પોલીસનો દરોડો:ભાજપના નગરસેવકના ભાઇના ગેરેજમાંથી નકલી બાયોડીઝલ પકડાયું; અટિકા ફાટક પાસેના શિવશક્તિ ઓટોગેરેજમાં પોલીસનો દરોડો

રાજકોટ2 મહિનો પહેલા
પકડાયેલું બાયોડિઝલ અને ઇન્સેટમાં આરોપીની તસવીર
  • ગેરેજ કમ્પાઉન્ડની ઓરડીમાંથી 1500 લિટર જ્વલનશીલ પ્રવાહી ભરેલા 7 કેરબા જપ્ત, એક શખ્સ સકંજામાં લેવાયો

શહેરમાં બાયોડીઝલના નામે અનેક શંકાસ્પદ પ્રવાહીનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે, જિલ્લા કલેક્ટર તંત્રએ તાજેતરમાં જ દરોડા પાડી કથિત બાયોડીઝલનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો, ત્યારે ભક્તિનગર પોલીસે ભાજપ કોર્પોરેટરના ભાઇના ગેરેજમાંથી 1500 લિટર બાયોડીઝલ જેવું પેટ્રોકેમિકલ જપ્ત કરી એક શખ્સને સકંજામાં લીધો હતો. અટિકા ફાટક પાસે આવેલા શિવશક્તિ ઓટોગેરેજના કમ્પાઉન્ડમાં આવેલી ઓરડીમાં કથિત બાયોડીઝલનો જથ્થો હોવાની માહિતી મળતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી.ઝાલા સહિતની ટીમ દોડી ગઇ હતી.

પોલીસે ગેરેજ કમ્પાઉન્ડની ઓરડીમાં પડેલા 1500 લિટર જ્વલનશીલ પ્રવાહી ભરેલા 7 કેરબા કબજે કર્યા હતા તેમજ ઓરડીમાં રહેતા બિજલ ઠાકોરને સકંજામાં લીધો હતો. પીઆઇ ઝાલાએ જણાવ્યું હતું કે, કથિત બાયોડીઝલનો જથ્થો કબજે કરી આ પ્રવાહીના સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવશે અને એફએસએલ રિપોર્ટ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

બીજીબાજુ ભાજપના કોર્પોરેટર નરેન્દ્રસિંહ ઉર્ફે નિરૂભા વાઘેલાએ જણાવ્યું હતું કે, પોલીસે જ્યાં દરોડો પાડ્યો હતો તે ગેરેજ તેમના મોટાભાઇ કનકસિંહ વાઘેલા ચલાવે છે, અને પોલીસે કબજે કરેલું જ્વલનશીલ પ્રવાહી બાયોડીઝલ નથી પરંતુ કેમિકલ છે જે જૂન મહિનામાં ખરીદ કર્યું હતું અને તેનું બિલ પણ પોલીસને રજૂ કરવામાં આવશે.

કબજે થયેલું પ્રવાહી બાયોડીઝલ છે કે અન્ય કેમિકલ તે એફએસએલ રિપોર્ટમાં સ્પષ્ટ થઇ જશે, પરંતુ ગેરકાયદે બાયોડીઝલનો વેપલો અને ઉપયોગ કરતા તત્ત્વો પર તૂટી પડવા રાજ્ય સરકારે આદેશ આપ્યાછે અને તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે ભાજપના જ કોર્પોરેટરના ભાઇના ગેરેજમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી મળતા ભારે ચકચાર મચી હતી.ભાજપના કોર્પોરેટરના ભાઇના ગેરેજમાંથી મળેલ પ્રવાહીનું પરીક્ષણ થશે.

અન્ય સમાચારો પણ છે...