તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:સૌરાષ્ટ્રના ખેડૂતોએ વરસાદની રાહ જોયા વિના આગોતરા વાવણીના કર્યા શ્રીગણેશ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉનાળામાં વરસાદી માહોલ રહ્યો હોવાથી ગત વર્ષ કરતા વધ્યું વાવેતર
  • ધરતીપુત્રોએ સારા ભાવ મળવાની આશાએ મગફળી,કપાસનું કર્યું આગોતરું વાવેતર

સૌરાષ્ટ્રના ખેડૂતોએ વરસાદની રાહ જોયા વિના હવે આગોતરા વાવેતરના શ્રીગણેશ કરી દીધાં છે. પાણીની સગવડ હોય તેવા ખેડૂતોએ મગફળી અને કપાસનું આગોતરું વાવેતર શરૂ કર્યું છે. આ વર્ષે ઉનાળામાં પણ વરસાદ વરસ્યો હોવાથી પાણીના તળ ઊંચા આવ્યા છે. જેના પરિણામે વાવેતર વધ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ આગોતરી વાવણીની શરૂઆત કરી દીધી છે. વરસાદ મોડો થાય તો પણ પાક સમયસર તૈયાર થઈ જાય તે માટે ખેડૂતોએ આગોતરું વાવેતર શરૂ કર્યું છે. હાલ સૌરાષ્ટ્રમાં મોટાભાગે મગફળી અને કપાસનું વાવેતર થઈ રહ્યું છે.

આ વર્ષે ઉનાળામાં પણ વરસાદી માહોલ રહ્યો હતો. સાથે જ તાઉતે વાવાઝોડા વખતે અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો અને નદીઓમાં પણ નવાં નીરની આવક થઇ હતી. જેથી પાણીના તળ ઊંચા આવ્યા હોવાથી દર વર્ષની સરખામણીએ આ વર્ષે આગોતરું વાવેતર વધતું જોવા મળી રહ્યું છે. વાવણી બાદ પાક વહેલાસર ઉગીને તૈયાર થઈ જાય તો ઉત્પાદન વહેલું આવી શકે તેમ છે. બીજી તરફ ખેડૂતોને ચિંતા એ પણ છે કે, હાલ પૂરતું જે પાણી છે તે એકથી બે વખત પિયત આપી શકાય તેટલું છે. તેવા સંજોગોમાં જો વરસાદ ખેંચાશે તો પિયત કેવી રીતે આપવું તે પણ મોટો પ્રશ્ન છે.

મોંઘા ખાતર- બિયારણથી ખેડૂતોને માર
ખાતર તેમજ બિયારણના ભાવ મોંઘા હોવાથી ખેડૂતોને માર પડી રહ્યો છે. હાલ મગફળીના બિયારણના 2500થી 3500 સુધી બોલાઇ રહ્યા છે. જેની સામે મગફળી તૈયાર થાય તો ખેડૂતોને માત્ર 900થી 1100 સુધી જ ભાવ મળી રહ્યો છે. ખેડૂતો વાવાઝોડાને કારણે પણ પાયમાલ થયા છે. સાથે જ કોરોનાકાળમાં પણ ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. આ સ્થિતિ વચ્ચે જગતનો તાત સારા ભાવ મળશે તેવી આશાએ આગોતરું વાવેતર કરી રહ્યો છે.

ખેડૂતોએ આગોતરા વાવેતરમાં શું કાળજી રાખવી?
આગોતરા વાવેતરમાં ખેડૂતોએ પાકની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. જી.આર. ગોહિલના કહેવા મુજબ મગફળીમાં સુકારો આવે તો તુરંત પાણી આપવું જોઇએ. જો મગફળીમાં વધુ પ્રમાણમાં ઇયળનો ઉપદ્રવ જણાય તો દવાનો છંટકાવ કરવો. પરંતુ 35થી 40 દિવસ બાદ મગફળીમાં ઈયળ જોવા મળે તો દવાના છંટકાવની જરૂર નથી. આ ઉપરાંત જો વરસાદ ખેંચાય તો કપાસના પાકમાં સમયસર પાણી આપવું. સાથે જ કપાસમાં ચુસિયા પ્રકારની જીવાત દેખાય તો સમયસર દવાનો છંટકાવ કરવો.

અન્ય સમાચારો પણ છે...