જૂની અદાવતનો ખાર:ઉપલેટાના નીલાખામાં ચૂંટણીમાં ઉભા રહેવાના મનદુખમાં પિતા-પુત્ર પર 9 શખસે ધારીયા-પાઇપથી હુમલો કર્યો

રાજકોટએક મહિનો પહેલા
પિતાને માથામાં ગંભીર ઇજા પહોંચી. - Divya Bhaskar
પિતાને માથામાં ગંભીર ઇજા પહોંચી.
  • પુત્રની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

રાજકોટ જિલ્લાના ઉપલેટાના નીલાખા ગામે ગઇકાલે રાત્રિના 9 જેટલા શખસોએ કુહાડી, લોખંડના પાઇપ અને લાકડી વડે પિતા-પુત્ર પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. બનાવમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિતા-પુત્રને ઉપલેટા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ઉપલેટા પોલીસે હુમલાખોર 9 જેટલા શખસો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ થોડા સમય પૂર્વે ચૂંટણીમાં ઉભા રહેવા બાબતે મનદુઃખ થવાથી ખાર રાખી પિતા-પુત્ર ઉપર 9 શખસોએ હુમલો કર્યો છે.

લોખંડના પાઇપથી આરોપીઓ તૂટી પડ્યા
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રિના આઠેક વાગે હું મારા ઘરેથી જમીને ગામની બજારમાં બેસવા માટે ગયો હતો. ત્યારે આશરે સાડા નવેક વાગ્યે મારા પપ્પા કાળાભાઈ ઉર્ફે નટુભાઇ હમીરભાઇ હુંબલ મારા ઘરેથી અમારી વાડીએ જતા હતા. ત્યારે મારા પપ્પા ગરબી ચોક પાસે પહોંચતા ત્યાં સામેની ગલીમાંથી વિક્રમભાઇ વિભાભાઇ જલુ જેના હાથમાં કુહાડી હતી તે મારા પપ્પા કાળાભાઇને માથામાં ઘા મારી દીધો હતો. બાવનજી વિભાભાઈ જલુના હાથમાં લોખંડની પાઇપ હતો અને પાઇપ મારા પપ્પાને આડેધડ મારવા લાગ્યા હતા. રમેશ વિભાભાઇના પણ હાથમા લોખંડનો પાઇપ હોય તે પણ આડેધડ મારા પપ્પાને મારતો હતો.

મારા પપ્પાને નારણ જલુ લાકડીથી આડેધડ મારતો હતો
રસિકભાઈ કાનાભાઈ જલુના હાથમાં લાકડી હતી તે પણ આડેધડ મારવા લાગ્યા હતા. હાર્દિભાઇ બાવનજીભાઇ જલુના હાથમાં લોખંડનો પાઇપ હતો તે પણ મારા પપ્પાને મારવા લાગ્યા હતા. રાજુ વિક્રમભાઈ જલુના હાથમાં ધારીયુ હોય તે ધારીયાનો ઘા મારા પપ્પાને બંને પગમાં લાગ્યા હતા. લખો વાસુભાઈ જલુના હાથમાં લાકડી હતી તે પણ આડેધડ મારા પપ્પાને મારતો હતો. રમેશ લખાભાઈ જલુની હાથમાં લોખંડનો પાઇપ હતો તે પણ આડેધડ મારા પપ્પાને મારતો હતો. નારણ વાસુરભાઇ જલુના હાથમાં પણ લાકડી હતી અને તે પણ મારા પપ્પાને આડેધડ મારતો હતો.

બાપ-દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી
આથી આ બનાવ મેં નજરે જોયો હોય હું તુરંત જ મારા પપ્પાને બચાવવા માટે ગયો હતો અને મને પણ બાવનજીભાઈ પાઇપ વડે પીઠના ભાગે માર્યો હતો. રમેશ વિભાભાઇએ લોખંડનો પાઇપ મને પગમાં માર્યો હતો. રસિક કાનાભાઇએ લાકડી વડે મને પીઠના ભાગે માર માર્યો હતો. હાર્દિકભાઈ બાવનજીભાઇ મને પગના ભાગે લોખંડનો પાઇપ માર્યો હતો અને હું તથા મારા પપ્પા રાડારાડી કરવા લાગતા આ તમામ આરોપીઓ જતા જતા કહેતા ગયા હતા કે હવે પછી અમારી સામે કોઇ પણ ચૂંટણીમાં ઉભા રહેતા નહીં અને જેમ ફાવે તેમ ગાળો આપતા હતા. અને કહેતા હતા કે આજે તો તમો બાપ-દીકરા બચી ગયા છો, મોકો મળી તો બાપ-દીકરાને જાનથી મારી નાખવા છે અને ગામમાં કોઇ હુંબલ અટકવાળા વ્યક્તિને પણ ૨હેવા દેવા નથી.તેવી ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા.

પુત્રને હાથ અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી.
પુત્રને હાથ અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી.

હોસ્પિટલે લઇ જતા મારા પપ્પા રસ્તામાં બેભાન થઈ ગયા
મારા પપ્પા કાળાભાઇ ઉર્ફે નટુભાઇને માથામાંથી તથા બંને પગમાંથી લોહી નીકળતું હતું. મને જમણા પગની અંગુઠાની બાજુની આંગળીમાંથી લોહી નીકળતું હોય આથી અમોને અમારી ફોરવ્હીલ ગાડીમા સુખાભાઇ અરજણભાઇ હુંબલ ઉપલેટા ક્રિષ્ના હોસ્પિટલમાં પ્રાઇવેટમાં સારવારમાં લઇ આવ્યા હતા. રસ્તામાં મારા પિતા બેભાન થઇ ગયા હતા અને તેમને માથામાં કુહાડીનો ઘા વાગવાથી પાંચ ટાંકા આવ્યા છે. ડાબા પગમાં ધારીયું તથા લોખંડના પાઈપ તથા લાકડીઓના ઘા વાગવાથી છ ટાંકા આવ્યા છે. જમણા પગમાં પણ ધારીયું તથા લોખંડના પાઈપ તથા લાકડીઓના ઘા વાગવાથી બે ટાંકા આવ્યા છે. તેમજ બંને પગમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ છે, તેમજ મને લોખંડના પાઇપ તથા લાકડીના ઘા લાગવાથી પીઠના ભાગે તથા બંને પગમાં મૂંઢ ઇજાઓ થઈ છે તથા જમણા પગની અંગુઠાની બાજુની આંગળીમાં ઇજા થઈ છે.

ફરિયાદીએ ફરિયાદમાં આપેલા 9 આરોપીઓના નામ
વિક્રમ જલુ
બાવનજી જલું
રમેશ જલુ
રસિક જલુ
હાર્દિક જલુ
રાજુ જલું
લખા જલુ
રમેશ જલુ
નારણ જલુ

હુંબલ કુટુંબ ચૂંટણીમાં ઉભા રહ્યું હતું
આ બનાવનું કારણ એ છે કે, અમે હુંબલ કુટુંબ ચૂંટણીમાં ઉભા રહ્યા હોય જેનો ખાર રાખી આ કામના આરોપીઓએ અમારી ઉપર મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી મંડળી રચી એકસંપ કરી કુહાડી તથા લોખંડના પાઇપ તથા લાકડીઓ વડે મારી તથા મારા પપ્પા ઉપર હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...