ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:માફિયાઓની નકલી ખનિજ કચેરી - બનાવટી મુક્તિ હુકમ, બેન્ક ચલણથી વાહનો છોડાવે છે

રાજકોટ24 દિવસ પહેલાલેખક: ઇમરાન હોથી
  • કૉપી લિંક
આ છે નકલી મુક્તિ હુકમ અને બેન્ક ચલણ - Divya Bhaskar
આ છે નકલી મુક્તિ હુકમ અને બેન્ક ચલણ
  • ધોરાજીમાં નોંધાયેલી ફરિયાદમાં પોલીસના હાથે મુખ્ય સૂત્રધાર નથી આવ્યો ત્યાં તેણે આચરેલા મસમોટા કૌભાંડનો ભાસ્કરે કર્યો પર્દાફાશ
  • રાજકોટમાં માફિયાઓએ સમાંતર તંત્ર ઊભું કરી દીધું
  • અસલ મુક્તિ હુકમ સ્કેન કરી તેમાં નામ બદલાવી સહી-સિક્કો કરી નાખતા હતા
  • શંકાસ્પદ નામોના ખાણ ખનીજ વિભાગના રેકોર્ડ અને પોલીસ સ્ટેશનના મુક્તિ હુકમો ચકાસતા કરામત ખુલી

રાજ્યમાં ખાણ-ખનીજ માફિયાઓનું વર્ચસ્વ દિનપ્રતિદિન વધી રહ્યું છે અને હવે તો ખાણ-ખનીજ વિભાગનું નકલી માળખું તૈયાર કરીને નકલી દસ્તાવેજો વડે જપ્ત થયેલાં વાહનો છોડાવવાના કૌભાંડનો પર્દાફાશ ભાસ્કરની તપાસમાં થયો છે.

રાજકોટના ધોરાજી પોલીસ સ્ટેશનમાં નકલી મુક્તિ હુકમના આધારે વાહન છોડાવવા મામલે ગુનો દાખલ થયો છે જેમાં મુખ્ય સૂત્રધાર સાગર મહેતા હાથમાં આવ્યો નથી તેથી પોલીસ હજુ તે જ કાગળમાં તપાસ કરી રહી છે પણ આ માત્ર એકલદોકલ કેસ જ નહીં પણ નવું જ કૌભાંડ આકાર લઈ રહ્યું છે તેની શંકાએ ભાસ્કરે તપાસ કરવા કેટલાંક શંકાસ્પદ નામો અને જ્યાંથી પકડાયા હતા તે લોકેશન ભાસ્કરે મેળવ્યા હતા અને ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે. એસ. વાઢેરને આપ્યા હતા જેથી તેમણે લગત પોલીસ સ્ટેશનમાંથી બધા મુક્તિ હુકમો મેળવી શંકાસ્પદ નામોવાળા હીરા દેવાયત કોડિયાતર અને અશ્વિન રામ વાળાના બે હુકમો કાઢ્યા હતા.

પ્રથમ દ્દષ્ટિએ સહી જોતા જ તે સહી તેમની ન હોવાનું સ્પષ્ટ થયું હતું આમ છતાં તેના પર લખેલા પત્ર નંબરને કચેરીના જાવક રજિસ્ટર તેમજ ચલણ નંબર ચકાસતા આવા કોઇ હુકમ કચેરીમાંથી બન્યા ન હોવાનું સ્પષ્ટ થયું હતું અને તેઓએ આ હુકમો નકલી હોવાનું જણાવ્યું હતું. ભાસ્કરે જે નામો આપ્યાં છે તે અલગ અલગ પોલીસ સ્ટેશનના છે અને હજુ તેમાંથી હુકમોની ખરાઈ થાય તો આંક વધશે. આ નકલી હુકમો બનાવવા અસલ હુકમો મેળવી તેને સ્કેન કરીને નામો બદલાવીને બાદમાં સહી કર્યાનું જોવા મળ્યું છે. તેથી કૌભાંડીઓએ અલગ અલગ અસલ હુકમ ચલણનો સિક્કો પણ રાખ્યો હતો.

આ રીતે ખાણ ખનીજ વિભાગની કચેરીમાં હોય તેવા તમામ કાગળો રાખી કચેરીની લગોલગ નકલી માળખુ બનાવ્યુ હતું. હદ એ હતી કે વાહન પકડાય એટલે કેટલો દંડ થાય તે પણ માહિતી રાખતા હતા. જેથી ખનીજચોરનો ફોન આવે એટલે દંડના 50 ટકા રકમ લઈ દસ્તાવેજો તૈયાર કરી દેવાતા હતા!

આ રીતે થતું હતું કૌભાંડ

  • ખનીજ ચોરીમાં જપ્ત થયેલું વાહન ઝડપથી અને અડધા ભાવે છોડાવવા માટે ખનીજમાફિયા ‘અદા’ તરીકે ઓળખતા સાગર ઉર્ફે મનીષ મહેતાને ફોન કરતા હતા. સાગર વિગતો પૂછી કેટલો દંડ થાય તે ગણી આપતો ત્યારબાદ અડધા પૈસા આંગડિયા કરવાનું કહેતો.
  • પૈસા આવે એટલે તેની પાસે રહેલા અન્ય ખનીજચોરના અસલ હુકમને સ્કેન કરી તેમાં ટ્રક નંબર અને નામ લખી નાખતો અને ચલણમાં પણ તે રીતે દંડની રકમ લખતો બાદમાં પ્રિન્ટ કાઢી તેમાં બેન્કનો સિક્કો અને ભુસ્તરશાસ્ત્રીની સહી કરી ફરી સ્કેન કરીને ખનીજચોરને મોકલી આપતો હતો.

આરોપીનાં વિવિધ સરનામાં, રાજ્યવ્યાપી કૌભાંડની આશંકા
એક વખત ટ્રક જપ્ત થાય ત્યારથી શરૂ કરી દંડનો હુકમ કરવામાં જ 15 દિવસ થાય છે અને ત્યારબાદ તે હુકમ રજિસ્ટર એડી મારફત ટ્રક માલિકને પહોંચે છે આ પદ્ધતિ હોય છે પણ આ કિસ્સાઓમાં માત્ર સપ્તાહમાં જ ટ્રક છુટી ગયા હતા. આરોપી સાગરના અલગ અલગ જિલ્લાઓમાં સરનામા મળ્યા છે તેથી ત્યાં પણ આ જ રીતે તેણે કૌભાંડ કર્યાની શક્યતા છે. તેથી રાજ્યવ્યાપી કૌભાંડની આશંકા છે.

અન્ય સમાચારો પણ છે...