દિવાળીએ જ પરિવાર વિખેરાયો:ગંગા નદીમાં તણાયાના 36 કલાક પછી પણ પિતા-પુત્રીનો કોઈ પતો નહીં, નાનીના પાર્થિવદેહના રાજકોટને બદલે ઋષિકેશમાં અંતિમસંસ્કાર કરાશે

રાજકોટએક મહિનો પહેલા
  • સોમવારે ઋષિકેશ ફરવા ગયેલા રાજકોટના કારિયા પરિવારના 3 સભ્ય ગંગા નદીમાં તણાયા હતા

દિવાળીના તહેવારો ટાણે જ રાજકોટના કારિયા પરિવાર પર આફત આવી પડી છે. ખુશીના દિવસોમાં આ પરિવારમાં માતમ જોવા મળી રહ્યો છે. રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતો રઘુવંશી પરિવાર ઋષિકેશ ફરવા ગયો હતો. સોમવારે સાંજે ઋષિકેશના ભીમચડ્ડામાં પરિવારની 18 વર્ષીય દોહિત્રી સોનલ ગંગા નદીના પ્રવાહમાં તણાતાં તેને બચાવવા તેનાં નાની તરુલતાબેન નદીમાં કૂદ્યાં હતાં. આ દૃશ્ય જોઈને બંનેને બચાવવા તરુલત્તાબેનના જમાઇ અને સોનલના પિતા અનિલભાઇ પણ નદીમાં પણ કૂદ્યા હતા. એકસાથે એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્ય નદીમાં તણાઇ ગયા હતા, જેમાં તરુલતાબેનનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે ઘટનાના 36 કલાક પછી પણ અનિલભાઇ અને સોનલનો કોઇ પતો લાગ્યો નથી. આજે તરુલતાબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી સાંજે રાજકોટના બદલે ઋષિકેશમાં જ અંતિમસંસ્કાર કરવામાં આવશે

પૂર્વ CM રૂપાણીએ પરિવારને સાંત્વના આપી
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઋષિકેશમાં રહેલા તરુલતાબેનના પતિ દિલીપભાઈ કારિયા સાથે વાતચીત કરી સાંત્વના પાઠવી હતી. તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને પ્રસાશન સાથે વાત કરી દિલીપભાઈની મદદ કરવા ભલામણ પણ કરી છે. દિવાળીના તહેવારોની શરૂઆત થઇ ગઈ છે ત્યાં કારિયા પરિવાર પર આભ તૂટી પડ્યું હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. સોમવારે જ તરુલતાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે અનિલભાઇ અને સોનલની શોધખોળ કરવામાં આવી રહી છે.

તણાયા પહેલાં પુત્રીએ પિતા સાથે વીડિયો બનાવ્યો હતો.
તણાયા પહેલાં પુત્રીએ પિતા સાથે વીડિયો બનાવ્યો હતો.

ગંગામાં તણાયા પહેલાં સોનલે પિતા સાથે વીડિયો બનાવ્યો હતો
ગંગામાં તણાયા પહેલાં સોનલે પિતા અનિલભાઈ સાથે ‘ખમ્મા ઘણી મારી લાડકવાયીને...’ ગીત બનાવ્યું હતું, જેમાં સોનલ અને તેના પિતા ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે અને એકબીજાને ભેટી પડે છે, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે પિતા-પુત્રીની આ ખુશીનો વીડિયો અંતિમ બની જશે. સોનલ નદીમાં તણાઇ એ પહેલાં નદીકાંઠે જ ઊભી રહી બીજો એક વીડિયો બનાવ્યો હતો એ પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સોનલ ‘ક્યાં વઝાહ બતાઉ તુમ્હે ચાહને કી...બસ તુમ અચ્છે લગે ઔર ઇશ્ક હો ગયા’ ડાયલોગ સાથે એક્શન કરતી જોવા મળે છે.

સોનલે નદી કાંઠે ઉભી રહી વીડિયો બનાવ્યો તે સમયની તસવીર.
સોનલે નદી કાંઠે ઉભી રહી વીડિયો બનાવ્યો તે સમયની તસવીર.

દોહિત્રીને બચાવવા તરૂલતાબેન અને જમાઇ ગંગામાં કુદ્યા હતા
કારિયા પરિવાર સોમવારે સાંજે ઋષિકેશમાં નીલકંઠ મહાદેવ મંદિર પાસે આવેલા ભીમચડ્ડામાં હતો ત્યારે સોનલ નદીમાં ઊતરી હતી. ગોઠણડૂબ પાણીમાં સોનલ નદીના પાણીનો આનંદ માણી રહી હતી, એ વખતે જ પાણીનો પ્રવાહ વધી જતાં સોનલ પાણીમાં તણાવા લાગી હતી. સોનલ તણાવા લાગતાં તેણે બૂમાબૂમ કરી હતી, જેનો અવાજ સાંભળી તેનાં નાની તરુલતાબેન નદીમાં કુદ્યા હતા. પાણીનો પ્રવાહ વધુ હોવાથી નાની-ભાણેજ બંને તણાવા લાગ્યાં હતાં. નજર સામે જ પુત્રી અને સાસુ તણાવા લાગતાં સોનલના પિતા અનિલભાઇ નદીમાં કુદ્યા હતા અને પળવારમાં જ ત્રણેયને નદીનો પ્રવાહ દૂર સુધી ખેંચી ગયો હતો. નદીના કાંઠે ઊભેલા દિલીપભાઇ કારિયા અને તેની પુત્રી ચીસો પાડવા લાગ્યાં હતાં. ઘટનાને પગલે ત્યાં હાજર લોકો એકઠા થઇ ગયા હતા અને સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...