રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:મોટા મહિકામાં દેરાણી-જેઠાણી વચ્ચે મારામારી, ગોંડલમાં રૂ. 500ની ઉઘરાણીમાં શ્રમિક પર 3 શખસનો છરીથી હુમલો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • એકઠું કરેલું લાકડાનું બળતણ કોઈ સળગાવી નાખતું હોઇ દેરાણી જેઠાણી પર શંકા કરતી

ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામે બળતણ સળગાવી નાંખવાની સામાન્ય બાબતે દેરાણી-જેઠાણી વચ્ચે ઝઘડો થતાં જાહેરમાં મારામારી થઈ હતી. બનાવ અંગે દેરાણીએ પોલીસ ફરિયાદ નોંધાવતા નાના એવા મહિકા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ગોંડલમાં રૂપિયા 500ની ઉઘરાણી બાબતે શ્રમિક યુવાન પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોટા મહિકામાં દેરાણી-જેઠાણી વચ્ચે ઝઘડો
ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામે રહેતા રમાબેન મંગાભાઈ ખીમસુરીયાને કૌટુંબિક જેઠાણી મંજુલાબેન રાઘવભાઇ ખીમસુરીયાએ ગળામાં પહેરેલી ચુંદડી ખેંચી પછાડી, બે ત્રણ તમાચા ઝીંકી, આંગળીઓ મરડી નાંખી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં બનાવ અંગેના કારણમાં જણાવ્યું હતું કે, સ્મશાનની બાજુના ખરાબાની જગ્યામાં તેઓ દ્વારા બળતણ એકઠું કરવામાં આવ્યું હોઇ જે કોઈ અજાણ્યા શખસો સળગાવી નાખીને નુકસાન પહોંચાડતા હતા. જે અંગે જેઠાણી ઉપર શંકા કરી હોઇ તેનો રાગદ્વેષ રાખી હુમલો કર્યો હતો.

શ્રમિક પાસેથી રૂ. 500ની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી
ગોંડલના કુંભારવાડા કીર્તિ મમરા કારખાના વાળી શેરીમાં રહેતા નરેન્દ્રભાઈ ઉર્ફે લાલી તુલસીભાઈ વ્યાસે ગીતાનગરમાં રહેતા ધમા આહીર પાસેથી રૂપિયા 500 ઉછીના લીધા હતા. જેની પઠાણી ઉઘરાણી શરૂ કરવામાં આવતા લાલીએ તેને ઘરે આવવાની ના પાડતા માઠું લાગતા ધમો આહીર, લીસયો અને અપૂડો એક્ટિવા પર ધસી આવી દેખા પાટણનો માર મારી હુમલો કર્યો હતો. દરમિયાન ધમાએ છરી કાઢી હુમલો કરતા સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ઉપરોક્ત ત્રણેય શખસો વિરૂદ્ધ IPCની કલમ 324, 323, 504, 506, 114 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી તપાસ જમાદાર વિશાલ ગડાદરાએ હાથ ધરી હતી.