રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) સ્ટેડિયમમાં રમાયેલી સૌરાષ્ટ્ર પ્રિમીયમ લીગ (SPL) 2022ની ફાઇનલ મેચમાં હાલાર હીરોઝે જયદેવ ઉનડકટની કપ્તાની હેઠળ રમતી ગોહિલવાડ ગ્લેડિયેટર્સ ટીમને 40 રને હરાવી હતી. હાલાર હીરોઝ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 162 રન બનાવ્યા હતા. જેની સામે ગોહિલવાડ ગ્લેડિયેટર્સની ટીમ 122 રનમાં ઓલઆઉટ થઇ હતી. હાલાર હીરોઝ તરફથી ધરમેન્દ્રસિંહ જાડેજા અને નવનીત વોરાએ 3-3 વિકેટ મેળવી ટીમને શાનદાર જીત અપાવી હતી. જ્યારે ગોહિલવાડ ગ્લેડિયેટર્સના કુલદિપ રાવલે 30 બોલમાં 45 રન બનાવ્યા અને બોલિંગ દરમિયાન 4 ઓવરમાં 2 વિકેટ મેળવી 26 રન આપ્યા હતા. આ મેચ નિહાળવા માટે રાજકોટ અને આસપાસના 15000થી વધુ ક્રિકેટ રસિકો મેદાનમાં ઉપસ્થિત રહ્યા હતા..
ગોહિલવાડ ગ્લેડિયર્સે પ્રથમ બોલિંગ કરી હતી
IPLની 15મી સીઝન પૂર્ણ થયા બાદ સૌરાષ્ટ્રમાં શરૂ થયેલી SPLની સીઝન 2માં SCA સ્ટેડિયમ પર હાલાર હીરોઝ અને ગોહિલવાડ ગ્લેડિયેટર્સ વચ્ચે ફાઇનલ મેચ યોજાઇ હતી.
SPLની બીજી સીઝનમા ફાઇનલ મેચમાં સાંજે 7:30 વાગ્યાથી હાલાર હીરોઝ અને ગોહિલવાડ ગ્લેડિયેટર્સ વચ્ચે મુકાબલો શરૂ થયો હતો. ગોહિલવાડ ગ્લેડિયેટર્સ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવા પસંદ કર્યું હતું. હાલાર હીરોઝે પ્રથમ બેટિંગમાં 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 162 રન બનાવ્યા હતા. ફાઇનલ મેચમાં પ્રથમ ઇનિંગ દરમિયાન ગોહિલવાડ ગ્લેડિયેટર્સના કેપ્ટન જયદેવ ઉનડકટે હાલાર હીરોઝના કેપ્ટન અર્પિત વસાવડાની વિકેટ ઝડપી લીધી હતી.
વરસાદને કારણે બીજી ઇનિંગમાં બોલર્સને ફાયદો મળ્યો
બીજી ઇનિંગમાં ગોહિલવાડ ગ્લેડિયેટર્સ પ્રથમ ઓવરના ચોથા જ બોલ પર ઝીરો રન પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. એક બાદ એક વિકેટ ગુમાવવાનો સમય આવ્યો હતો. જોકે કુલદિપ રાવલે છેલ્લે સુધી તેમની ટીમને જીત તરફ લઇ જવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓ ટીમને જીત અપાવી શક્યા નહોતા. આ સાથે જ રાજકોટમાં આજે સાંજે પડેલા વરસાદના કારણે બીજી ઇનિંગમાં બોલરને પીચનો ફાયદો મળ્યો હતો. જેના કારણે રન ચેઝ કરવા મુશ્કેલ બન્યું હતું. ધર્મેન્દ્ર જાડેજાનું પણ માનવું છે કે, વરસાદ પડવાના કારણે બીજી ઇનિંગમાં બોલરને ફાયદો થયો છે અને તેમને આજે 3 વિકેટ કદાચ એટલે જ મળી છે. ધર્મેન્દ્ર જાડેજા આમ તો બીજી વખત ચેમ્પિયન માનવામાં આવે છે. કારણ કે, SPL સીઝન 1માં પણ તેઓ સોરઠ લાયન્સ ટીમમાં હતા અને એ સમયે સોરઠ લાયન્સ ટીમ ફાઇનલ જીતી ચેમ્પિયન બની હતી..
ડીજેના ચાલે ચીયર્સ લીડર્સે મનોરંજન પુરૂ પાડ્યું
આ ટૂર્નામેન્ટમાં IPL જેવા જ આકર્ષણ ઉમેરવામાં આવ્યા હતા. જેમાં ડીજેનો તાલ ઉપરાંત ચીયર લીડર્સ સહિતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમજ ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ ભવ્ય આતશબાજી પણ જોવા મળી હતી. મનોરંજન માટે ખાસ બેબીને બોનવીટા પીવડાવો ગીત પર ચીયર લીડર્સ અને લોકો ઝૂમી ઉઠ્યા હતા. ટૂર્નામેન્ટમાં જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા, શેલ્ડન જેક્શન, પ્રેરક માંકડ સહિતના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ખેલાડીઓ તાજેતરમાં જ IPL રમીને પરત ફર્યા હતા. જયદેવ ઉનડકટ મુંબઈ ઈન્ડિયન્સ વતી, ચેતન સાકરિયા દિલ્હી કેપિટલ્સ વતી, શેલ્ડન જેક્શન કોલકત્તા નાઈટ રાઈડર્સ વતી તો પ્રેરક માંકડ પંજાબ કિંગ્સ વતી રમી ચૂક્યો છે.
સોરઠ લાયન્સ ટીમ ક્વાર્ટર ફાઇનલ સુધી ન પહોંચી
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની સીઝન 1માં સોરઠ લાયન્સ ટીમે ફાઇનલ મેચમાં ભવ્ય જીત મેળવી સીઝન 1 પોતાના નામે કરી હતી. જોકે બીજી સીઝનમાં આ ટીમે 4 મેચમાંથી માત્ર 1 મેચમાં જીત અને 3 મેચમાં હાર મેળવી ક્વાર્ટર ફાઇનલ સુધી પણ પહોંચી નહોતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.