તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીમાં ખેડૂતો બન્યા ચિંતાતુર, તાલુકામાં 20 જેટલા ચેકડેમ બિસ્માર હાલતમાં,આમાં પાણી પહેલા પાળ કેમ બંધાશે

રાજકોટ6 દિવસ પહેલા
ચેકડેમના દ્રશ્ય જોતા ખેડૂતોના આક્ષેપ સાચા હોય તેવું લાગી રહ્યું છે
  • ભારતીય કિસાન સંઘના મતે સમગ્ર જિલ્લામાં 4000 ચેકડેમો તૂટેલી હાલતમાં
  • ચેકડેમો ખેડૂતો માટે શોભાના ગાંઠિયા સમાન બન્યા હોવાનો આક્ષેપ

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના ખેડૂતો ચોમાસા પહેલાં જ ચિંતાતુર થયા છે. તેમની આ ચિંતાનું કારણ છે બિસ્માર હાલતમાં ફેરવાયેલા ચેકડેમો. જે ચેકડેમ ખેડૂતોની સુવિધા માટે બનાવવામાં આવ્યા હતા એ જ ચેકડેમ હાલ ખેડૂતો માટે શોભાના ગાંઠિયા સમાન બન્યા હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લા ભારતીય કિસાન સંઘના મતે સમગ્ર જિલ્લામાં 4000 ચેકડેમો તૂટેલી હાલતમાં છે. હવે આમાં પાણી પહેલા પાળ કેમ બંધાશે ! તેવા તર્ક-વિતર્ક ખેડૂતો કરી રહ્યા છે.

આ વર્ષે પણ ખેડૂતોને નિરાશ થવાનો વારો આવ્યો
આ વર્ષે પણ ખેડૂતોને નિરાશ થવાનો વારો આવ્યો

તંત્ર નપાણીયુ સાબિત થયું હોવાનો આક્ષેપ
જ્યાં પાણી પહેલાં પાળ બાંધવાની જરૂર છે ત્યાં જ તંત્ર નપાણીયુ સાબિત થતું હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકામાં આવેલા ચેકડેમના દ્રશ્ય જોતા ખેડૂતોના આક્ષેપ સાચા હોય તેવું લાગી રહ્યું છે. ચેકડેમ ની સ્થિતિ જોઇએ તો હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયેલા છે. ચેકડેમની બંને તરફ માત્ર થોડી ઘણી પાળ બચી છે. બાકી જે ભાગ પાણીને રોકવા માટે હોવો જોઈ તેજ આ ચેકડેમમાં તૂટી ગયો છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે હવે ચોમાસાને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અહીંયા આ ચેકડેમ પાણી ને કેવી રીતે રોકી શકશે?

ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા
ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા

ચેકડેમને રીપેર કરવા માટે તંત્ર દ્વારા કોઈ તસ્દી લેવામાં નથી આવી
લગભગ 12 વર્ષ પહેલા બાંધવામાં આવેલ આ ચેકડેમ કે જેનો ખેડૂતો નિરંતર લાભ લેતા હતા જોકે ચારેક વર્ષ પહેલા આવેલા ભારે વરસાદના કારણે આ ચેકડેમ ધોવાઇ ગયો હતો ત્યારબાદ આ ચેકડેમને રીપેર કરવા માટે તંત્ર દ્વારા કોઈ તસ્દી લેવામાં ન આવી હોવાનો આક્ષેપ સ્થાનિક ખેડૂતો કરી રહ્યાં છે. ઉનાળો શરૂ થતાની સાથે ખેડૂતોને આશા જાગતી હોય છે કે આ વર્ષે તેમના વાડી વિસ્તારમાં આવેલા ચેક ડેમ રિપેર થઈ જશે અને આવતા ચોમાસા માં તેમને નદીમાં પાણી ભરાયેલું રહેશે જોકે ખેડુતોની આશા ચોમાસાની શરૂઆત સાથે જ નિરાશામાં બદલી જતી હોય છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ ખેડૂતોને નિરાશ થવાનો વારો આવ્યો છે.

20 જેટલા ચેકડેમ છે જે એકદમ બિસ્માર હાલતમાં
કોટડા સાંગાણીમાં આ એકમાત્ર ચેકડેમ તૂટેલી હાલતમાં છે એવું નથી ગામના આગેવાનોનું કહેવું છે કે કોટડા સાંગણી તાલુકામાં કુલ 20 જેટલા ચેકડેમ છે જે એકદમ બિસ્માર હાલતમાં છે. આગેવાનોનું કહેવું છે કે આ મામલે તેમણે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે તૂટેલા ચેકડેમ તેમજ તેમના સરનામા સહિતની ફાઈલ તૈયાર કરીને આશરે ચારેક વખત પહોંચાડી છે દર વખતે જિલ્લા કલેકટર કચેરી દ્વારા તેમને આશ્વાસનરૂપી જવાબ આપવામાં આવે છે.

ચેકડેમના દ્રશ્ય જોતા ખેડૂતોના આક્ષેપ સાચા હોય તેવું લાગી રહ્યું છે
ચેકડેમના દ્રશ્ય જોતા ખેડૂતોના આક્ષેપ સાચા હોય તેવું લાગી રહ્યું છે

ભારતીય કિસાન સંઘના મતે સમગ્ર જિલ્લામાં 4000 ચેકડેમો તૂટેલી હાલતમાં
રાજકોટ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા આ અંગે જણાવે છે કે,રાજકોટ જિલ્લામાં લગભગ 20 હજાર જેટલા નાના મોટા ચેકડેમ આવેલા છે જેમાંથી આશરે 4000 ચેકડેમ એવા છે જે એકદમ તૂટેલી હાલતમાં છે આ અંગે તેમના દ્વારા પણ કલેકટર તંત્રને પણ અવાર નવાર રજૂઆત કરવામાં આવી હતી આમ છતાં કલેકટર તંત્ર દ્વારા આ મામલે કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું.

ખેડૂતોને પાણીની સમસ્યાનો સામનો કરવો જ પડશે
વધુમાં તેઓ જણાવે છે કે,ગયા વર્ષે ખૂબ જ સારો વરસાદ વરસ્યો હતો આમ છતાં ઉનાળો આવતા તમામ નદી-નાળાઓ ખાલી થઈ ગયા હતા. આ વર્ષે પણ પરિસ્થિતિ આવી જશે કદાચ બહુ સારો વરસાદ થશે તો પણ ઉનાળામાં તો ખેડૂતોને પાણીની સમસ્યાનો સામનો કરવો જ પડશે કેમકે આ સમસ્યાનું કારણ હશે આ તૂટેલા ડેમ જો ડેમોમાં પાણી હોય તો ખેડૂતોના કુવામાં પણ પાણી જળવાઈ રહેતો હોય છે અને જેના કારણે તેઓ ખેતીમાં પાણીની ઘટ ન સર્જાય.

અન્ય સમાચારો પણ છે...