જેતપુરના ખારચિયાના અને હાલ રાજકોટના મોટામવા પાસે પેન્ટાગોન એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલભાઇ પ્રવિણભાઇ સેંજલીયા પર પિતા અને તેના બે પુત્રએ હુમલો કર્યો હતો. મેહુલભાઈ પોતાના જેતપુરના ખારચીયા ગામે પોતાની વાડીએ જતા હતા ત્યારે ત્રણેયે લાકડી અને લોખંડની વસ્તુઓ સાથે હુમલો કર્યો હતો. જેમાં મેહુલભાઈની એક આંગળીનું ટેરવું કપાય ગયું હતું. આથી મેહુલભાઈએ આ ત્રણેય વિરૂદ્ધ જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.
મેહુલભાઈ પોતાની વાડી જતા રસ્તા વચ્ચે ઝઘડો કર્યો
મેહુલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે હું મારૂ એક્ટિવા લઇને અમારા ખારચીયા ગામની મારી વાડીએ જતો હતો ત્યારે મારી વાડીની બાજુમાં મારા મોટા બાપુની વાડીએ રહેતા મજૂરનું બાઇક રસ્તામાં પડ્યું હતું. આથી મેં તેઓને કહ્યું કે તમે બાઇક શું કામ રસ્તામાં રાખો છો? ત્યાં જ વાડીએ હાજર છગન કાબા રાઠોડ, તેના બે દીકરા વિપુલ અને જનકે મારી સાથે બોલાચાલી કરી હતી.
બાદમાં ઉશ્કેરાયને ત્રણેય મને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા. મેં ગાળો દેવાની ના પાડતા છગને લાકડીનો ઘા મારા ડાબા પગના સાથળમાં મારી દીધો હતો.તેમજ જનકે લાકડીથી મને ડાબા પગના સાથળમાં માર માર્યો હતો. આ ઉપરાંત ત્યાં ખેતી કામમાં ઉપયોગમાં લેવાતી લોખંડની હાથાવાળી આગળ અણીવાળી ખુરપી હતી તે લઇને વિપુલ મને મારવા દોડ્યો હતો.
મારા ભાઈ અને જીજાજીએ મને હોસ્પિટલ ખસેડ્યો
મેં વચ્ચે હાથ નાખતા મને હાથની બીજા નંબરની આંગળીનુ ટેરવું કપાઇ ગયું હતું અને ત્રીજા નંબરની આંગળીમાં પણ વગ્યું હતું. બીજો ઘા ઝીંક્યો તો મને જમણા હાથની પ્રથમ આંગળીમાં ઇજા થઇ હતી અને અવાજ થતા મારી વાડીએથી મારા ભાઇ જીજ્ઞેશભાઇ તથા મારા જીજાજી અશોકભાઇ વસોયા બન્ને આવ્યા હતા અને મને હોસ્પિટલ ખસેડ્યો હતો. બાદમાં આ અંગે જેતપુર પોલીસ મથકમાં છગન કાબા રાઠોડ, વિપુલ છગન રાઠોડ અને જનક છગનનું સામે ફરિયાદ નોંધાવી હતી.
ગોંડલના દેવચડીમાં પાડોશી ખેડૂતનો હુમલો
ગોંડલના દેવચડીમાં રામદાસભાઈ મનસુખદાસ નિમાવત (ઉ.વ.55) પોતાની માલીકીની ત્રણ વિઘા જમીન આવેલી છે અને ખેતીકામ કરે છે. ચોમાસાની સીઝન નજીક આવતા વાવણીની તૈયારીમાં જોતરાયેલા ખેડૂત સેઢો સાફ કરવા માટે બાજુના ખેડુત જયસુખભાઈના ખેતરનું પાણી રામદાસભાઈના ખેતરમાં આવતુ હોઈ જે બાબતે તારૂ પાણી મારા ખેતરમાં આવે છે અને મારો સેઢો ધોવાઈ જાય છે તેવું કહેતા ઉશ્કેરાયેલા સેઢા પડોશીએ ઝઘડો કરી લોખંડના પાઈપથી હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવારમાં રાજકોટ સિવિલે ખસેડાયા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.
રેલનગરના યુવાને વ્યાજખોરોના ત્રાસથી ફિનાઈલ પીધું
શહેરના રેલનગર વિસ્તારમાં મહર્ષિ દયાનંદ ટાઉનશીપમાં રહેતાં મિતેષ નરેન્દ્રભાઇ સોમમાણેક નામના કપડાના વેપારી યુવાને રાતે શારદાબાગ નજીક ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. મિતેષે જણાવ્યું હતું કે તેને સંતાનમાં એક પુત્ર છે. તેણે લાખાજીરાજ રોડ પર ઓમ સાઇ નામે રેડીમેઇડ કપડાની દૂકાન ચાલુ કરી હતી. ધંધાના વિકાસ માટે પૈસાની જરૂર હોઇ લાખાજીરાજ રોડ પર આવતા-જતા શખ્સો સાથે ઓળખ થતાં અલગ અલગ પાંચ શખ્સો પાસેથી ત્રણ લાખથી માંડી ચાર લાખ જેવી રકમ દસ દસ ટકા વ્યાજેથી લીધી હતી. આ બધાને પચાસ ટકા જેવી રકમ આપી દીધી હતી અને વ્યાજ પણ ચૂકવ્યું હતું. પરંતુ ધંધામાં મંદી આવતાં અમુક વ્યાજ ન ચૂકવી શકતાં ઘરે આવી તેમજ દુકાને આવી ઉઘરાણી કરવાનું ધમકી આપવાનું ચાલુ કર્યું હતું. આથી દુકાન વેચીને અમુક રકમ ચૂકવી હતી. એ પછી પોતે ગામ છોડીને મુંબઇ જતો રહ્યો હતો અને ગઇકાલે જ પાછો આવ્યા બાદ ફિનાઇલ પી ગયો હતો. તેણે પાર્થ, ધમભા, ટીકુભાઇ, ભાવેશ, રાજભા પાસેથી વ્યાજે નાણા લીધાનું જણાવ્યું હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
પતિના વિયોગમાં પત્નીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો
લોધિકાના ચાંદલી ગામે રહેતા સેજલબેન ભીખાભાઈ પરમાર ગતરોજ પોતાના ઘરે હતા ત્યારે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેમને તાત્કાલિક સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. વધુમાં આપઘાતનો પ્રયાસ કરનાર સેજલબેનના મોટા બહેને જણાવ્યું હતું કે સેજલબેનના પતિનું ચાર દિવસ પહેલા મોત થયું હતું. જે બાદ તે સતત ગમગીન રહેતી હતી અને તેના વિયોગમાં પગલું ભર્યુ હતું. સેજલબેનના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.
યુવતી પર હુમલો કરનાર શખસ ઝડપાયો
રાજકોટના રેલનગરમાં આવાસ યોજના ક્વાટર્સમાં રહેતી મૂળ કોડીનાર પંથકની યુવતીની પજવણી કરી તેની સાથે ધરાર પ્રેમ સંબંધ બાંધવા વારંવાર ધમકી આપતાં યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડનની બાજુમાં હાઉસીંગ બોર્ડ ક્વાટર્સ નં. 736, બ્લોક નં.41માં રહેતા હાર્દિક ઉર્ફે હદો ભરત દેસાણી (ઉ.વ.21) નામના શખ્સ વિરૂદ્ધ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. યુવતીએ સંબંધ તોડી નાંખતા તેના ઉપર હુમલો કર્યો હતો અને ધમકી આપતાં આ યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકમાં હાર્દિક દેસાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને તે છેલ્લા દોઢ મહિનાથી ફરાર હતો. ઝોન-2 એલસીબીના પીએસઆઈ એ.એલ.બારસીયા અને તેમની ટીમે બાતમીના આધારે રેસકોર્ષ રિંગ રોડ પર જૂની એનસીસી ચોક પાસેથી હાર્દિકને ઝડપી લઈ પ્ર.નગર પોલીસ હવાલે કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.