તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:રાજકોટ સિવિલમાં ઇન્જેક્શન આપ્યા બાદ 3 વર્ષના બાળક સહિત 30ને ઠંડી-તાવ ચડ્યો, દવાનો જથ્થો સીલ

રાજકોટ20 દિવસ પહેલા
ઇન્જેક્શન આપવામાં આવતા આંચકી ઉપડી હતી
  • સર્જિકલ વોર્ડમાં રવિવારે સવારે ઇન્જેક્શન બાદ અસર જોવા મળી, મેડિકલ કોલેજની ડ્રગ કમિટીને તપાસ સોંપાઇ
  • ડોક્ટર-નર્સિંગ સ્ટાફે લાંબો સમય ધ્યાન નહીં આપ્યાની રાવ, રિપોર્ટ બાદ કાર્યવાહીનો તબીબી અધિક્ષકનો નિર્દેશ

સિવિલ હોસ્પિટલમાં રવિવારે સવારે સર્જિકલ વોર્ડમાં ઇન્જેક્શન અપાયા બાદ ત્રણ વર્ષના બાળક સહિત 30 લોકોને સાઇડ ઇફેક્ટ જોવા મળતાં દેકારો મચી ગયો હતો. હોસ્પિટલ તંત્રએ ચોક્કસ કંપનીના ઇન્જેક્શન અને દવા સહિતનો જથ્થો સીલ કરી તપાસ કમિટીની નિમણૂક કરી હતી.

સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલા સર્જરી વિભાગમાં રવિવારે સવારે 30 દર્દીઓને પાઇન્ટ (બાટલા)માં ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. ઇન્જેક્શન આપ્યાની પંદરેક મિનિટ બાદ ત્રણ વર્ષના ધ્રુવને આંચકી ઉપડ્યા બાદ તે બેભાન થઇ ગયો હતો જ્યારે અન્ય 29 દર્દીને ઠંડી સાથે તાવ શરૂ થયો હતો, આ અંગેની જાણ થતાં તબીબી અધિક્ષક આર.એસ.ત્રિવેદી સર્જરી વોર્ડમાં દોડી ગયા હતા અને દર્દીઓની હાલત વધુ બગડે નહીં તે માટે સાઇડ ઇફેક્ટની મારણ દવારૂપ એન્ટિડોટ (ઇન્જેક્શન) આપવામાં આવતા ત્રીસ મિનિટમાં તમામ દર્દીઓની સ્થિતિ સુધારા પર આવી ગઇ હતી.

ઇન્જેક્શન આપતા આંચકી ઉપડી હતી
ઇન્જેક્શન આપતા આંચકી ઉપડી હતી

ડો.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સીરીંજ, ઇન્જેક્શન કે આઇ.વી.સેટને કારણે રિએક્શન આવ્યાની શંકા છે, હાલમાં એ તમામ શંકાસ્પદ દવા, ઇન્જેક્શન અને આઇ.વી.સેટનો જથ્થો સીલ કરાયો છે, અને ક્યા કારણોસર આડઅસર જોવા મળી તેનું સ્પષ્ટ નિદાન કરવા માટે મેડિકલ કોલેજની એડીઆર (ડ્રગ રિએક્શનની નોંધ કરતી ) કમિટીને તપાસ સોંપવામાં આવી છે, કમિટીના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એકસાથે ત્રીસ ત્રીસ દર્દીને ઇન્જેક્શનની આડઅસરની ઘટનાથી સિવિલમાં થોડીવાર માહોલ તંગ થઇ ગયો હતો.

ઇન્જેક્શનની આડ અસર થવા પામી છે
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 3 વર્ષના બાળકને વધરાવળના ઓપરેશન બાદ આજે ઇન્જેક્શન આપવામાં આવતા આંચકી ઉપડી હતી. શુક્રવારે ઓપરેશન માટે સિવિલમાં દાખલ કરાયો હતો જેમાં ઓપરેશન સફળ થયું હતું અને આજે રજા આપવાના હતા પરંતુ સવારે સારવાર માટે ઇન્જેક્શન આપવામાં આવ્યું જે બાદ બાળક ની તબિયત લથડી જતા બાળકને આંચકી આવવા લાગી હતી. તેના પિતાનો આક્ષેપ છે કે ઇન્જેક્શનની આડ અસર થવા પામી છે.

બાળકના પિતા
બાળકના પિતા

25 જેટલા દર્દીઓને ઠંડી લાગવાની ફરિયાદ
બીજી તરફ હોસ્પિટલ થઈ રહેલા આ આક્ષેપો અંગે નિવેદન આપતા પી.ડી.યુ. હોસ્પિટલના તબીબી અધિક્ષકે જણાવ્યું હતું કે, સર્જરી વિભાગના વોર્ડમાં વહેલી સવારે દર્દીઓને સારવાર આપતી વખતે તબીબી સારવારના સાધનો જેવા કે સીરીઝ, ઇન્જેક્શન, બાટલો ચડાવવાનો આઈ.વી. સેટ, દવાઓ વગેરે આપ્યા બાદ વોર્ડમાં રહેલા અંદાજે 25 જેટલા દર્દીઓને સામાન્ય રાયગર એટલે કે ઠંડી આવવાની ફરિયાદ ઉપસ્થિત થતા ફરજ પરના ઉપસ્થિત નર્સિંગ કર્મચારી અને તબીબોએ તુરંત જ આવા દર્દીને આવી પરિસ્થિતિમાં આપવામાં આવતી મારણ દવાઓ કે જેને એન્ટીડોટ કહેવામાં આવે છે.

25 જેટલા દર્દીઓને સામાન્ય રાયગર એટલે કે ઠંડી આવવાની ફરિયાદ
25 જેટલા દર્દીઓને સામાન્ય રાયગર એટલે કે ઠંડી આવવાની ફરિયાદ

તપાસ કરતી કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તે અને રિએક્શન નાબૂદ કરવાની દવાઓ તાત્કાલીક આપી દીધેલ હતી. પરિણામે દર્દીને ગંભીર આડ અસર થતા અટકી ગયેલ છે.હોસ્પિટલમાં દવાઓની આડઅસરના પ્રસંગે અત્રેની મેડિકલ કોલેજમાં રહેલ ADR એટલે કે ડ્રગ રિએક્શનની નોંધ અને તપાસ કરતી કમિટી ને તાત્કાલિક જાણ કરવામાં આવતા આ બાબતની નિષ્ણાતો સ્થળ પર પહોંચીને છાનબીન શરૂ કરી દીધેલ છે. ઉપરોક્ત ADR એટલે કે ડ્રગ રિએક્શનની નોંધ અને તપાસ કરતી કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આંચકી બાદ બાળક બેભાન થઇ ગયો
ધ્રુવ ટીંબડિયા નામના 3 વર્ષના બાળકને વધરાવળની તકલીફ હોય તેને શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રવિવારે સવારે ઇન્જેક્શન આપ્યા બાદ ધ્રુવને આંચકી શરૂ થઇ ગઇ હતી અને તે બેભાન થઇ ગયો હતો. બાળકની કથળતી હાલત જોઇ તેના પરિવારજનો રોષે ભરાઇ ગયા હતા અને તબીબોની લાપરવાહી અંગે આક્ષેપ કર્યા હતા.

લાંબો સમય સુધી સ્ટાફ ડોકાયો નહીં
દર્દીના સંબંધીઓએ આક્રોશ સાથે કહ્યું હતું કે, સાઇડ ઇફેક્ટ અંગે અનેક વખત આ અંગે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને રજૂઆત કરી હતી પરંતુ શરૂઆતમાં કોઇએ ધ્યાન આપ્યું નહોતું અને લાંબો સમય વિત્યા બાદ ગંભીરતાનું ભાન થતાં તમામ સ્ટાફ દર્દીઓ પાસે પહોંચ્યો હતો અને રિએક્શન કાબૂમાં લેવાની દવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...