સુરતમાં જલદ કેમિકલનો નિકાલ કરતી વેળાએ છ શ્રમિકનાં મોત નીપજ્યાની ઘટના બની હતી. ત્યાર બાદ આવો જ બનાવ રાજકોટમાં પણ બન્યો હતો. સદનસીબે તે બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. દરમિયાન આ જ પ્રકારની વધુ ઘટનામાં જલદ કેમિકલનો નિકાલ કરવા રાજકોટની બંધ થઇ ગયેલી પેઢીના બિલ બનાવી છેતરપિંડી કરનાર ટેન્કરચાલક સહિતનાઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહેતા રમેશભાઇ શિવાભાઇ રાજપરા નામના પ્રૌઢે નોંધાવેલી ફરિયાદ મુજબ, અગાઉ તેઓ બામણબોર જીઆઇડીસીમાં આર.આર.કેમના નામથી કેમિકલ મેન્યુફેક્ચરિંગનો ધંધો કરતા હતા. જે ધંધો ગત માર્ચ મહિનામા બંધ કરી દીધો હતો. જે અંગે તંત્ર પાસેથી બંધ થયાનું પ્રમાણપત્ર પણ મેળવ્યું હતું. દરમિયાન શનિવારે બામણબોર તેમના શેડ પર હતા. ત્યારે બરોડા પાસિંગનું એક ટેન્કર આવ્યું હતું અને મધ્યપ્રદેશના ચાલક રજનીશ દ્વારિકાપ્રસાદ પટેલે કાગળો બતાવી માલ ક્યાં ખાલી કરવાનો છે તેવી વાત કરી હતી.
જેથી પોતે ધંધો બંધ કરી દેવા છતાં ટેન્કર આવતા પોતે ચોંકી ગયા હતા. ચાલકને અમે કોઇ માલ મગાવ્યો નથી તેવું જણાવતા ચાલકે અમારી પેઢીના બિલ બતાવ્યા હતા. જેમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કોઇ લેભાગુ તત્ત્વોએ નાણાકીય લાભ મેળવવા માટે અમારી કંપનીના નામનો ખોટો ઉપયોગ કરી બિલ બનાવ્યા હોવાની ખાતરી થતા તુરંત ચાલકને સાથે રાખી એરપોર્ટ પોલીસમથક દોડી ગયા હતા.
પીઆઇ જી.એમ.હડિયાએ બિલ તપાસતા હાઇડ્રોક્લોરિક એસિડનો નિકાલ કરનાર ભરૂચ પંથકની પાયલ પોલિપ્લાસ્ટ હોવાનું તેમજ કસ્ટમરની વિગતમાં જય અંબે કેમિકલ અમદાવાદ લખેલું જોવા મળ્યું હતું. પોલીસની બારિકાઇથી તપાસ કર્યા બાદ જોખમી પ્રદૂષિત ઔદ્યોગિક વેસ્ટના ખોટા બિલ બનાવી છેતરપિંડી કરી હોવાનું અને પર્યાવરણને તેમજ માનવ, પશુ-પક્ષીની જીવની સલામતી જોખમાઇ તેવું ગંભીર કૃત્ય આચર્યાનું ખુલ્યું હતું.
આજી ડેમ પોલીસે રમેશભાઇ રાજપરાની ફરિયાદ પરથી આઇપીસી 278,284,336,420,465,467,468,471,120(બી) તથા પર્યાવરણ સંરક્ષણ અધિનિયમની કલમ હેઠળ ટેન્કરચાલક, અમદાવાદ, ભરૂચની પેઢી સહિતના શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.