જેતપુર તાલુકાના મંડલીકપુર ગામમાં મહિલા સરપંચ અને તેના પતિ દ્વારા લાખોનો ભ્રષ્ટાચાર કર્યાની વિગતો સામે આવી છે. જ્યાં પતિ સરપંચ ન હોવા છતાં તમામ પ્રકારના નાણાંકીય નિર્ણય લેતો હતો. એટલું જ નહીં સરપંચના સ્થાને વહીવટી કાગળોમાં પોતે સહી કરી દેતો. આ મામલે તાલુકા પંચાયતના સદસ્યએ ગાંધીનગર ખાતે વિકાસ કમિશ્નરને ગત વર્ષે લેખિતમાં રજુઆત કરી હતી. જેમાં લાખોનો ભ્રષ્ટાચાર અને પતિએ ચેકમાં સહી કર્યાની વિગતો પુરાવા સાથે આપી હતી. જેને પગલે રાજકોટ જિલ્લાના DDO દેવ ચૌધરીએ મહિલા સરપંચને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.
લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞેશભાઈ રાદડિયાએ વિકાસ કમિશનર ગાંધીનગરને ગત તા. 25-07-2022ના ૨ોજ લેખિત ફરીયાદ કરી હતી. આ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, મંડલીકપુર ગામના મહિલા સરપંચના પતિ અને મહિલા ઉપસરપંચના પતિ તેમજ તલાટીમંત્રી નાણાંની ગેરરીતિ આચારી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે.
નામ જોગ સહી કરી હતી
આ માટે તેઓએ ફરિયાદની સાથે પુરાવા પણ રજૂ કર્યા હતા. જેમાં શિલ્પાબેન હરેશભાઇ સેંજલિયા ગામના સરપંચ છે અને તેમના પતિ હરેશભાઇ આગલી ટર્મમાં સરપંચ હતાં અને હાલ ગ્રામ પંચાયતમાં સદસ્ય છે. હરેશભાઇ ગ્રામ પંચાયતના સદસ્ય હોવા છતાં ગ્રામ પંચાયતમાં નાણાંના વહીવટમાં ICICI બેન્કના આવેલા ખાતામાં સરપંચને બદલે તેઓ પોતાની જ હરેશ સેંજલિયા તેવી નામ જોગ સહી કરીને વહીવટ કરતાં હતા.
સરપંચનો ચાર્જ ઉપસરપંચને સોંપાયો
અહીં ગ્રામ પંચાયતના ઉપસરપંચ જયાબેન સરવૈયાના પતિ કેશુભાઈના નામે પણ લાખો રૂપિયાના બિલ ઉધારવામાં આવ્યા છે. જેના પણ પુરાવા ફરિયાદીએ ફરિયાદ સાથે રજૂ કરતાં વિકાસ કમિશ્નર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે તપાસ સોંપી હતી. જે રિપોર્ટના આધારે હાલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને હોદા પરથી દૂર કરી સરપંચનો ચાર્જ ઉપસરપંચ જયાબેનને સોંપ્યો હોવાનું તાલુકા વિકાસ અધિકારી પંકજ વાઘાણીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.