કોઇ પણ પ્રકારનો અભ્યાસ કર્યા વગર જ બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન, દિલ્હીના નામે માર્કશીટ અને ડિગ્રી વેચવાના કૌભાંડનો તાજેતરમાં જ રાજકોટ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે, પોલીસે આ કૌભાંડમાં રાજકોટ, અમરેલી અને દિલ્હીના શખ્સોની ધરપકડ કરી છે ત્યારે આ ગેંગ પાસેથી રાજકોટની એક યુવતીએ પોતે ધોરણ 12 સાયન્સમાં ચાર વિષયમાં નાપાસ થઇ હોવા છતાં નકલી દિલ્હી બોર્ડનું ધોરણ 12નું પરિણામ પત્રક મેળવી તેના આધારે ઉદયપુરની ડેન્ટલ હોસ્પિટલમાં એડમિશન લઇ લીધું હતું અને ત્રણ મહિના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે પણ ફરજ બજાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
હજી પણ અનેક ધડાકા થવાના નિર્દેશો
પોલીસ આ મામલે તપાસ કરે તો હજુ પણ અનેક ધડાકા થવાના નિર્દેશો મળી રહ્યા છે. અમરેલીની ધારા મધુવન સોસાયટીમાં રહેતા વિનોદભાઇ પોપટલાલ વાઘેલાએ જાન્યુઆરી 2022માં પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી હતી, અરજીમાં વિનોદભાઇએ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર જીનાશ રેડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવે છે, ઓગસ્ટ 2020માં જીનાશની સગાઇ રાજકોટના એરપોર્ટ રોડ પરની ગીત ગુર્જરી સોસાયટીમાં રહેતી ચિત્રા ગોહેલ સાથે થઇ હતી.
તે ધોરણ 12ની પરીક્ષામાં ચાર વિષયમાં નાપાસ થઇ હતી
ચિત્રાના માતા દક્ષાબેન અને તેના પિતા વિનોદભાઇ ગોહેલે તેમની પુત્રી ચિત્રા ડેન્ટિસ્ટ હોવાની વાત કરી હતી, સગાઇ બાદ 16 ફેબ્રુઆરી 2021માં જીશાન અને ચિત્રાના લગ્ન થયા હતા, લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે મનમેળ નહીં રહેતા ઓગસ્ટ 2021માં ચિત્રા પોતાના પિયર જતી રહી હતી. વિનોદભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, ચિત્રા કાલાવડ રોડ પરની એક સ્કૂલમાં વર્ષ 2012માં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી અને ત્યારે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં તે ચાર વિષયમાં નાપાસ થઇ હતી.
ચિત્રાએ ત્રણ મહિના મેડિકલ ઓફિસરની ફરજ બજાવી
ચિત્રા ગોહેલે 19 જૂન 2012નું બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન, દિલ્હીનું ધોરણ 12 સાયન્સ પાસનું પરિણામ પત્રક મેળવ્યું હતું, આ પરિણામ પત્રકમાં ચિત્રા ગોહેલે રાજકોટના ખોડિયારનગરમાં આવેલી મારુતિ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કર્યાનું દર્શાવાયું હતું, ત્યારબાદ તે પરિણામ પત્રકના આધારે ચિત્રાએ રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી પેસિફિક ડેન્ટલ કોલેજમાં એડમિશન મેળવી વર્ષ 2013થી 2018 સુધી ત્યાં અભ્યાસ કરી ડેન્ટિસ્ટની ડિગ્રી મેળવી હતી એટલું જ નહીં 2020ના અંતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં ચિત્રાએ ત્રણ મહિના સુધી મેડિકલ ઓફિસર તરીકે પણ ફરજ બજાવી હતી.
પોલીસ ચિત્રાની પૂછપરછ કરશે તો હકીકત બહાર આવશે
વિનોદભાઇએ કરેલી અરજીના સંદર્ભે તત્કાલીન સમયે ગાંધીગ્રામ પોલીસે ચિત્રા અને તેના પરિવારજનોના નિવેદનો નોંધ્યા હતા અને પતિ જીશાનને દારૂનું વ્યસન હોવાથી મનમેળ નહીં થયાનું નિવેદન આપ્યું હતું, અને પોલીસે તે અરજી ફાઇલ કરી દીધી હતી પરંતુ પોલીસે તત્કાલીન સમયે ચિત્રા અને વિનોદભાઇ વાઘેલાએ રજૂ કરેલા સર્ટિફિકેટ અને માર્કશીટની ઊંડાણપૂર્વક તપાસ કરી હોત તો નકલી માર્કશીટ અને ડિગ્રી વેચવાના કૌભાંડનો એ સમયે જ પર્દાફાશ થઇ ગયો હોત અને અનેક વિદ્યાર્થીઓ લૂંટાતા બચ્યા હોત, પોલીસ ચિત્રાની પૂછપરછ કરશે તો હજુ પણ કેટલાક કૌભાંડકારોની હકીકત બહાર આવવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે.
કેસ કર્યો હોવાથી સસરાએ બદનામ કરવા અરજી કર્યાનું ચિત્રાએ નિવેદન આપ્યું’તું
વિનોદભાઇ વાઘેલાએ કરેલી અરજીના સંદર્ભે પોલીસે ચિત્રા ગોહેલનું નિવેદન નોંધ્યું હતું, ચિત્રાએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, તેના પતિ સાથે મનમેળ નહીં થવાથી અને સાસરિયાં પણ ત્રાસ આપતા હોવાથી પતિ સહિતનાઓ સામે ત્રાસ આપવાની પોલીસ ફરિયાદ કરી હતી અને પતિ સામે રાજકોટ કોર્ટમાં ભરણપોષણની પણ ફરિયાદ કરી હોય જેનો ખાર રાખી સમાજમાં બદનામ કરવા માટે સાસરિયાઓ ખોટા આક્ષેપ કરી રહ્યા છે.
રજૂ કરેલા ડિગ્રી સર્ટિફિકેટ માન્ય રાખી પોલીસે અરજી ફાઇલ કરી દીધી
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઇ કે.એ.વાળાએ વિનોદભાઇ વાઘેલાની અરજી ફાઇલ કરી હતી જેમાં તેમણે લેખિત નોંધ કરી હતી કે, ચિત્રાએ 2012માં ધોરણ 12 સાયન્સ પાસ કર્યુ છે, જેની માર્કશીટની નકલ તથા ડેન્ટલ કોર્સનું ડિગ્રી સર્ટિફિકેટ અને ગુજરાતમાં પ્રેક્ટિસ કરવા અંગેના સર્ટિફિકેટની નકલ રજૂ કરી હોય તપાસમાં ગુનાહિત બાબત જણાતી નહીં હોય અરજી ફાઇલ કરવામાં આવી છે. પરંતુ પોલીસે ચિત્રાએ રજૂ કરેલી માર્કશીટ અને પ્રમાણપત્રની ખરાઇ જેતે સ્થળે કરાવી હોત તો કદાચ કૌભાંડનો પર્દાફાશ તે સમયે જ થઇ ગયો હોત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.