તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ RTPCR કૌભાંડ:ખોટા નામ લખ્યાં હતા તેમનું રેશનકાર્ડ તપાસતા જુઠ્ઠા ‘બાબુ’ઓ ઉઘાડા પડ્યા, ઘરે જઈ લોકોને કહ્યું, ‘ફોન આવે તો કહેજો સેમ્પલ લીધા છે’

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ખોટાને સાચું ઠેરવવા ફરી ખોટું કરી તમામ હદ પાર કરી, નિવેદન ખોટું લખ્યું
  • નિવેદનમાં ખોટા નામ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ ઠીકરું ફોડ્યું, ‘તાલુકા આરોગ્ય અધિકારી સમક્ષ નિવેદન લેવાયા છે’

દિવ્ય ભાસ્કરે સમગ્ર રાજ્યમાં ફેલાયેલા ખોટા સેમ્પલ લેવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જે મામલે ગેરરીતિ બહાર લાવવાને બદલે રાજકોટ જિલ્લા પંચાયતના અધિકારીઓ બેશરમ બનીને ઢાંકપિછોડા કઈ રીતે કરવા તે યુક્તિઓ વિચારીને નવા જ કૌભાંડને અંજામ આપી રહ્યા છે પણ ભાસ્કરે તેનો પણ પર્દાફાશ કર્યો છે અને જિલ્લા કલેક્ટરની તપાસમાં તે સાબિત થઇ ચૂક્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પોઝિટિવિટી રેટ ઓછો બતાવવા અને સેમ્પલ ટાર્ગેટ પૂરા કરવા સ્વેબ લીધા વગર આડેધડ નામો લખી આરોગ્યકર્મીના મોબાઈલ નંબર લખી લેબમાં સેમ્પલ મોકલી દીધા હતા. ખોટા નામ નાખ્યા હોય તેવા લોકોને ભાસ્કરે શોધી કાઢ્યા હતા જેમાં સેમ્પલ ન લીધા હોવાનું સામે આવ્યું હતું.

ઢાંકપિછોડો કરવા આરોપીઓએ નવું કૌભાંડ આચર્યું
આ કૌભાંડ બહાર આવ્યા બાદ કસૂરવાર શોધવાને બદલે ઢાંકપિછોડા કરવા નવું કૌભાંડ આચર્યું હતું. જે ત્રણ લોકોના નામ પ્રકાશિત થયા હતા તેમના ઘરે જઈને કોઇનો ફોન આવે તો સેમ્પલ લીધા છે તેવું કહેજો અને નામ લખાવી લીધા હતા પણ પરિવાર તરીકેના નામ પાછળથી બદલાવી સેમ્પલ વખતે જે ખોટા નામ હતા તે વ્યક્તિની જાણ બહાર લખી તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. દિવ્ય ભાસ્કર પાસે અગાઉથી જ તમામ પુરાવાઓ હતા એટલે આ કૌભાંડનો પણ પર્દાફાશ કર્યો. જેથી જિલ્લા કલેક્ટરે પ્રાંત અધિકારી જસદણને તપાસ સોંપી હતી.

સમગ્ર કૌભાંડ મામલે તપાસ કરવા કલેક્ટરના આદેશ
પ્રાંત અધિકારીએ નિવેદન આપનારાઓને ફોન કરતા 3ના ફોન બંધ હતા જ્યારે વિનોદભાઈ ડોડિયાએ રૂબરૂ આવીને કૂપન તેમજ આધારકાર્ડ આપતા જિલ્લા પંચાયતના અધિકારીઓનો મોઢા પરથી રંગ ઊડી ગયો હતો અને ખોટા નિવેદન લીધા છે તે સાબિત થયું હતું. આ અંગે જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે, જેના નિવેદન લેવાયા છે તે તમામનો સંપર્ક કરી પુરાવાઓ એકઠા કરાશે અને તેના રિપોર્ટ બાદ કાર્યવાહી હાથ ધરાશે. આ ખોટા નિવેદન કોણે લીધા છે તે પ્રશ્ન જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ શાહને પૂછાતા તેઓએ તાલુકા આરોગ્ય અધિકારી સમક્ષ નિવેદન લેવાયાનું કહી સમગ્ર કૌભાંડની જવાબદારી તાલુકા આરોગ્ય અધિકારી પર ઢોળી દીધી છે.

ખોટા નિવેદનો લખવા કેટલાક અધિકારીએ શામ, દામ, દંડ, ભેદ બધું જ કર્યું, હજુ કરે છે
જિલ્લા પંચાયતના અધિકારીઓએ સેમ્પલ કાંડમાં ઢાંકપિછોડા કરવા માટે તમામ હદ પાર કરી નાખી છે અને નકલી નિવેદનો લખવા જેવા ગુનાહિત કૃત્ય આદર્યા છે અને તેના માટે શામ, દામ, દંડ, ભેદ તમામ હથકંડા વાપરી લીધા છે. દિવ્ય ભાસ્કરે સેમ્પલ કાંડમાં એ નામો છાપ્યા હતા જેમા આરોગ્ય કર્મીઓના નંબર હતા અને સેમ્પલ લેવાયા ન હતા. આ તમામના ઘર જિલ્લા પંચાયતે શોધ્યા હતા અને તે વિસ્તારના માથાભારે, પૂર્વ રાજકારણી, નેતાઓ, આગેવાનોને સાથે લઈ ગયા હતા. પ્રેમથી હા પાડે તો ઠીક નહીંતર બધા પ્રકારના હથકંડા વાપરી નિવેદનના નામે કોરા કાગળો પર સહી કરાવી લીધી છે અને કહ્યું છે કે કોઇનો ફોન આવે તો કહી દેજો કે સેમ્પલ લઈ ગયા છે. જિલ્લા પંચાયતના સત્તાધીશો એ ભૂલી ગયા છે કે માત્ર એક નિવેદનથી આ મામલો થાળે નહિ પડે કારણ કે, ભાસ્કર પાસે અઢળક સેમ્પલના પુરાવાઓ પડ્યા છે.

આટલા અધિકારીઓનું માર્ગદર્શન છતાં ખોટા નિવેદન લેવાઈ ગયા
જવાબદારીની આખી શૃંખલા એ છે કે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાની સૂચનાથી ડો. નિલેશ શાહે ઈએમઓ ડો. નિલેશ રાઠોડને આદેશ આપ્યો ત્યારબાદ ઈન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારી ડો. ધવલ ગોસાઈ અને અર્બન હેલ્થ ઓફિસર ડો. અફઝલ ખોખરને નિવેદન લેવા કહ્યું હતું અને આ સમગ્ર પ્રકરણમાં જે જવાબદાર છે તે મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર કે જેણે વિનોદભાઈનું ખોટું નામ નાખ્યું તે કુલદીપ રાજપરાને પણ સાથે રાખ્યો હતો. આટલા અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હોય છતાં ખોટા નિવેદન લેવાય ગયા તેથી તમામ અધિકારીની જવાબદારી બને છે.

હવે જવાબદારીની ફેંકાફેંકી, શાહે જે નામ લીધા બધાએ ના પાડી
કૌભાંડ બહાર આવતા અધિકારીઓએ જવાબદારીની ફેંકાફેંકી કરી છે. નિવેદન કોની પાસે છે તે અંગે જિલ્લા આરોગ્ય અધિકારીને પૂછવામા આવતા તેઓએ ડો. નિલેશ રાઠોડનું નામ લીધું હતું. ડો. રાઠોડનો સંપર્ક કરતા તેઓએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેમના નામ છે તેમના નિવેદન કોણે લીધા તે અંગે ડો. નિલેશ શાહે તાલુકા આરોગ્ય અધિકારી ડો. ધવલ ગોસાઈનું નામ લીધું હતું. ડો. ગોસાઈએ પણ આ મામલે ઈનકાર કરી અર્બન હેલ્થ ઓફિસર ડો.અફઝલ ખોખરે નિવેદન લીધા છે અને તેના આધારે તેમણે કાગળ બનાવી નાખ્યો હતો. ​​​​​​​એકનું નિવેદન આવ્યું છે અને હજુ બીજાના સંપર્ક કરવા કહ્યું છે, રિપોર્ટ આવી ગયા બાદ પગલાંનું વિચારાશે. - રેમ્યા મોહન, કલેક્ટર

અન્ય સમાચારો પણ છે...