તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:રાજકોટમાં જુના યાર્ડ ખાતે શાકભાજીના કિલો દિઠ 2 થી 3 રૂપિયા ભાવ મળતાં ખેડૂતોએ રસ્તા પર શાકભાજી નાંખી દીધું

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં શાકબકાલુ ખેડૂતોએ રસ્તા પર નાંખી દીધું - Divya Bhaskar
રાજકોટમાં શાકબકાલુ ખેડૂતોએ રસ્તા પર નાંખી દીધું
  • રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘણા સમયથી બંધ રહેલી મગફળીની આવક ફરીવાર ચાલુ થઈ

રાજકોટમાં જૂના યાર્ડ ખાતે ખેડૂતો રોષે ભરાયાં હતાં. આજે સવારથી જ યાર્ડમાં શાકભાજીનો પાક વેચવા માટે આવેલા ખેડૂતોને કિલો દિઠ માત્ર 2 થી 3 રૂપિયા જ ભાવ મળતાં વિરોધ શરૂ થયો હતો. ખેડૂતોએ ભાવથી નારાજ થઈને તમામ શાકભાજી રોડ પર નાંખીને વિરોધ કર્યો હતો. યાર્ડમાં લીંબુ અને બટાકા સિવાયના તમામ શાકભાજી 2 થી 3 રૂપિયા કિલોના ભાવ બોલાયો હતો. જ્યારે બજારમાં 10 થી 50 રૂપિયા સુધી કિલોના ભાવે શાકભાજી વેચાઈ રહ્યું છે. ભાવ નહીં મળતાં હાલ ખેડૂતોને મજૂરી અને ભાડાની રકમ પણ ઘરની ભોગવવાનો વારો આવ્યો છે.

યાર્ડમાં મગફળીની આવક ફરી શરૂ થઈ
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘણા સમયથી બંધ રહેલી મગફળીની આવક ફરીવાર ચાલુ થઈ ગઈ છે. કાલાવડ અને હળવદના ખેડૂતો મગફળીનો પાક લઈને યાર્ડમાં પહોંચ્યાં છે. આ વખતે ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું છે. જેથી મગફળી સારા પ્રમાણમાં તૈયાર થઈ ગઈ છે. હાલ મગફળી ભેજવાળી હોય અને થોડી ડેમેજ હોવાથી ખેડૂતોને ભાવ પ્રમાણમાં થોડા ઓછા મળી રહ્યા છે. હાલ મગફળીના ભાવ 900 રૂપિયાથી લઈને 1050 રૂપિયા સુધી મળી રહ્યા છે. ગત વર્ષે 900 થી 1100 રૂપિયા ભાવ હતા.સરેરાશ દરરોજ રાજકોટ યાર્ડમાં 200 મણ મગફળીની આવક થઈ રહી છે.

ભાવ નહીં મળતાં ખેડૂતો નારાજ થયાં
ભાવ નહીં મળતાં ખેડૂતો નારાજ થયાં

કિલો મરચાના રૂ. 2 જ મળે છે
હાલ ગુવાર સહિતના અનેક શાકભાજીના એકમણ દીઠ રૂ.30 મળે છે. જ્યારે મરચા એક કિલોના રૂ.2 જ અમને વેપારીઓ દ્વારા ચૂકવવામાં આવે છે. જેના કારણે વેપારીઓ નાછૂટકે પોતાના શાકભાજી રોડ પર ફેંકી રહ્યા છે.એકબાજુ ખેડૂતો પર કુદરત પણ રૂઠી ગઇ છે અને ચાલુ ચોમાસામાં માત્ર ત્રણ ઈંચ જેટલો જ વરસાદ પડ્યો છે. ત્યારે ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ મળતા ન હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે.

ખેડૂતોએ શાકભાજી નાંખી દીધુું
ખેડૂતોએ શાકભાજી નાંખી દીધુું

રેવાણિયા ગામના ખેડૂતોએ શાકભાજી રોડ પર ફેંકી દીધાં હતાં
વીંછિયાના રેવાણીયા રોડ પર ખેડૂતોએ ગુવાર સહિતના શાકભાજી રોડ પર જ ફેંકી દઈ રોષ વ્યક્ત કર્યો હતો. વીંછિયા પંથકના ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો શાકભાજીના ભાવ માત્ર રૂ.30 જ મળતા હોવાથી ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ ખેડૂતો દ્વારા મોંઘાદાટ બિયારણો અને દવાઓના રૂપિયા ખર્ચી પોતાની વાડી-ખેતરોમાં શાકભાજી ઉગાડવામાં આવે છે. પરંતુ ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં પોતે વાવેલા શાકભાજી વેચવા માટે જાય છે ત્યારે પૂરતો ભાવ મળતો ન હોવાથી ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે. હાલ વીંછિયા પંથકના ખેડૂતોને શાકભાજી ઉતારવાની મજૂરી પણ ચૂકવવી મુશ્કેલ બની ગઈ છે.

ખેડૂતોને શાકભાજીના કિલોએ આ ભાવ મળ્યા

રીંગણાં1 થી 2 રૂપિયા
દૂધી2 રૂપિયા
ગુવાર5 થી 7 રૂપિયા
કારેલા1 રૂપિયો
મરચા2 થી 5 રૂપિયા
ફલાવર10 થી 30 રૂપિયા
અન્ય સમાચારો પણ છે...