કાર્યવાહી:રાજકોટમાં છપાતી હતી રૂ.200ની જાલીનોટ, બે શખ્સ પોલીસ સકંજામાં

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપીઓની તસવીર - Divya Bhaskar
આરોપીઓની તસવીર
  • સળગાવેલી 100 જાલીનોટના અવશેષો પુરાવારૂપે જપ્ત કરતી પોલીસ

મહેસાણામાં એચડીએફસી બેંકની બ્રાંચમાં રૂ.200ના દરની 100 જાલીનોટ ધાબડી દેવાના મામલામાં પોલીસે તપાસ કરતા રેલો રાજકોટ સુધી પહોંચ્યો હતો. રાજકોટના બે શખ્સ જાલીનોટ છાપી બજારમાં વહેતી કરતા હતા, પોલીસે બંનેને ઝડપી લીધા હતા. સૂત્રધારે પોતાના ઘરમાં રહેલી 100 જાલીનોટ સળગાવી પુરાવાનો નાશ કરવાના પ્રયાસ કર્યા હતા, જોકે પોલીસે તે પુરાવા પણ કબજે કર્યા હતા.

મહેસાણામાં પ્રભુ કોમ્પ્લેક્સમાં આવેલી એચડીએફસી બેંકની બ્રાંચમાં ગત તા.30ના બેંકના બે ગ્રાહકોએ પોતાની પેઢીના ખાતામાં રકમ જમા કરાવી હતી જેમાં રૂ.200ના દરની 100 નોટ જાલી હોવાનું ખુલ્યું હતું. આ અંગે બેંકના બ્રાંચ મેનેજર હેમંત પંડ્યાએ મહેસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ સોઢા સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બેંકમાં રકમ જમા કરાવવા ગયેલા નરેન્દ્ર ચૌધરી અને કેશવલાલ પટેલને બોલાવી પૂછપરછ કરતાં તેમણે આ નોટ બહુચરાજીના બાબુ પટેલે મોક્લ્યાનું ખુલ્યું હતું. પોલીસે બાબુ પટેલને સકંજામાં લઇ પૂછપરછ કરતાં રાજકોટ સુધી તપાસ લંબાઇ હતી.

પીઆઇ સોઢા સહિતની ટીમ બુધવારે રાજકોટ દોડી આવી હતી, અને ભક્તિનગર સર્કલ વિસ્તારમાંથી સાગર સુરેશ ખીલોસિયા અને રૈયા ચોકડી પાસેથી દીપક કારિયાને ઝડપી લીધા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહેસાણામાં તપાસ દરમિયાન અમરેલીના સસિયા ગામના મગન શેઠનું નામ ખૂલતા મગનને ઉઠાવી લીધો હતો, અને મગને જાલીનોટ રાજકોટના દીપક કારિયાએ આપ્યાની કબૂલાત આપી હતી. મગન અને સાગર પ્રિન્ટર અને કમ્પ્યૂટર સહિતની વસ્તુઓ લઇને દીપક કારિયાના ઘરે જતા હતા અને દીપક કારિયાના ઘરમાં રૂ.200ના દરની જાલીનોટ છાપવામાં આવતી હતી. મહેસાણામાં જાલીનોટ પકડાઇ ગયાની અને ગુનો નોંધાયાની જાણ થતાં દીપક કારિયાએ પોતાના ઘરમાં રહેલી રૂ.200ના દરની 100 જાલીનોટ સળગાવી નાખવાની કોશિશ કરી હતી, પોલીસે સળગાવેલી તે નોટના અવશેષો પણ પુરાવા રૂપે જપ્ત કર્યા હતા.

રાજકોટના દીપક કારિયા અને સાગર ખીલોસિયાએ રાજકોટમાં પણ રૂ.200ના દરની જાલીનોટ બજારમાં વહેતી મૂકી દીધી હોવાની શંકા સેવાઇ રહી છે. પોલીસ દ્વારા આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક સ્ફોટક વિગતો બહાર આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...