રાજકોટ નિવાસી અધિક કલેક્ટર અને એજ્યુડિકેટિંગ ઓફિસર કેતન ઠક્કરે આઈસક્રીમ બનાવતી જાણીતી કંપની વાડીલાલ અને બટર જેવું ફેટસ્પ્રેડ બનાવતી ન્યુટ્રાલાઈટ બ્રાન્ડ બનાવતી ઝાયડસ વેલનેશ લિમિટેડ અને તેના રિટેલર અને સપ્લાયરને આકરા 17.35 લાખના દંડનો હુકમ કર્યો છે.
રાજકોટ શહેરમાં મરાસા હોસ્પિટાલિટીમાંથી ન્યુટ્રાલાઈટ પ્રોફેશનલ ક્રિમિલિસિયસ મિક્સ ફેટ સ્પ્રેડ(500) ગ્રામનો નમૂનો લીધો હતો. જેના રિપોર્ટમાં એસિડિક વેલ્યૂ વધારે જોવા મળી હતી. આ વેલ્યૂ વધારે થવાથી ખાદ્ય પદાર્થની ગુણવત્તા ઘટી જાય છે અને બગડી પણ જાય છે. આ કારણે ફૂડ એનાલિસ્ટે નમૂનાને સબસ્ટાન્ડર્ડ જાહેર કર્યો હતો. જેને લઈને અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેમાં ન્યુટ્રાલાઈટ બ્રાન્ડના બટર બનાવતી કંપની ઝાયડસ વેલનેસ લિમિટેડને 5 લાખ તેમજ તેના ડિસ્ટ્રિબ્યૂટરથી માંડી રિટેલર સુધીના દંડ ફટકારી કુલ 11.50 લાખના દંડનો હુકમ કર્યો છે.
બીજી તરફ ધોરાજીમાં કાવેરી નામની પેઢીમાંથી વાડીલાલ બદામ કાર્નિવલ આઈસક્રીમ (700 એમએલ) પેકના નમૂના લેવાયા હતા. જેના રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ 4 જ આવ્યું હતું. આઈસક્રીમ તરીકે વેચાતા કોઇપણ ખાદ્ય પદાર્થમાં ઓછામાં ઓછું 10 ફેટ હોવુ જરૂરી છે તેના કરતા ઓછા ફેટ હોય તો લેબલ પર મિડિયમ ફેટ અથવા તો લો ફેટ આઈસક્રીમ લખવું ફરજિયાત છે. તેમ ન કરીને નિર્ધારિત વેલ્યૂ કરતા ઓછા ફેટ વાપરીને ઉત્પાદન આઈસક્રીમ તરીકે વેચાતા ઉત્પાદક વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને 5 લાખનો દંડ કરાયો છે તેમજ તેના ડિસ્ટ્રિબ્યૂટર અને રિટેલરને પણ આવી કુલ 5.85 લાખનો દંડ ફટકારાયો છે.
કંપની, હોલસેલર સહિતનાને આ પ્રમાણે દંડ ફટકારાયો
ન્યુટ્રાલાઈટ ફેટ સ્પ્રેડ | હિમાંશુકુમાર સત્યેન્દ્રસિંહ (નમૂનો આપનાર પેઢીના કર્મી) 50,000, મરાસા હોસ્પિટાલિટી પ્રા.લી. રાજકોટ(નમૂનો આપનાર પેઢી) 1,00,000, રમેશ ભીખાભાઈ વાઘેલા(માર્કેટિંગ પેઢીના માલિક) 1,00,000, કરણ પરેશભાઈ વાઘેલા(ડિસ્ટ્રીબ્યુટર પેઢીના માલિક) 1,00,000, ઉમાશંકર ગુપ્તા, અમદાવાદ(ઉત્પાદક પેઢીના નોમીની) 3,00,000, ઝાયડસ વેલનેશ લિમિટેડ, અમદાવાદ(ઉત્પાદક પેઢી) 5,00,000
વાડીલાલ બદામ કાર્નિવલ આઈસક્રીમ
ઘનશ્યામ અરવિંદભાઈ ગાજીપરા (નમૂના આપનાર રીટેલર) 10,000, નીતાબેન જયેશભાઈ નાદપરા(સપ્લાયર પેઢીના માલિક) 25,000, અર્પિત દિનેશભાઈ પરીખ (ઉત્પાદન પેઢીના નોમિની) 50,000, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ઉત્પાદક પેઢી) 5,00,000.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.