ધરપકડ:શાપરની પેઢીના ખોટા પ્રાઇઝલિસ્ટ બનાવી ચાર રાજ્યમાં 18 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સસ્તામાં વસ્તુ આપવાની લાલચ આપી વેપારીઓને ફસાવતો’તો
  • ગોંડલના મુંગાવાવડીનો શખ્સ શાપરની અલગ અલગ કંપનીના કર્મચારી તરીકેની સોશિયલ મીડિયામાં ઓળખ આપતો, લેપટોપ અને મોબાઇલ સહિત કુલ રૂ.39 હજારનો મુદ્દામાલ જપ્ત

શાપર-વેરાવળમાં આવેલી પેઢીના કર્મચારી તરીકેની ખોટી ઓળખ બતાવી સોશિયલ મીડિયાના માધ્યમથી પરપ્રાંતના વેપારીઓને સસ્તામાં વસ્તુ આપવાની લાલચ આપી રૂ.18.30 લાખની છેતરપિંડી કરનાર ગોંડલના મુંગા વાવડીના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. આ શખ્સે અગાઉ મહારાષ્ટ્રના વેપારીને પણ આ રીતે ફસાવ્યા હતા અને તે ગુનામાં મહારાષ્ટ્ર પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.

કાંગશિયાળીમાં આવેલી આસ્થા ગ્રીનસિટીમાં રહેતા અને શાપર-વેરાવળમાં હોટર સોલાર ઇક્વિપમેન્ટ નામની પેઢી ધરાવતાં પીયૂષભાઇ રમેશભાઇ ઢોલરિયાએ શાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીયૂષભાઇની પેઢીના નામ સરનામા, ટ્રેડમાર્ક લોગો અને બોગસ ઇ-મેલ એડ્રેસ બનાવી પેઢીના કર્મચારી તરીકેની ઓળખ આપનાર સુરેશ પટેલ નામના શખ્સે પેઢીનું બનાવટી પ્રાઇઝ લિસ્ટ બનાવી તે પ્રાઇઝ લિસ્ટ સહિતની વસ્તુઓ સોશિયલ મીડિયામાં મૂકી પરપ્રાંતના વેપારીઓને પોતાની જાળમાં ફસાવ્યા હતા.

અનેક વેપારીઓ સાથે છેતરપિંડી કરનારને ઝડપી લેવા જિલ્લા પોલીસવડા બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ એ.આર.ગોહિલ સહિતનો સ્ટાફ હરકતમાં આવ્યો હતો અને છેતરપિંડી આચરનાર મુંગાવાવડીનો મિલન રાજેશ સખિયા (ઉ.વ.20) હોવાની માહિતી મળતાં પોલીસે મિલનને ઝડપી લઇ તેની પાસેથી લેપટોપ, રોકડા રૂ.4 હજાર અને મોબાઇલ સહિત કુલ રૂ.39 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પીઆઇ ગોહિલે જણાવ્યું હતું કે, મિલન સખિયા એગ્રિકલ્ચર પ્રોડક્ટના વેપારીઓને વિશ્વાસમાં લેવા માટે ગૂગલમાં સરળતાથી મળી રહે તેવી પ્રતિષ્ઠિત પેઢીનું નામ સરનામું અને ટ્રેડમાર્ક તથા ઇ-મેલ એડ્રેસનો ફોટો પાડી તેનો નકલી લોગો બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારીઓને ફસાવતો હતો. મિલને મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક સહિતના ચાર રાજ્યના વેપારીઓને શાપર અને જેતપુરની અલગ અલગ પેઢીના નામે છેતર્યા હતા.

મહારાષ્ટ્રના નિશાંત પાટીલ પાસેથી આ રીતે રૂ.3.40 લાખની છેતરપિંડી કરી હતી અને એ ગુનામાં મહારાષ્ટ્ર પોલીસે મિલનની અગાઉ ધરપકડ કરી હતી. અનેક છેતરપિંડીના ભેદ ઉકેલાવાની આશાએ પોલીસે મિલન સખિયાને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી. મહારાષ્ટ્ર સહિતના ચાર રાજ્યો ઉપરાંત અન્ય કોઇ શહેરમાં આ શખ્સે છેતરપિંડી કરી છે કે નહીં તે અંગે પોલીસે મિલન સખિયાની પૂછપરછ શરૂ કરી છે. રિમાન્ડ દરમિયાન પોલીસ તેની પાસેથી વધુ વિગત મેળવશે.

અન્ય સમાચારો પણ છે...