મેઘમહેર:વીંછિયા પંથકમાં વાવણી પછી ધીમીધારે વરસાદ, કપાસ, મગફળી, મગ સહિતના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીંછિયાના ભડલી ગામે ધીમીધારે વરસાદ પડ્યો. - Divya Bhaskar
વીંછિયાના ભડલી ગામે ધીમીધારે વરસાદ પડ્યો.
  • રાજકોટમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું

રાજકોટ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદનું નામોનિશાન જોવા મળ્યું નથી. આજે બપોર સુધી અસહ્ય બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને વીંછિયા પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વાવણી બાદ વરસાદ થતા મગફળી, કપાસ, મગ, અડદ, મકાઇ સહિતના પાકોને જીવનદાન મળ્યું છે.

વીંછિયાના ભડલી ગામે ધીમીધારે વરસાદ
વીંછિયાના ભડલી સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતાં ખેડૂતોમા આનંદની લાગણી જોવા મળી રહી છે. ઘણા દિવસો બાદ વરસાદ પડતાં લોકોએ પણ ગરમીમાંથી રાહત મેળવી છે. વાવણી પછી વરસાદ આવતા પાકોને જીવનદાન મળ્યું છે. ભડલીના હસમુખભાઈ તૈરેયાએ જણાવ્યું હતું કે, આજે આખો દિવસ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ પડે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.

રાજકોટમાં પણ વાદળાછાયું વાતાવરણ
રાજકોટ શહેરમાં પણ આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આથી અસહ્ય બફારાને કારણે લોકો અકળાયા છે. ધોધમાર વરસાદ પડે તેવું લોકો ઇચ્છી રહ્યાં છે.

(કરસન બામટા, આટકોટ)