તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની ‘હૈયા’હોળી:ધૂળેટી પર પાબંધી લાગતા ખેડૂતોને નુકસાન, રૂ. 55માં પડતર પડતા ગુલાબના એક કિલો ફૂલ રૂ. 20માં વેચાય છે, કિલોએ 35ની નુકસાની!

ગોંડલ3 મહિનો પહેલા
ધૂળેટીના તહેવાર પર પ્રતિબંધ આવતા ફૂલના ખેતી કરતા ખેડૂતોની માઠી.
  • હોળી-ધૂળેટીમાં ગલગોટા, બેરી અને ગુલાબ સહિતના ફૂલોનો ઉપયોગ થાય છે

ધૂળેટીના તહેવાર પર કોરોનાનું ગ્રહણ લાગતા ફૂલોની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હોળી-ધૂળેટીમાં ફૂલની બજારમાં તેજી આવે છે પરંતુ સરકારે પાબંધી લગાવી દેતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ગોંડલ પંથકમાં ગુલાબની ખેતી કરતા ખેડૂત અશ્વિનભાઇ મોણપરાએ જણાવ્યું હતું કે, 55 રૂપિયામાં પડતર પડતા એક કિલો ગુલાબના ફૂલ હાલ 20 રૂપિયામાં વેચાય છે. આથી એક કિલોએ 35 રૂપિયાની નુકસાની સહન કરવાની વારો કરી છે.

હોળી-ધુળેટી પર્વમાં વ્યાપક પ્રમાણમાં ફૂલોનો ઉપયોગ થાય છે
વૈશ્વિક મહામારી કોરોનાએ રીતસર લોકોને ભયભીંત કરી દીધા છે. છેલ્લા એક વર્ષમાં એક પણ તહેવારને લોકો મન ભરીને માણી શક્યા નથી. દિન પ્રતિદિન કોરોના સંક્રમિતનો આંક વધતો જ જાય છે. ત્યારે રંગ પર્વને ગણતરીના દિવસો બાકી હોય સરકાર દ્વારા SOP જાહેર કરી છે. ત્યારે ખાસ કરીને ફાગણ માસમાં હોળી-ધુળેટી પર્વમાં વ્યાપક પ્રમાણમાં ફૂલોનો ઉપયોગ થતો હોય છે. જેમાં ગલગોટા, બેરી અને ગુલાબ સહિતના ફૂલોનો ઉપયોગ થતો હોય છે. પરંતુ સરકારે ચૂંટણી પર્વ ધામધૂમપૂર્વક ઉજવી લીધા બાદ ધાર્મિક ઉત્સવ ઉપર કોરોનાનો કોરડો વિંઝી એકાએક બ્રેક લગાવી દેતા તેની અસર ફૂલની ખેતી કરતા ખેડૂતો અને વેપારીઓ પર પડી છે.

ગોંડલ શહેરના ફૂલના વેપારી કલ્પેશભાઈ વોરા.
ગોંડલ શહેરના ફૂલના વેપારી કલ્પેશભાઈ વોરા.

ધાર્મિક ઉત્સવમાં સરકાર અંતિમ ઘડીએ પ્રતિબંધ લગાવે છે
ફૂલોના વ્યવસાયમાં આવેલી વ્યાપક મંદી અંગે ગોંડલ શહેરના ફૂલના વેપારી કલ્પેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલા ગોંડલ શહેર અને પંથક ફૂલો માટે અમદાવાદ વિસ્તાર ઉપર આધારિત હતું. છેલ્લા એક દાયકાથી ગોંડલ શહેર અને પંથકમાં વિવિધ ફૂલોની ખેતી થવા લાગી છે. જરૂરિયાત પ્રમાણમાં ઘર આંગણે જ ફૂલો મળી રહે છે. પરંતુ હાલ વર્તમાન સમયે વેપારીઓ અને ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ ખરાબ બની રહી છે. સરકારી પ્રતિબંધના કારણે ધાર્મિક ઉત્સવો, લગ્ન પ્રસંગો બંધ થયા છે. ફૂલોની જરૂરિયાત ઘટી છે.

ખેડૂત અશ્વિનભાઇ મોણપરા.
ખેડૂત અશ્વિનભાઇ મોણપરા.

ફૂલોની ખેતીમાંથી ફૂલો ઉતારવાની મજૂરી પણ મોંઘી પડે છે
ખેડૂત અશ્વિનભાઇ મોણપરાએ જણાવ્યું હતું કે, ખેતરમાં ઉભેલા મનમોહક ફુલો ઉતારવાની મજૂરી પણ મોંઘી પડી રહી છે. ખેડૂતોને ગુલાબના ફૂલ 55 રૂપિયા કિલો પડતર થાય છે, જેની સામે બજારમાં રૂપિયા 20 કિલો લેખે વેચાતા હોય 35 રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જો ફૂલોને સમયસર ઉતારી લેવામાં ન આવે તો ખરાબ થઈ જાય છે. મોટાભાગના ખેડૂતોએ સફેદ ફૂલના છોડ ખેતરમાંથી કાઢવાનું શરૂ કરી દીધું છે.

(દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...