આખલાઓએ રિક્ષા ઊંધી વાળી, CCTV:જેતપુરમાં બે આખલા વચ્ચે લડાઈ, એક આખલાની જોરદાર ટક્કરથી 10થી વધુ વિદ્યાર્થી ભરેલી ચાલુ રિક્ષા પલટી

રાજકોટ25 દિવસ પહેલા

જેતપુરના ટાકુડીપરા વિસ્તારમાં આજે બપોરે 12 વાગ્યા આસપાસ બે આખલા યુદ્ધ પર ઊતરી આવ્યા હતા, જેમાં એક આખલાની જોરદાર ટક્કરથી 10થી વધુ વિદ્યાર્થી ભરેલી ચાલુ રિક્ષા ઊંધી વળી ગઈ હતી, આથી વિદ્યાર્થીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા અને ચિચિયારી કરવા માંડ્યા હતા. જોકે સદનસીબે આ બનાવમાં એક વિદ્યાર્થીને સામાન્ય ઇજા પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

શું દેખાય છે સીસીટીવીમાં?
સીસીટીવી મુજબ, એક ગાય અને એક આખલો ટાકુડીપરા વિસ્તારમાં એક શેરીમાં ચાલીને જતા જોવા મળી રહ્યા છે. આજુબાજુમાંથી લોકો, વાહનચાલકો પણ પસાર થઈ રહ્યા છે. ગાય અને આખલો ચાલતાં ચાલતાં 20 ફૂટ જેટલું આગળ જાય છે ત્યારે સામે એક કાળા રંગનો આખલો ઊભો જોવા મળે છે. આ આખલો ગાય અને આખલા પર હુમલો કરી દે છે. આ સમયે જ 10થી વધુ વિદ્યાર્થી ભરેલી રિક્ષા બાજુમાંથી પસાર થવાનો પ્રયાસ કરે છે.

એક આખલો રિક્ષા પર પડ્યો હતો.
એક આખલો રિક્ષા પર પડ્યો હતો.

એક આખલાની ઢીંકથી બીજો ઊલળીને રિક્ષા પર પડ્યો
પરંતુ કાળા રંગના આખલાની જોરદાર ઢીંકથી ગાય અને આખલો ઊલળીને રિક્ષા પર પડે છે, આથી રિક્ષા પલટી ખાઈને ઊંધી વળી જાય છે. રિક્ષા ઊંધી વળતાં જ વિદ્યાર્થીઓ ચિચિયારી કરવા લાગે છે, પરંતુ એ જ ક્ષણે આજુબાજુમાંથી લોકો દોડી આવે છે અને ઊંધી વળેલી રિક્ષાને ઊભી કરે છે. જોકે આ બનાવમાં એક વિદ્યાર્થીને સામાન્ય ઇજા પહોંચે છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

રિક્ષા પસાર થવા ગઈ ને અચાનક આખલા લડતાં લડતાં રસ્તા પર આવી ગયા.
રિક્ષા પસાર થવા ગઈ ને અચાનક આખલા લડતાં લડતાં રસ્તા પર આવી ગયા.

બનાવથી વિદ્યાર્થીઓમાં ડર
આ બનાવથી વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ રડવા લાગ્યા હતા. જોકે બાજુના ઘરમાંથી દોડી આવેલા લોકોએ વિદ્યાર્થીઓને શાંત કર્યા હતા. સહેજમાં જ મોટી દુર્ઘટના ટળતાં વાલીઓએ પણ હાશકારો અનુભવ્યો હતો.

બનાવને પગલે આસપાસનાં ઘરોમાંથી લોકો દોડી આવ્યા હતા.
બનાવને પગલે આસપાસનાં ઘરોમાંથી લોકો દોડી આવ્યા હતા.

રખડતાં ઢોરને લઈ લોકોમાં રોષ
આ બનાવથી ઘટનાસ્થળે એકત્ર થયેલા લોકોએ નગરપાલિકા પર રોષ ઠાલવ્યો હતો. જેતપુરમાં રખડતાં ઢોરને કારણે લોકો પરેશાન બની ગયા છે. રસ્તા પર પડ્યાપાથર્યા રહેતાં રખડતાં ઢોરને કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે એવી ચર્ચા ઊઠી છે. રખડતાં ઢોરને લઈને નગરપાલિકા પણ યોગ્ય પગલાં લેતી ન હોવાનું લોકોનું કહેવું છે.

રિક્ષા ઊંધી વળતાં જ વિદ્યાર્થીઓએ ચિચિયારી કરી હતી.
રિક્ષા ઊંધી વળતાં જ વિદ્યાર્થીઓએ ચિચિયારી કરી હતી.

અગાઉ રાજકોટમાં આર્મીમેન પર ગાયે હુમલો કર્યો હતો
હજુ 19 દિવસ પહેલાં જ રાજકોટ શહેરના ભોમેશ્વર વિસ્તારમાં રાહદારી આર્મીમેન નવલસિંહ ઝાલાને નિહાળીને રખડતી ગાય ઉશ્કેરાઈ હતી અને શિંગડાં ભરાવી તેમને અડફેટે લીધા હતા. આ સમગ્ર બનાવ CCTVમાં કેદ થયો હતો. આ બનાવમાં એક બાળકને પણ ઈજા થઈ હતી. ઘટનાને પગલે આર્મીમેન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને બ્રેઇન-હેમરેજ થયાનું સામે આવ્યું હતું.

રિક્ષા પલટી મારી ઊંધી પડી ગઈ હતી.
રિક્ષા પલટી મારી ઊંધી પડી ગઈ હતી.

અગાઉ ગોંડલમાં આખલાએ પ્રૌઢનો ભોગ લીધો હતો
4 મહિના પહેલાં ગોંડલમાં રખડતા આખલાને પ્રૌઢે લાકડી ફટકારતાં આખલો ઉશ્કેરાયો હતો અને શિંગડાં ભરાવી તેમને અડફેટે લીધા હતા. આ સમગ્ર બનાવ CCTVમાં કેદ થયો હતો. આ ઘટનાને પગલે પ્રૌઢ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

રિક્ષા ઊંધી વળ્યા પછી પણ આખલા લડાઈ કરતા રહ્યા.
રિક્ષા ઊંધી વળ્યા પછી પણ આખલા લડાઈ કરતા રહ્યા.
અન્ય સમાચારો પણ છે...