રાજકોટના પેંડાની લહેજત!:80 વર્ષથી પ્રખ્યાત 'જય સિયારામના પેંડા'! આજે પણ એ જ ક્વોલિટી, પહેલીવાર જુઓ દેશી ચૂલા પર બનાવટની રેસિપી

રાજકોટએક મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા

રંગીલા રાજકોટની જનતા હરવા ફરવાની તો શોખીન છે જ પરંતુ સામે ખાવા-પીવાની પણ તેનાથી વધુ શોખીન છે. એક સમય હતો કે જ્યારે રાજકોટમાં માત્ર માવાના પેંડા જ બનતા હતા. આ સમયે વર્ષ 1933માં રાજકોટના હરજીવનભાઈએ સૌપ્રથમવાર દૂધના પેંડા બનાવવાની શરૂઆત કરી હતી. તેઓ સીતા-રામ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા, માટે તેઓ સામે મળતી દરેક વ્યક્તિને જય સિયારામ કહેતા. બસ, ત્યારથી તેઓ જય સિયારામ પેંડાવાળા તરીકે પ્રખ્યાત થઇ ગયા. આજે તેમની ત્રીજી પેઢી એટલે કે પૌત્રી દાદાનો શરૂ કરેલો પેંડાનો વેપાર સારી રીતે આગળ વધારી રહી છે. પહેલીવાર દિવ્ય ભાસ્કરના કેમેરામાં જય સિયારામ પેંડા કઈ રીતે બને છે તે કેદ થયું છે. દેશી ચૂલા પર પેંડા બનાવવામાં આવતા હોવાથી સ્વાદમાં ચાર ચાંદ લાગી જાય છે.

રાજકોટ બહાર ડાયરેક્ટલી પેંડાનું વેચાણ થતું નથી
રાજકોટ શહેરના પેંડા ન માત્ર ગુજરાત પરંતુ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. તેમાં પણ જય સિયારામ પેંડા તો રાજકોટની એક આગવી ઓળખ બની ગઈ છે. રાજકોટ શહેરના યાજ્ઞીક રોડ પર 80 વર્ષથી જય સિયારામ પેંડાની દુકાન આવેલી છે. વર્ષ 1933માં જય સિયારામ પેંડાની શરૂઆત થઈ હતી. જેને આજે ત્રીજી પેઢીએ પૌત્રી બિઝનેસ સંભાળી રહી છે. 1933માં જે સ્વાદ અને ક્વોલિટી હતી તે આજે ત્રીજી પેઢીએ પણ જળવાય રહ્યો છે. ‘ફ્રેશ અને સારી વસ્તુ વેચવી’ નું સુત્ર દાદાએ આપ્યું અને આજે તેની પૌત્રી આ સુત્ર સાથે વિશ્વભરમાં પોતાના પેંડાનો સ્વાદ પહોંચાડી રહી છે. અહીં એ વાત ઉલ્લેખનીય છે કે, જય સિયારામના પેંડા ડાયરેક્ટલી રાજકોટ બહાર પહોંચાડાતા નથી. ગ્રાહકોએ દુકાને આવીને જ ખરીદવા પડે છે.