રાજકોટમાં કારનો શો-રૂમ ભડકે બળ્યો:ટાગોર રોડ પર આવેલા મારુતિ સુઝુકીના શો-રૂમમાં ભીષણ આગ, ફાયરવિભાગની 3 ટીમે આગ પર કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં

રાજકોટ23 દિવસ પહેલા
  • ટાગોર રોડ પરના સુઝુકી શોરૂમમાં ભીષણ આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી

રાજકોટના ટાગોર રોડ પર આવેલા મારુતિ સુઝુકી કંપનીના શોરૂમમાં મોડી રાતે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાની જાણ થતા જ એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ફાયરવિભાગને આગ લાગવાની જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

કારના શોરૂમના એલિવેશનમાં ભીષણ આગ લાગી હતી
કારના શોરૂમના એલિવેશનમાં ભીષણ આગ લાગી હતી

શોર્ટસર્કિટને કારણે આગ લાગવાનું અનુમાન
આગ લાગવાની જાણ થતા જ ફાયરવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે હાજર થઈ ગયો હતો અને સતત પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ફાયરવિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાથી શોરૂમના ગ્રાઉન્ડ ફ્લોર પર મોટા પ્રમાણમાં નુકસાન પામ્યુ હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક તપાસ દરમિયાન આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જ્યારે શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ભારે જહેમતે ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો
ભારે જહેમતે ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો

એકપણ કારને નુકસાન નથી પહોંચ્યુંઃ આઈ.વી. ખેર
રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ઓફિસર આઈ.વી. ખેરે જણાવ્યું હતું કે, ‘ગ્રાઉન્ડ ફ્લોર પર 3 કાર ડિસ્પ્લેમાં રાખવામાં આવી હતી. જેમાંથી એકપણ કારને નુકસાન પહોંચ્યું નથી. ફાયરવિભાગની 3 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર સતત પાણીનો મારો ચલાવ્યો હતો. જેના કારણે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. હાલ તમામ ટીમ સ્મોક બહાર કાઢવાની કામગીરી કરી રહી છે. શોરૂમના એલિવેશનમાં જ આગ લાગી હોવાથી માત્ર તેટલા જ એરિયામાં નુકશાન થવા પામ્યું છે.’