ભાસ્કર વિશેષ:પિતાના આઘાતમાં પુત્રીએ આપઘાતની જીદ પકડી, મદદ માગતા મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની ઘેર પહોંચી મનાવી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવતી ધ્રુજતી હતી, પકડી રાખી તો નખ ભરાવતા વિદ્યાર્થિનીના હાથ પર લોહીના ટશિયા ભરાયા છતાં છોડી નહીં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ સહિત નિષ્ણાંત અધ્યાપકો અત્યાર સુધી નિરાશ-હતાશ લોકોનું કાઉન્સેલિંગ કરતા આવ્યા છે પરંતુ તાજેતરમાં નિષ્ણાત અધ્યાપકોને બદલે આ ભવનની એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરવા જીદ પકડેલી. અન્ય યુવતીને ઘેર જઈને સતત બે કલાક કાઉન્સેલિંગ કરીને તેને પાછી વાળી યુવતીને નવું જીવન આપ્યું હોવાની બાબત પ્રકાશમાં આવી છે.

થોડા સમય પહેલા પિતાએ આત્મહત્યા કર્યા બાદ હવે પુત્રીએ પણ આ જ પગલું ભરવાની જીદ પકડી હતી, મનોવિજ્ઞાન ભવનની હેલ્પલાઈનમાં મદદ માંગી અને નિષ્ણાંતોને બદલે ભવનની વિદ્યાર્થિની જ તે યુવતીની ઘેર પહોંચી, તે યુવતી ધ્રુજતી હતી, વિદ્યાર્થિનીએ યુવતીને પકડી રાખી તો તેણે પોતાના નખ ભરાવતા વિદ્યાર્થિનીના હાથ પર લોહીના ટશિયા ભરાયા છતાં છોડી નહીં. સતત બે કલાક સુધી કાઉન્સેલિંગ કર્યું, સમજાવીને મનાવી.

એક 23 વર્ષની છોકરી જેની મિત્રએ તેને ફોન કર્યો. ફોન ઉપાડીને રડવા લાગી ને કહ્યું, હવે જીવવામાં રસ નથી. આવી જિંદગી શું કામની. મનોવિજ્ઞાન ભવનની હેલ્પલાઈનમાં મદદ માંગી આથી વિદ્યાર્થિની કર્તવી અને તેની મિત્ર બંને તાત્કાલિક તેની ઘરે ગયા. કર્તવી ભટ્ટ ત્યાં પહોંચી ત્યારે એ છોકરી આખી ધ્રૂજતી હતી અને કશું બોલતી ન હતી. પરાણે વાત કઢાવી એટલે મને મરવા જવા દો ઍમ કહીં ભાગવાની કોશિશ કરી. રડી લીધા પછી તેણે કહ્યું કે તેના પિતાએ એક મહિના પહેલા ઘરના સગાઓ અને નજીકના વ્યક્તિઓના કોરોનાને કારણે મૃત્યુ થયું તેના આઘાતમાં આત્મહત્યા કરી.

કહ્યું કે મારા પપ્પાને હું ક્યારેય એમને સમજી ના શકી એ વાતનો અફસોસ મારાથી સહન નહીં થાય. એ ભાર મને જીવવા નહીં દે. મને આત્મહત્યામાં કોઈ પીડા કે તકલીફ થશે તેની પણ બીક નથી, મને જીવવાની બીક છે. રડતા રડતા તેના પોતાના નખ પણ વિદ્યાર્થિનીને વાગ્યા પણ તેને સાંત્વના આપવાનું છોડ્યું નહિ. બધી વાત સાંભળી લીધા પછી તેને સમજાવી કે આત્મહત્યા એ જવાબદારીમાંથી છટકવાની છટકબારી છે. તારા પિતાના મૃત્યુ પછી તારા મમ્મી અને તારી જે હાલત થઈ છે તો વિચાર કર કે તું આવું પગલું ભર પછી તારા મમ્મીની શું હાલત થશે.

અત્યારે તારા મમ્મીની જવાબદારી તારા પર છે. એમાંથી છટક નહીં, તારા પપ્પાએ તને ભણાવી અને મોટી કરી કારણ કે તું મોટી થઈને પગ પર ઊભી રહી શકે, જવાબદારી લઈ શકે. આના બદલામાં આવું કરતા તને શરમ આવવી જોઈએ. તું આવું કર પછી તારા મમ્મીને કેટલુ સાંભળવું પડે. જે થવાનું હતું એ થઈ ગયું હવે એ ભૂલ તું રીપિટ ના કર. ખૂબ રડ્યા પછી એ યુવતીએ માન્યું કે સાચી વાત છે હું એવું ના કરું. પણ મને કશું ગમતું જ નથી.

સતત 2 કલાક તેને સમજાવી અને હળવાશનો અનુભવ કરાવ્યો. કર્તવી ભટ્ટે સાહસપૂર્ણ રીતે એક યુવતીનો જીવ બચાવતા મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણે પ્રોત્સાહનરૂપે વિદ્યાર્થિનીને 500 રૂપિયા ઇનામ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...