેતરપીંડીનો ભોગ બનેલ બેડી યાર્ડના વેપારીઓએ કામઘેનુ એન્‍ટરપ્રાઇઝના સામે તપાસ કરવા માંગ કરી

રાજકોટ માર્કેટ યાર્ડમાં ગત મહિને એક વેપારીએ અંદાજીત 80 લાખ ચૂકવવામાં હાથ ઉંચા કરી દીધા બાદ ફરી એક વાર ચણા અને મગફળીની ખરીદી કરતી એક પેઢીના સંચાલકોએ વેપારીઓના 1.48 કરોડની રકમ ઓળવી જઇ ગાયબ થઇ જતાં છેતરપીંડીનો ભોગ બનેલા વેપારીઓએ આજે બપોરે પોલીસ કમિશનરને લેખીત રજૂઆત કરી હતી.

રૂપિયા ઓળવી ગાયબ થઇ ગયા
બેડી યાર્ડના છેતરપીંડીનો ભોગ બનેલા વેપારીઓએ લેખીત રજૂઆતમાં જણાવ્‍યું હતું કે, કામઘેનુ એન્‍ટરપ્રાઇઝ બી-49 બેડી યાર્ડમાં દુકાન ધરાવે છે અને અનાજ - કઠોળના વેપાર સાથે તાજેતરમાં ચણા અને મગફળીની ખરીદી કરતા હતા. શરૂઆતમાં આ પેઢીના સંચાલકો સારો વહીવટ કરી વેપારીઓનો વિશ્વાસ કેળવ્‍યો હતો અને બાદમાં ગામડાના નાના - નાના ખેડૂતોના પૈસા ઓળવી ગયા છે. નાના વેપારીઓએ રૂપિયા રોકી આ પેઢીને માલ આપ્‍યો હતો પરંતુ પેઢીના સંચાલકો નાના વેપારીઓના લાખો રૂપિયા ઓળવી જઇ ગાયબ થઇ ગયા હતા.

મોબાઇલ ફોન સ્‍વીચ ઓફ આવે છે
કામઘેનુ એન્‍ટરપ્રાઇઝ પેઢીનો હિતેશકુમાર બાબુલાલ કપુરીયા તથા હર્ષદાબેન હિતેશકુમાર કપુરીયા, બાબુભાઇ કપુરીયા, અનિલ બાબુલાલ કપુરીયા વહીવટ કરતા હતા તેમજ આ પેઢીના બે માણસો નલીન કક્કડ, મનોજ સોરઠીયા પણ પેઢીના નામે વેપારીઓ સાથે વહીવટ કરતા હતા. આ તમામના મોબાઇલ ફોન સ્‍વીચ ઓફ આવે છે. આ પેઢીના બેંકના ખાતામાં તા. 23-10-2021 પછી ઘણા ટ્રાન્‍જેકશન થયા છે અને તેના ખાતા બેલેન્‍સ પણ હતી. પેઢીના ખાતામાં રહેલ બેલેન્‍સ ક્‍યાં ગઇ ? તે અંગે તપાસ કરી છેતરપીંડીનો ભોગ બનેલ વેપારીઓને ન્‍યાય આપવા માંગણી કરાય હતી.

ન્‍યાય આપવા માંગ કરી
કામઘેનુ એન્‍ટરપ્રાઇઝ પેઢીના સંચાલકોએ સાવરકુંડલાના આશુતોષ ટ્રેડીંગ કંપની સાથે 13.84 લાખ, રાજકોટની દિનેશ ટ્રેડીંગ કંપની સાથે 12.98 લાખ, કેશોદની કમલેશ એન્‍ટરપ્રાઇઝ સાથે 25 લાખ, ગોંડલની ગીરીરાજ ઇન્‍ડસ્‍ટ્રીઝ સાથે 4.80 લાખ, જસદણની કાંતિલાલ ગીરીધરલાલ પેઢી સાથે 7.95 લાખ, રાજકોટની પીયુષ ટ્રેડર્સ સાથે 14.60 લાખ, ગોંડલની પામ એગ્રી પેઢી સાથે 18.37 લાખ, જામનગરની આર. પ્રભુદાસ એન્‍ડ કંપની સાથે 5.50 લાખ, સુરેન્‍દ્રનગરની માજીર અલી નજર અલી પંજવાણી સાથે 2.20 લાખ, ભાવનગરની દિનેશ ટ્રેડીંગ સાથે 23.95 લાખ, ભાવનગરની મોમાઇલ ટ્રેડર્સ સાથે 16.16 લાખ તથા બાટવાની વસંત બ્રધર્સ સાથે 3.47 લાખની છેતરપીંડી કર્યાનું જણાયું હતું. બેડી યાર્ડના વેપારીઓએ કામઘેનુ એન્‍ટરપ્રાઇઝના સંચાલકો સામે તપાસ કરી ન્‍યાય આપવા અંતમાં માંગણી કરી હતી.