તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં ફરી કોરોનાએ 2020ની ગંભીર પરિસ્થિતિ તાજી કરાવી દીધી છે. ગત વર્ષે કોરોના પીક પર હતો ત્યારે પોલીસ અને તબીબજગતમાં ફરજ બજાવતી મહિલાઓએ પોતાની ફરજ એટલી નિષ્ઠાપૂર્વક બજાવી છે કે તેને સલામ કરવી અને ફરી યાદ કરવા ઘટે. ગત વર્ષે પરિવાર અને પતિ પણ આવી મહિલાઓને જીવના જોખમે નોકરી કરવા રોકી શક્યા ન હતા. કોરોના મહામારીમાં બાળકોથી દૂર રહી મહિલા પોલીસે ફરજ બજાવી. એટલું જ નહીં, એક વર્ષના બાળકને ઘરે રાખી માત્ર રડે ત્યારે પોલીસ સ્ટેશનમાં જ બાળકને ફીડિંગ કરાવી ઘોડિયામાં સૂવડાવી દેતી હતી.
અન્ય કિસ્સામાં જીવના જોખમે મહિલા તબીબે કોરોનાગ્રસ્ત સગર્ભાની ડિલિવરી કરાવી હતી તેમજ એક કિસ્સામાં તબીબ પતિ ફરજ પર હતા ત્યારે પત્ની 22 દિવસ સુધી ઘરે એકલી રહી હતી. આજે વાત આવા જ કેટલાક કોરોના વોરિયર્સની.
કિસ્સો-1: એક વર્ષના પુત્રને ઘરે મૂકી મહિલા ASI 12 કલાક ડ્યૂટી કરતાં
રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ASI રેખાબહેન રમેશભાઇ સાવલિયાને સંતાનમાં બે બાળકો છે, જેમાં બીજું બાળક લોકડાઉન સમયે એક વર્ષનું હતું. એક વર્ષના પુત્રને ફીડિંગ કરાવવા તેમના પતિ દર ત્રણ કલાકે પોલીસ સ્ટેશન આવતા હતા. રેખાબહેન પોલીસ સ્ટેશનમાં 12 કલાક નોકરી કરી રહ્યાં હતાં. ASI રેખાબહેને જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં લોકડાઉન ચાલી રહ્યું હતું ત્યારે કોરોનાના સંક્રમણનો ભય રહેતો હતો, પરંતુ આવા સમયે જ દેશને મારી જરૂર હતી, આથી હું મારી ફરજ ચૂકી નહોતી. હું રજા રાખું તો અન્ય કર્મચારી પર કામનો બોજ આવી પડે. પોલીસ પરિવારના કર્મચારીઓ પણ મારા બાળકને સાચવી લેતા હતા, આથી ફરજ પહેલાં અને પરિવાર પછી હતો.
કિસ્સો-2: ડિલિવરી કરાવતી વખતે ચેપ લાગવાનો ભય રહેતો હતો
રાજકોટના જંગલેશ્વરમાં રહેતી ગર્ભવતી મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તેણે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકને પણ જન્મ આપ્યો, પરંતુ આ મહિલાની ડિલિવરી કરાવનાર મહિલા ડોક્ટરની હિંમતને પણ સલામ કરવી ઘટે. સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક અને ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર મનીષા પરમારે જણાવ્યું હતું કે ઇન્ફેક્શન લાગવાનો ભય તો રહેતો જ હતો, પરંતુ એક ડોક્ટરની પણ ફરજ હોય છે કે આવા સમયે દર્દીની સારવાર કરવી જ પડે. આપણે આપણી ફરજ ક્યારેય ચૂકવી ન જોઇએ. ઘરે પણ લોકો ચિંતા કરતા હતા. ફરજની કોઈ દિવસ ના પાડી નથી, પરંતુ પરિવારના સભ્યો પૂરતી કાળજી રાખવાની વારંવાર સલાહ આપતા હતા. જો માતા કોરોના પોઝિટિવ હોય અને બાળકને જન્મ આપ્યો હોય પછી બાળકનું સેમ્પલ લેવામાં આવે છે. આ બાળકનું પણ સેમ્પલ લઇ પરીક્ષણ કરતાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
કિસ્સો-3: કોન્સ્ટેબલે વીડિયો કોલિંગ દ્વારા પુત્રને જોઇને આનંદ અનુભવ્યો
એક વર્ષ પહેલાં રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સિદ્ધરાજસિંહ સતુભા જાડેજાના ઘરમાં પુત્રનો જન્મ થયો હતો. કોરોનાવાયરસની મહામારીમાં ફરજને પ્રાધાન્ય આપી વીડિયો કોલિંગ દ્વારા પુત્રને જોઇને આનંદ અનુભવ્યો હતો અને આશીર્વાદ આપીને પુત્ર અને પત્નીના ખબર અંતર પૂછ્યા હતા. પતિની હાજરી વગર પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો અને પોલીસ પત્નીની લોકોએ સરાહના કરી હતી.
કિસ્સો-4: દર્દી વચ્ચે રહ્યા બાદ ઘરે જઈએ તો પરિવારની ચિંતા થાય
રાજકોટમાં કોરોના કહેર વચ્ચે મેડિકલ ટીમ જીવના જોખમે કામ કરી રહી છે. ત્યારે રાજકોટના સિનર્જી હોસ્પિટલના ડોક્ટર જયેશ ડોબરિયા કોરોનાનો પ્રથમ કેસ આવ્યો ત્યારથી હોસ્પિટલ જતા રહ્યા હતા અને ત્યાં જ રહેતા હતા. આ હોસ્પિટલમાં પણ ત્રણ કેસ પોઝિટિવ આવ્યા હતા, જે તમામને સાજા કરીને તેમને રજા આપી દીધી હતી, પરંતુ તેઓ 22 દિવસ સુધી ઘરે ગયા જ નહોતા અને હોસ્પિટલ રોકાયા હતા. તેમણે કહ્યું હતું કે કોરોના દર્દીઓની વચ્ચે રોકાય અને ઘરે જાવ તો પરિવારની ચિંતા થાય અને રોજ રોજ ઘરે જાઓ તો સ્ટાફના લોકોનું મોરલ તૂટે એટલે સ્ટાફ વચ્ચે જ રહેતો. 24 કલાક ડ્યૂટી કરતા સ્ટાફને પણ થાય કે સર પોતે જ અહીં છે તો આપણે પણ કેમ ઘરે જવું, આથી હોસ્પિટલમાં જ 22 દિવસ રહ્યા અને ઘરે તેમની પત્ની એકલી રહી હતી.
કિસ્સો-5: મારી પુત્રી મારા વગર રહી શકતી નહોતી એટલે સાથે લઇ આવતી
જસદણના આટકોટ પાસે બનાવેલી ચેકપોસ્ટ પર નર્સ 42 ડીગ્રીથી વધુ તાપમાનમાં તેની ત્રણસાડા ત્રણ વર્ષની બાળકીને સાથે રાખીને ફરજ બજાવી હતી. આટકોટના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ભાવિશા બહેન રાબડિયા નર્સ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેઓ રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલી ચેક પોસ્ટ પોઇન્ટ પર બહારથી આવતા લોકોનું થર્મલગનથી તાપમાન માપવાનું અને ચેકઅપ કરવાની ફરજ બજાવતાં હતાં. પોતાની બાળકી આરાધ્યાને સાથે રાખીને 42 ડીગ્રી તાપમાનમાં પણ પોતાની ફરજ ચૂક્યાં નહોતાં. ભાવિશાબહેને જણાવ્યું હતું કે મારી પુત્રી મારા વગર રહી શકતી નહોતી એટલે સાથે લઇ આવતી હતી. અમારો સ્ટાફ પણ તેનું પૂરેપૂરુ ધ્યાન રાખતો અને તડકો હોય ત્યારે છાયડામાં જતી રહેતી.
આ એક્સક્લૂઝિવ અહેવાલો પણ વાંચો
મને બચાવી લો...મારા પરિવારના 5માંથી 4 લોકો કોરોના સંક્રમિત છે, લોકો સોસાયટી છોડાવવા ધમકી આપે છે
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.