લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની વધુ એક ફરિયાદ દોઢસો ફૂટ રિંગ રોડ, સદગુરુ એપાર્ટમેન્ટ-બીમાં રહેતા હરેશ દયાળજી પરમાર અને તેના પિતા દયાળજી કરશનભાઇ પરમાર સામે પોલીસમાં નોંધાઇ છે. સદગુરુ એપાર્ટમેન્ટમાં છેલ્લા 27 વર્ષથી રહેતા જિતેન્દ્રભાઇ રમેશભાઇ સોલંકી નામના પ્રૌઢે નોંધાવેલી ફરિયાદ મુજબ, ત્રણ માળના એપાર્ટમેન્ટમાં સાત ફ્લેટ આવેલા છે. જ્યારે એપાર્ટમેન્ટ તૈયાર થતું હતું તે સમયે ત્યાં એક નાનું એવું મંદિર હોય બિલ્ડરે તેને કોઇ અડચણ કર્યા વગર એપાર્ટમેન્ટ તૈયાર કર્યું હતું.
દરમિયાન એપાર્ટમેન્ટની બાજુમાં જ આવેલી જમીન ઉપરોક્ત પિતા-પુત્રે વેચી નાંખી હતી. ત્યાર બાદ તેમના એપાર્ટમેન્ટના પાર્કિંગની જગ્યામાં ગેરકાયદેસર રૂમ બનાવી રહેવા લાગ્યા હતા. બાદમાં સંડાશ-બાથરૂમ પતરાના છાપરાથી બનાવી લીધું હતું. જેને કારણે એપાર્ટમેન્ટમાં રહેતા રહેવાસીઓના વાહનો તેમના જ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરી શકતા ન હતા. પરંતુ કોઇ કાર્યવાહી થઇ ન હતી. અંતે એપાર્ટમેન્ટના પાર્કિંગની જગ્યામાં મકાન બનાવી પચાવી પાડતા કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગ અંગેની અરજી કરી હતી.
કલેક્ટરમાં અરજી કર્યાની દયાળજીભાઇ અને હરેશને જાણ થઇ હતી. હરેશે જણાવ્યું કે, તેના પિતા દયાળજીભાઇએ આ મકાનનો બક્ષીસખત પોતાના નામે કરી આપ્યો છે અને તેના આધાર પુરાવાઓ તેમની પાસે હોય મકાન ખાલી ન કરી અવારનવાર લોકો સાથે ગેરવર્તણૂક કરી રહેવાસીઓને દબાવતા હોય લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. અરજીના પગલે તપાસ કરતા પિતા-પુત્રે જમીનમાં દબાણ કર્યું હોવાનું અને તેની માલિકીની ન હોવા છતાં દયાળજીભાઇએ તેના પુત્ર હરેશને બક્ષીસખતથી મકાન સોંપ્યાનું લખાણ કરી આપ્યું છે જે સરકારી રેકર્ડ પર માન્ય ન હોવાનું ખુલતા ફરિયાદ નોંધવા હુકમ કરાયો હતો.
કેરટેકરે જ પ્લોટ અને મકાન પચાવી પાડ્યા
રાજકોટ|એરપોર્ટ રોડ, મારુતિનગર-1માં રહેતા જગદીશભાઇ મણિલાલ ભોજાણી નામના વૃદ્ધે મોહિત એ. મકવાણા, તેની પત્ની કોકીલા અને પુત્ર હેમલ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, જામનગર રોડ પર આવેલા મોરબી હાઉસ પાસે આવેલું એક મકાન અને પ્લોટ ક્રિશ્ચિયન પરિવાર પાસેથી ખરીદ કર્યું હતું. મકાન, પ્લોટની દેખરેખ રાખવા માટે ક્રિશ્ચિયન પરિવારે 1970થી મોહિત મકવાણાને કેરટેકર તરીકે રૂ.10ના માસિકથી રાખ્યા હતા. મોહિત મકવાણા તેના પરિવાર સાથે અહીં આઉટ હાઉસમાં રહેતા હતા.
દરમિયાન પ્લોટ, મકાન ખરીદ્યા બાદ ક્રિશ્ચિયન પરિવારે મોહિત મકવાણાને એક મહિનામાં મિલકત ખાલી કરી આપવા લેખિતમાં જણાવ્યું હતું. તે ખાલી કરી આપશે, અમારે વર્ષોથી સંબંધ હોવાનું ક્રિશ્ચિયન પરિવારે જણાવ્યું હતું. ત્યારે પોતે મકાન વેરો ભરવા જતા મોહિત મકવાણાએ તેના નામનો ઉમેરો કરાવી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. આમ કેરટેકર તરીકે રાખેલા મોહિત મકવાણાએ મિલકત પચાવી પાડવાનો ઇરાદો હોય અમે અમારા તાળાં લગાડી દીધા હતા. પરંતુ મોહિત મકવાણાનો પુત્ર હેમલ અમારા તાળાં તોડી તેમના તાળાં લગાડી દીધા હતા.
જેથી અમારા તાળાં કેમ તોડી નાંખ્યા તે અંગે પૂછતા, હવે આ જગ્યા પર આવતા નહિ આ જગ્યાનો કબજો વર્ષોથી અમારો છે, હવે આ જગ્યા પર આવશો તો સારાવાટ નહિ રહે. આજે તો જવા દઉં છું, હવે પછી આવશો તો હાથ-પગ ભાંગી નાંખવાની ધમકી આપી હતી. કલેક્ટરમાં અરજી કરાતા મિલકત પચાવી પાડ્યાનું ખૂલતા દંપતી અને તેના પુત્ર મળી ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા પોલીસને હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.