કૌભાંડ:નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ રાજકોટ અને અમરેલી જિલ્લામાં જ છપાતા’તા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં SEIT એજ્યુકેશન નામની સંસ્થા ચલાવી કૌભાંડ કરનાર જયંતીનો જેલમાંથી કબજો મેળવતી પોલીસ
  • માર્કશીટ ખરીદી તેના આધારે ડિગ્રી મેળવી કારકિર્દી બનાવનારાઓની ધરપકડ થવાના એંધાણ

બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન દિલ્હી નામની સંસ્થાના નામે કોઇ પણ કોર્સ કે ડિગ્રીની માર્કશીટ અને સર્ટિફિકેટ વેચવાના કૌભાંડમાં માર્કશીટ અને સર્ટિફિકેટ સહિતનું સાહિત્ય રાજકોટ અને અમરેલીમાં જ છપાતું હોવાનો ધડાકો થયો હતો. કૌભાંડના અન્ય એક આરોપીનો પોલીસે જેલમાંથી કબજો મેળવ્યો હતો.

નાનામવા રોડ પરના માધવ કોમ્પ્લેક્સમાં ચાલતી એસઇઆઇટી એજ્યુકેશન નામની સંસ્થામાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી આ ઓફિસમાં નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ વેચાતું હોવાનો ધડાકો કર્યો હતો, પોલીસે તે પ્રકરણમાં સંસ્થાના પ્રિન્સિપાલ જયંતીલાલ લાલજી સુદાણીની ધરપકડ કરી હતી અને તેને જેલહવાલે કર્યો હતો.

આ મામલાની તપાસમાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી.જાડેજા સહિતની ટીમે નવું જ કૌભાંડ બહાર પાડ્યું હતું અને રાજકોટ તથા અમરેલીના શખ્સોએ દિલ્હીમાં બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન દિલ્હી નામની સંસ્થા રજિસ્ટર કરાવી હતી અને તે સંસ્થાના નામે રાજ્યની અલગ અલગ 57 શાળા સાથે એફિલેશન કરી અભ્યાસક્રમો ચાલુ કરાવ્યા હતા, જોકે અભ્યાસ વગર જ માર્કશીટ અને સર્ટિફિકેટનું વેચાણ કરવામાં આવતું હતું.

પોલીસે આ પ્રકરણમાં ખાંભાના કેતન જોશી, રાજકોટના અમૃતલાલ પીઠડિયા, પરેશ પ્રાણશંકર જોશી અને દિલ્હીની ઓફિસમાં કામ કરતી તનુજાસીંગની ધરપકડ કરી રાજકોટ અને દિલ્હીની ઓફિસમાંથી કેટલુંક સાહિત્ય જપ્ત કર્યું હતું. આ મામલામાં પોલીસે મંગળવારે જેલમાંથી જયંતીલાલ સુદાણીનો કબજો મેળવ્યો હતો અને બુધવારે તેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, માર્કશીટ અને સર્ટિફિકેટ સહિતનું સાહિત્ય રાજકોટ અને અમરેલીમાં જ છપાવવામાં આવતું હતું, સાહિત્ય છાપનારાઓની પણ પૂછપરછ કરવામાં આવશે તેમજ આ ચીટર ગેંગ પાસેથી નકલી માર્કશીટ બનાવી તે માર્કશીટના આધારે કોઇ કોલેજ કે સંસ્થામાં અભ્યાસ કરી કારકિર્દી બનાવનાર લોકોની યાદી તૈયાર કરી તેની સામે આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...